|| શ્રી ગોપેન્દ્રપ્રભુ વિજયતે ||

“શ્રીગોપેન્દ્ર સ્તોત્રમ્” નાં રચયિતા જુનાગઢના રાઘવજી જાની છે, જે પ્રખર વિદ્વાન હતા. જે પોતે વધુ જાણકાર છે તે ભાવથી શ્રીગોપેન્દ્રલાલજી મહારાજ સાથે ચર્ચા કરવા આવેલ. શ્રીગોપેન્દ્રજી એ પોતાનું નિકુંજનાયક લીલાનું દર્શન કરાવી તેમને શરણે લીધા. શ્રીગોપેન્દ્રજી એ તેમને શ્રીહરબાઇબા નો સંગ આપેલ તેથી સ્તોત્ર માં નામાચરણ હરબાઇબા નું છે.

જેમ જળનો પ્રવાહ જ્યાંથી વહેતો હોય તેને સ્ત્રોત કહેવાય, તેમ શ્રી ગોપેન્દ્રલાલ પોતાની કૃપાનો સ્ત્રોત પોતાના દાસજનો પર વહાવી રહ્યા છે. જે સ્ત્રોતમાંથી દ્વાપરની લીલા કલિયુગમાં કરી દૈવીજીવોનાં મન પોતાના સ્વરૂપમાં લુબ્ધ કરે છે.

વરેણ્યંવરદં વિષ્ણું વલ્લભાખ્યં મહાપ્રભુમ્ ||
વન્દેહં પરમાનંદમ્ પુષ્ટિમાર્ગપ્રવર્તકમ્ ||1.||

લીલાનું સ્વરૂપ જે ઉભય છે તે વરવા યોગ્ય, વરદાન આપવામાં શ્રેષ્ઠ(અદેદાન આપનારા- શ્રીસર્વોત્તમ સ્તોત્રમ્), શ્રીવિષ્ણુ સ્વરૂપ, પરમાનંદરૂપ, પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીને હું નમન કરૂં છું.(શ્રીમહાપ્રભુજીએ ચાર શાસ્ત્રોને પ્રમાણિત કર્યા છે. નિકુંજલીલાથી પુષ્ટિમાર્ગ સ્થાપિત હતો, પણ જગતને શ્રીમહાપ્રભુજીએ ઓળખાવ્યો છે.)

વૈશ્વાનરસુતં દેવં વિઠ્ઠલં વરદર્ષભમ્ ||
વન્દેહં પરમાનંદમ્ પુષ્ટિદં વેદવિદ્વરમ્ ||2.||

વૈશ્વાનર શ્રીમહાપ્રભુજી(અગ્નિ સ્વરૂપમાંથી શ્રીવલ્લભનું પ્રાગટ્ય થયુ)ના પુત્ર, દેવ, જ્ઞાન શૂન્ય જીવોને કૃપાનું દાન કરનાર, વેદને સારી રીતે જાણનાર, ભક્તો માટે પરમાનંદ સ્વરૂપ શ્રીવિઠ્ઠલનાથજીને હું વંદન કરૂં છું. (નવધા ભક્તિમાં વંદન ભક્તિ છે, પ્રભુની કૃપા મેળવવા વંદન શ્રેષ્ઠ ભક્તિ છે.)

જાનકીવલ્લભંદેવં, વિઠ્ઠલાત્મજમીશ્વરમ્ ||
બ્રહ્મવિત્પ્રવરં વન્દે રઘુનાથં દયાનિધિમ્ ||3.||

શ્રીજાનકીજીના વલ્લભ(સ્વામિ), શ્રીવિઠ્ઠલનાથજીના લાલ, ઇશ્વર, બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ(અઢાર પુરાણના પ્રખર પંડીત), દયાનિધિ, શ્રીરઘુનાથજીને હું વંદન કરૂં છું.

જાનકીગર્ભસંભૂતં રઘુનાથપ્રિયાત્મજમ્ ||
સત્યભામાપતિં વન્દે ગોપાલં વનમાલિનમ્ ||4.||

શ્રીજાનકીજીના લાલ, શ્રીરઘુનાથજીના પ્રિય પુત્ર, શ્રીસત્યભામાજીના પતિ, વનમાળા ધારણ કરેલ શ્રીગોપાલલાલજીને હું વંદન કરૂં છું.

⇒  આ સ્તોત્રમાં જે સ્વરૂપનું લીલાત્મક વર્ણન કરવું છે તે હવેથી કરે છે. પ્રથમ ચાર કડીમાં આ માર્ગ, શ્રીવલ્લભ સ્વરૂપ અને શ્રીવલ્લભ વંશની ભવ્યતા વર્ણવી છે. 

શ્રીમદ્દગોપાલતનયં શ્રીમદ્દ ગોપેન્દ્રમીશ્વરમ્ ||
સત્યભામાસુતં વન્દે ચતુ:પત્નિપ્રિયં પ્રભુમ્ ||5.||

શ્રીગોપાલલાલજીના પુત્ર, ઇશ્વર, સત્યભામાજીના લાલ, ચાર પત્નિઓના પ્રિય શ્રીગોપેન્દ્રલાલજી ને હું વંદન કરૂં છું.

શ્રીરુક્મણિ રુક્માવતી શ્રીમદ્દજામ્બુવતી પ્રિયમ્ ||
વન્દે વૃજકુમારીશં લીલામનુજવિગ્રહમ્ ||6.||

શ્રીરૂક્મણિજી, શ્રીરૂક્માવંતીજી, શ્રીજામ્બુવંતીજી અને શ્રીવ્રજકુમારીજી ના પ્રિય- સ્વામિ,લીલા માટે મનુષ્ય દેહને ધારણ કરનાર શ્રીગોપેન્દ્રજીને હું વંદન કરૂં છું.

ચોરયિત્વા મહામુક્તાનુપ્તવા યસ્તુલસીસ્થલે ||
જનન્યૈ દર્શયામાસ સગુચ્છાંસ્તમહં ભજે ||7.||

શ્રીગોપેન્દ્રજીએ મહામુક્તાઓને ચોરીને તુલસીજીના ક્યારામાં વાવ્યા, માતૃશ્રીને ગુચ્છા સહિત બતાવ્યા તે શ્રીગોપેન્દ્રજીને હું ભજું છું.(દ્વાપરમાં શ્રીકૃષ્ણને સગાઇ પ્રસંગે શ્રીરાધાજી એ સાચા મોતીનો હાર આપેલ હવે પુત્ર તરફથી વિશેષ પરત કરવું પડે તેથી શ્રી યશોદાજીને ચિંતામાં જોઇ શ્રીકૃષ્ણએ મોતી વાવી પ્રભાતે વેલ વિકસાવી. દ્વાપરની આ જ લીલા કલિયુગમાં પ્રગટ કરી આપશ્રી એ સ્વરૂપ બતાવ્યુ છે.)

ભૂયો ગિરિવરં સાક્ષાન્નવનીતાયતં પદા ||
ચિન્હિતં દર્શયામાસ ભૃત્યાય તમહં ભજે ||8.||

પુન: જેમણે શ્રીચરણથી ચિન્હિત શ્રીગિરિરાજજીનું નવનીતરૂપનું દર્શન પોતાના દાસને  કરાવ્યુ તે શ્રીગોપેન્દ્રજીને હું ભજું છું.(દ્વાપરમાં જ્યારે શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા માટે શ્રીગિરિરાજ પર પધારતા ત્યારે શ્રીગિરિરાજજી અત્યંત કોમળ થઇ જતા- આપશ્રીના ચરણોની છાપ અંકિત થઇ જતી. જ્યારે ઇન્દ્રએ વ્રજ પર અતિવર્ષા કરેલ ત્યારે શ્રીકૃષ્ણએ સાત દિવસ શ્રીગિરિરાજજીને ધારણ કરેલ ત્યારે શ્રીગિરિરાજજીએ વિનંતી કરી કે અમારુ સ્થાન ચરણોમાં હોય ત્યારે શ્રીકૃષ્ણએ વચન આપેલ કે કલિયુગમાં શ્રીગોપેન્દ્ર સ્વરૂપે પ્રગટી વચન પૂર્ણ કરીશ.)

ઉત્પાદ્ય યમુનાં પુત્રીં પુત્રં ચ વટરૂપિણમ્ ||
આતનોતાં મહાસૃષ્ટિં સ્વકીયાં તમહં ભજે ||9.||

શ્રી જમુનેશ સુપુત્રી અને લાલવડરાયરૂપી પુત્રને પ્રગટ કરી જેમણે પોતાની મહાસૃષ્ટિનો વિસ્તાર કર્યો તે શ્રીગોપેન્દ્રજીને હું ભજું છું.(શ્રીયમુના બેટીજી(જમુનેશ મહાપ્રભુજી) સૃષ્ટિમાં પુત્ર સ્વરૂપે પધારી લીલાવંત રાખી.શ્રીભિયાળમાં પોતાના પ્રાગટ્ય ઉત્સવે કાસદ દ્વારા સમાચાર આવ્યા કે લાલે લીલા વિસ્તારી છે, ત્યારે ગંગ ૠષિના મનોરથ રૂપે તથા આગળ સૃષ્ટિ નવપલ્લવિત રહે તે માટે શ્રીલાલવડરાયજીનું પ્રાગટ્ય કરી પોતે અહોનિશ બિરાજી સુખ આપે છે.)

જયગોપાલમાત્રેણ ય આત્માનં પ્રયચ્છતિ ||
પ્રીત:પ્રભુપ્રપન્નાય તં ગોપેન્દ્રમહં ભજે ||10.||

જયગોપાલ બોલવા માત્રથી જેઓશ્રી પોતાના આત્માનું દાન કરે છે અને શરણાગત જીવો પર પ્રસન્ન થાય છે, તેવા શ્રીગોપેન્દ્રપ્રભુને હું ભજું છું

ગોપેન્દ્રમાદ્યં પુરુષં મહાન્તમાદિત્યવર્ણં તમસાપરસ્તાત્ ||
પરં પવિત્રં પ્રણત પ્રતીતં ગોપાલસુતં તમહં ભજામિ ||11.||

આદ્યપુરૂષ, સૂર્ય જેવા તેજસ્વિ, અજ્ઞાનરૂપી અંધકારથી પર, પરમ પવિત્ર, શરણાગત જીવને સ્મરણમાત્રથી દર્શન આપનાર શ્રીગોપાલલાલના લાલ શ્રીગોપેન્દ્રલાલને હું ભજું છું.

ઇદં ગોપેન્દ્ર સુસ્તોત્રં પવિત્રં વેદસમ્મિતમ્ ||
ય: પઠેન્મનુજો ભક્ત્યા સ ગોપેન્દ્રપ્રિયો ભવેત્ ||12.||

આ શ્રીગોપેન્દ્રજીના ઉત્તમ સ્તોત્ર જે પવિત્ર વેદતુલ્ય છે(સાક્ષાત શ્રીગોપેન્દ્રજીએ હ્રદયમાં પધારી વ્યક્ત કરાવેલ છે,માટે પવિત્ર છે). તેનો જે જીવ ભક્તિથી પાઠ કરશે, તે શ્રીગોપેન્દ્રપ્રભુને પ્રિય થશે.

|| ઇતિ શ્રી હરબાઇબા કૃતં ‘શ્રી ગોપેન્દ્રસ્તોત્રમ્’ સંપૂર્ણંમ્ ||

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

‘શ્રીગોપેન્દ્ર સ્તોત્રમ્’ જોવા માટે અહીં ક્લિક કરો.

|| સર્વે ભગવદ્દીઓ ને “જય ગોપાલ” ||


Comments

One response to “|| શ્રી ગોપેન્દ્ર સ્તોત્રમ્ ||”

  1. વિનોદ દામોદર વાઢેર Avatar
    વિનોદ દામોદર વાઢેર

    Jai Gopal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *