|| શ્રી ગોપાલો જયતે ||
દાસન જનકો દાસ, હરજી વ્રહે હીતકારી,
બસે રાજકોટ સુબાસ, ભૃત્યજન મંદીર ભારી;
શ્રીમંત બનીયા સોય, સામ રહે ઈન શેરી,
હલમલ જ્ઞાતીજ હોય, સુર સખી તીન તેરી;
તા મીસ ગુન સુરજ વો કઢયો, ધકા મુઠ ધરી કુટી,
ચોહોંપજ જન ગોપાલ ચઢયો, રેન રનાદે લુટી….૧૩
રાજકોટમાં દાસના દાસ હરજીભાઈ વાણીયા વૈષ્ણવ રહેતા હતા. તેમને વારંવાર વિરહ ભાવ થતો. મંદીર અનેક સેવકો આવતા અને ભગવદ્ વારતા ભાવથી કરતા. તેની સામી શેરીમાં કોઈ વાણીયા શ્રીમંત રહેતા. તેને ત્યાં સીમંત હોવાથી રાંદલ તેડયા હતા. તેમના જ્ઞાતીજનો પણ આવ્યા હતા અને સર્વો ઘોડો ખુંદતા હતા. તેથી ભગવદ્ વારતામાં ભંગ પડવાથી સુરજભાઇ નામના વૈશ્નવ ત્યાં ગયા અને ધક્કામુક્કી મારી રાંદલનું બધું ઘરેણું ઉતારી લઇ આવ્યા.
સોરઠ-
અંતે છે એક ખરો, ધરી ભાવ એને જ સ્મરો…અંતે
તન મન સોંપી એને સ્મરતાં, ભવસિંંધુ સહેજે તરો…અંતે
રાજકોટમાં શ્રી ગોપાલલાલજીના સેવક હરજીભાઈ નામે વાણીયા વૈષ્ણવ રહેતા. સુરજભાઈ નામે બીજા વાણીઆ વૈશ્નવ તેમના સંગી હતા, શ્રી ગોપાલજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા. પ્રભુમાં પૂર્ણ ભાવ રાખતા શ્રી ગોપાલજી સીવાય બીજા કોઈને તે માનતા નહીં એવા અનિન હતા. કોઇ વૈશ્નવ આવે તેનો પ્રેમથી સત્કાર કરતા અને તેમને પ્રભુ તુલ્ય માનતા. મોડી રાત સુધી ભગવદ્ ચર્ચા ચાલતી, સત્સંગનો પુરો પ્રેમ હતો. પ્રભુના સેવનમાંથી અને વૈશ્નવનો સત્કાર કરવામાંથી અવકાશ જ મળતો નહીં પોતે સર્વ સુખ એમાં જ માનતા. એક દીવસ રાતના હરજીભાઇ અને સુરજભાઇ બંને સાથે બેઠા છે અને ભગવદ્રચર્ચા કરે છે. સુરજભાઈ સાંભળે છે અને પ્રભુના ગુણ ગાવા તથા સાંભળવામાં એક તાન થઇ ગયા છે. એ મુજબ આનંદમાં સમય જાય છે. તેમાં શંકા ઉપજે તો ખુલાસા કરે છે. પ્રભુની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી-આનંદથી બંને કરી રહ્યા છે. તેમની સામેની શેરીમાં નગરશેઠ વાણીયા રહેતા. તેમને ત્યાં છોકરાની વહુનો ખોળો ભરવાનું મુહુરત હતું. બહાર ગામના સગા વ્હાલા પણ આવ્યા છે. ઘરમાં રાંદેલ-માતાને તેડયાં છે. બધા જમી પરવારી માતા પાસે બેઠા છે. ત્યાં એક ચારણ આવી માતા પાસે ઘોડો ખુંદવા લાગી. ઘડીક નાચે છે, ઘડીક ફરે છે. એ પ્રમાણે ત્યાં ભારે ધોંધાટ મચી રહ્યો છે અને સ્ત્રીઓ મળીને જુદી જુદી જાતનાં ગીતો ગાઇ રહી છે.
આ બધી ધાંધલ જોઇ ભક્તને ક્રોધ ચઢયો. આનંદમાં વિક્ષેપ થાય તે કેમ સહન થઈ શકે ? સુરજભાઈ તો ક્રોધ થી લાલચોળ બની ગયાં, પોતે ત્યાં ગયા અને જે ધુણતી હતી તેને જોરથી લપાટ લગાવી દીધી. બધા સ્તબ્ધ થઈ જોઈ રહ્યાં. ભુઈ વિચારમાં પડી કે આ કોઈ દેવી કોપ છે તેથી બધો ડોળ છોડી પલાયન કર્યું. સુરજભાઈ માતા પાસે ગયા, તેને પેરાવેલાં બધાં ઘરેણાં ઉતારી દીધાં, અને પોતાના સંગી હરજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠાં.
રાત્રે જે બીના બની તેની સવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ. વાણીયાઓ તમામ ભેળા થઈ રાજા વિભાજામ પાસે ફરીયાદ કરી ઇન્સાફ લેવા ચાલ્યા. સુરજભાઈને તો મનમાં કોઈ જાતનો ડર નથી. તેને પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને પ્રભુ ભજનમાં ભંગ થવાથી આ કિસ્સો બન્યો હતો. રાજાએ સુરજભાઈને પોતાની પાસે તેડાવી ખરો ખુલાસો કરવા જણાવ્યું. જે બીના બની હતી તે સુરજભાઇએ વિભાજામ પાસે કહી. વિભાજામ પણ એ જ પ્રભુનો સેવક હતો. તેણે અપરાધીને દોષ રહીત ઠરાવીને માલ પાછો અપાવ્યો. બધા
વાણીયાઓએ સુરજભાઇ પ્રભુના સાચા સેવક છે એમ માન્યું.
ચારણ મનમાં વિચાર કરવા લાગી કે રાત્રે માર ખાધો, એ કોઇ ખરેખર દૈવી જીવ છે, એનો પરચો ઓછો નહીં કારણ કે તમાચો માર્યો છે તે હજી સુધી મને બળે છે માટે હું એનું શરણ ગ્રહું. પછી મારામાં પાપ ક્યાંથી રહેશે ? એથી જ મારો ઉદ્ધાર થશે. તેથી તેણે જઈ ભક્તની ક્ષમા માગી મનમાં જરા પણ રોષ રાખ્યો નહીં, શ્રી ગોપાલલાલજી મહારાજની સેવક થઈ. તેના દેવીદાસ અને હરીદાસ નામના બે પુત્રો હતા તેને પણ નામ સમરપણ અપાવી સેવક કર્યા, તે હરીદાસે ગંભીરગુણનું વર્ણન કર્યું છે અને દેવીદાસે પણ અમણો ગોપાલલાલ વિગેરે ઘણા જ પદો બનાવ્યા છે. એવા કૃપાપાત્ર થયા.
રાત્રે રાંદલ દેવી શેઠને સ્વપ્નમાં આવી; ખુલાસાથી બધી વાત કહેવા લાગી કે તું સવારમાં સુરજભાઈ પાસે જઇ શ્રી ગોપાલજીને શરણે થા, એ પુરૂષોત્તમમાં જો તું ભાવ રાખીશ, તો તારી બધી આશા પૂર્ણ થાશે. શેઠ મનમાં વિચાર કરે છે કે એ વાત સાચી કેમ મનાય ? જો સુરજભાઇ સ્વપ્નમાં બનેલી વાત મને કહે, તો મારા મનમાં વિશ્વાસ આવે. સવારમાં ઉઠીને નાહી પરવારી શેઠ સુરજભાઈને ઘેર આનંદથી આવ્યા. સત્કાર કરીને સુરજભાઇ પુછે છે કે રાત્રે દેવી શું કહી ગઇ ! એ સાંભળી શેઠ દીનતાથી સુરજભાઈના પગમાં પડયા. પોતાનાં મનમાં દૃઢ થયું કે સ્વપ્નની વાત સાચી એવો નિશ્ચય થયો અને સેવક થવા માટે સુરજભાઈ પાસે વિનતી કરી. સુરજભાઇએ શ્રી ગોપાલલાલ જામનગર બીરાજતા હતા તેથી વીનતી પત્ર લખી આપ્યો, શેઠ જાતે જઈ આપશ્રીને મળ્યા વિનંતી કરી અને રાજકોટ પોતાને ઘરે પધરાવી લાવ્યા. નહાઈ ધોઇ પવિત્ર થઇ પોતે શ્રી ગોપાલલાલજીનું નામ નિવેદન લીધું અને ઘરનાં સર્વે કુટુંબ-પરિવારને અપાવ્યું. એવા સુરજભાઈ તથા હરજીભાઈ કૃપાપાત્ર હતા. તેના પ્રતાપે રાજકોટના નગરશેઠ વૈષ્ણવ થયા. અને માતા રાંદેલ પણ પ્રતિબંધ કરી ન શકે માટે જ
અંતે છે એક ખરો, ધરીને ભાવ, એનેજ સ્મરો…અંતે,
તનમન સોંપી એને સ્મરતાં, ભવસીંધુ સ્હેજે તરો…અંતે.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||
Jay ho vhala.. Jay gopal