|| ડોસાભાઇ ની વાર્તા(ભાગ- 2) ||

0
162

|| શ્રી ગોપાલો જયતે ||

સં.1801 માં અષાઢ વદી 10 ના દીવસે શ્રીઠાકુરજીને કાંઇક અધીક સામગ્રી બનાવી ધરાવવા ડોસાભાઇને ઉત્સાહ થયો એટલે ડોસાભાઇએ ઘણા આનંદથી શ્રીઠાકુરજી ને થાળ ધરાવ્યો. તે સમયે બહારગામના કોઇ બે વેપારી ડોસાભાઇને ઘેર હીંગ લેવા આવ્યા. ડોસાભાઇએ તેમને પાંચાભાઇ પાસે બેસાડી પોતે મંદીરમાં આવ્યા. પ્રભુજી પાસે થાળ ધરેલો છે અને માન્યુ કે શ્રીજી આરોગે છે એટલે સ્ત્રીને કહે હું હીંગ તોળી દઉં છું તું થાળ સરાવી લેજે. એમ કહી પોતે બહાર આવી વેપારીને હીંગ તોળી આપી. પણ પૈસા લેતી વખતે એકબીજાને રકઝક થઇ, તે પ્રભુને રૂચ્યું નહીં, પ્રભુ નારાજ થયા. પોતાના ભક્તની દ્રવ્યની આવી લાલસા જોઇને પ્રભુ આરોગ્યા નહીં, તે ડોસાભાઇને શું ખબર પડે ?  પ્રભુએ આરોગી લીધું છે એમ જાણી ડોસાભાઇ ધરાવેલો થાળ બહાર લાવ્યા અને સહુને પ્રસાદ લેવરાવ્યા પછી પોતે પણ પ્રસાદ લીધા, પણ આજે પ્રભુ આરોગ્યા નથી અને નારાજ થયા છે તે વાત જાણી શક્યા નહીં.

સાંજ પડી, પ્રભુને સુખ શૈયામાં પોઢાડી, દ્વાર મંગળ કર્યા. ઘણાજ આનંદથી ભગવદ્દ ચર્ચા કરી. પછી સહુ પોતપોતાને સ્થળે સુતા. એ સમયે ડોસાભાઇને સ્વપ્ન આવ્યું…

દડવાથી બે ગાઉ ઉપર ઉગમણી બાજુએ દેવળીયું ગામ છે. ત્યાં જેરામદાસ વાણીયા વૈશ્નવ શ્રીગોપાલલાલના સેવક હતા. તેમના સ્ત્રી જીવાબાઇ અને માતા હરખબાઇ અને એક ત્રણ વરસનો બાળક હતો, ઘરે શ્રીઠાકોરજીનું સેવન બીરાજતું, પોતે બહુજ પ્રેમી હતા. ડોશી શ્રીઠાકોરજી પાસે બેઠા છે અને પદ ગાય છે, અને જીવાવહુ જેરામદાસ તથા બાળક સાથે બેસી પ્રસાદ લે છે. આ સમયે ડોસાભાઇ ત્યાં આવે છે, પ્રભુને સાષ્ટાંગ દંડવત કરી સર્વે ને જય ગોપાલ કરે છે. જેરામદાસ તેમનો બહુ રૂડી રીતે સત્કાર કરી કહેવા લાગ્યા…

હરીગીત – કીધો કૃતારથ દાસને, આજે પધારી આ સમે,
ક્યાં થકી આવ્યા આપ, કહેશો કૃપા ધારી દાસને,
ડોસો કહે મુજ ગામથી, આવ્યો છઉ તમ પાસ હું,
તેડી ભુવનમાં પ્રેમથી, ભોજન કરાવ્યુ ત્યાં બહુ,
મુખવાસ ખાતા ભાવથી, વાતો વિવિધ કરતાં તહીં,
દુભાવ્યા તમે શ્રીનાથને, તેથી જ આરોગ્યા નહીં.

ડોસાભાઇ – કીધી નથી મેં રીસ આજે, કોઇથી ઘરમાં જરી,
શાને દુભાણા નાથ મારા, વાત એ કોણે કરી.

જેરામદાસ- કીધું મને પોતે પ્રભુએ, સાક્ષાત આવી શ્રી મુખે,
ઝગડો કર્યો વેપારી સંગે, એક ત્રાંબીયા કેરા દુખે,
થાળ ભોગ તણો ધર્યો, પણ ના ગમ્યું જરીએ મને,
તેથી તજી એ સ્થાન, આવ્યો તુજ પાસે આ સમે.

ડોસાભાઇ કહે શ્રીઠાકોરજી અહીં ક્યા સ્વરૂપમાં આવ્યા હતા, જે વાત બની હોય એ વિસ્તારથી કહો. ત્યારે જેરામદાસ કહેવા લાગ્યા, ચાર ઘડી રાત્રી વ્યતીત થઇ હશે તે સમયે પ્રભુ મારે હાટે પધાર્યા. પોતે વિપ્ર વેષ ધારણ કરેલો છે, કપાળમાં કુમકુમનું તિલક બીરાજે છે, ધોળા વસ્ત્રો ધારણ કર્યા છે. શીર પર પાઘ પણ સફેદ શોભી રહી છે, આપ ચાખડી ઉપર ચડ્યા છે, સાથે એક છડીદાર છે, હું નિંદ્રામાં હતો, મને નામ લઇને બોલાવ્યો. મેં જાગીને બારણુ ઉઘાડ્યું, પ્રભુને જોઇને સામો દોડી ગયો અને પ્રેમથી ઘરમાં પધરાવ્યા. આસન બીછાવી આપ્યું, તે ઉપર આપ બીરાજ્યા અને મને કહેવા લાગ્યા, જેરામ હું ક્ષુધાતુર છું, જળ ભરી આવ.

હું જલ્દી જળ ભરી આવ્યો, પ્રભુ રસોઇ કરવા બેઠા, ભાવથી મીઠો ભાત કરી પ્રભુ પ્રેમથી આરોગ્યા. ચાકરને પણ પ્રસાદ આપ્યો અને બાકી વધેલુ મને સોંપ્યું. હું પણ આનંદથી પ્રસાદ લેવા બેઠો ત્યાં તો આપ અદ્રશ્ય થઇ ગયા. એ સમયે ડોસાભાઇ નિંદ્રામાંથી જાગ્રત થયા, વિચાર કરી જાણ્યુ કે મેં મહાદુષ્ટ કામ કર્યુ અને રોતાં રોતાં બધી વાત પાંચાભાઇને કરી.

અરે પાંચાભાઇ આજ તો મેં બહુ જ બુરૂં કર્યું, ઠાકોરજીને ભુખ્યા રાખ્યા. સ્વપ્ન વાટે આ સઘળી વાત જાણી કે હું દેવાળીયામાં ગયો, જેરામદાસે ઠાકોરજીને જમાડ્યા, મારી મોટી ભુલ થઇ. મેં વાણીયાની સાથે વાદ કર્યો તેથી પ્રભુજી દુભાણા. તે બધું મને જેરામદાસે સમજાવ્યું, હવે પશ્ચાતાપ થાય છે. હું કેવો મુરખ કે કાંઇ સમજ્યો નહીં અને પ્રભુને પરિશ્રમ પડયો. હવે આ સ્વપ્નની ખાત્રી કરવા હું જેરામદાસ ને ઘેર જઇશ ત્યારે જ મને શાંતી થશે, થોડી હીંગ લઇ વેંચવાને બહાને ત્યાં જવાનુ મને મન થાય છે. એ પ્રમાણે પાંચાભાઇ પાસે વાતો કરતા પશ્ચાતાપ કરે છે અને અત્યંત રૂદન કરે છે. જવા માટે તૈયારી કરી અને સવારસાંજ રવાના થયા. દસગાઉ ચાલી આમરણ આવ્યા. પોતાના મનમાં એક કીર્તન ઉપજ્યુ. જે શ્રીઠાકોરજી સમક્ષ દર્શન કરતાં રામભાઇ તથા કળશભાઇને સંભળાવ્યું…

શામલડીરે સલુણી, તું સુભગ સ્વરૂપ.
બીધુ વદન તોરી, નીલવટ ઝળકે,
અરૂન નયન અનુપ…શામલડીરે.
સરસ સરૂપ સુરીગ સોહાગી, જીવ કલ્પે બહુ રૂપ,
જીવન સખી શ્રી ગોપેન્દ્ર, રસીલો મળ્યો રસરૂપ…શામલડીરે.

સવારે ત્યાંથી નીકળી સાત ગાઉ ચાલી, બાલાંભે આવ્યા. ત્યાં મોરારભાભાની પુત્રીને ત્યાં આવી ઘણો ભાવ અને ઉમંગ જોઇ રાત રોકાયા. ત્યાંથી સાત ગાઉ ધ્રોળ અને ત્યાંથી હડમતીયે આવ્યા, ત્યાં અદાભાઇ બહુ રાજી થયા. ત્યાંથી લવજીભાઇ નામે બ્રાહ્મણ સાથે સરપદડ આવ્યા. તેર ગાઉ ચાલીને ગયા, કરશનભાઇ ઘણા ખુશ થયા. ત્યાંથી હરજીભાઇને ત્યાં ખીરસરે આવ્યા. ત્યાં પાંચ રાત રોકાઇને અરોડાઇ ગયા. ત્યાં જશોદા અને દામાભાઇ અત્યંત પ્રભુ પ્રેમી હતા, તેમણે ત્રણ દીવસ રોક્યા. આગળ ચાલવાનો વીચાર કરે છે ત્યારે દામાભાઇ કહેવા લાગ્યા કે ડોસાભાઇ અહીંથી બે ગાઉ દુર કોટડા ગામમાં પંચાણ દરજી શ્રીજીના સેવક છે અને તે શ્રાવણ સુદ 14 ના દીવસે મહામહોત્સવ કરે છે, માટે અહીં બે દીવસ વધારે રોકાઇ જાવ તો અમૂલ્ય લાભ મળે તેથી ડોસાભાઇ ઘણા ખુશ થયા અને ત્યાં રોકાયા.

બારસના દીવસે બધા વૈશ્નવો કોટડા જવા માટે તૈયાર થયા. ડોસાભાઇના મનમાં અતિ ઉમંગ છે તે પણ સાથે જવા તૈયાર થયા. ત્યાં જઇને મંડપના દર્શન કર્યા. દેશવિદેશથી વૈશ્નવો પધાર્યા છે. તેમના દર્શન કરી કૃતાર્થ થયા. ભાવથી હળીમળી મહાસુખ પામ્યા. દેવળીયેથી જેરામદાસ પણ પધાર્યા છે. તેમના દર્શન કરી ડોસાભાઇ આનંદમાં તરબોળ બની ગયા ભાવથી ભેટી અવર્ણનીય સુખ અનુભવ્યું. ત્યાં ત્રણ દીવસ મહાઆનંદમાં માલ્યા. માળા પ્રસાદ લઇ સર્વે એ વિદાયગીરી લીધી. જેરામદાસે ડોસાભાઇને પુછ્યું તમે કઇ તરફ જવાના છો, ડોસાભાઇ કહે મારે તો મારા ઘર તરફ જવું છે. જેરામદાસ કહે મારે પણ તે દિશા તરફ જવુ છે, એ સાંભળી ડોસાભાઇ ખુબજ ખુશ થયા. ત્યાં સર્વેને મળી રજા લઇ બંને ખીરસરે આવ્યા. ત્યાં રાત રોકાયા. ડોસાભાઇ મનમાં વીચાર કરે છે કે સ્વપ્નની વાત જેરામ કેમ કહેતા નથી. જો સ્વપ્ન સાચું હશે તો પોતાની મેળે બોલશે. તેથી પોતે એ વાત ઉચ્ચારી નહીં. સવાર થતા બંને ત્યાંથી ચાલી નીકળ્યા, અને સરપદડ આવ્યા.ત્યાં શ્રીઠાકોરજી કરશનદાસને ઘેર હીંડોળે ઝુલતા હતા. દર્શન કરી કૃતાર્થ થયા. ત્યાંથી બને રોયસાળા આવ્યા. અહીં જેરામદાસના બહેન રહેતા હતા. ત્યાં આવ્યા છતા સ્વપ્નની કોઇ વાત થઇ નહીં. ડોસાભાઇ કહે હું તો આજ ટંકારે જઇને રાત રહીશ. ત્યારે જેરામદાસ કહેવા લાગ્યા અરે ડોસાભાઇ ! એમ તે કાંઇ થતું હશે ? હજી તો આપણે કાંઇ વાતચીત પણ નથી કરી તેથી આજે અહીં બેનને મળીશું અને રાત રહીશું અને વાત કરીશું. અત્યંત આગ્રહ કરી જેરામદાસ ડોસાભાઇને બેનને ત્યાં તેડી ગયા.

ઘરે વૈશ્નવ આવ્યા તેથી બેન મનમાં બહુ હર્ષ પામ્યા. જેરામદાસે બેનને બોલાવી કહ્યુ, બેન ! તું જલ્દી જળ ભરી આવ. આપણે ઘેર પરમ ભગવદ્દી પધાર્યા છે, એની પાસે રસોઇ કરાવવી છે, તેઓ પ્રભુને ભોગ ધરાવશે ત્યારપછી હું પ્રસાદ લઇશ. ત્યારે બેન ઘણા આનંદથી પુછવા લાગ્યા કે એ વૈશ્નવ કોણ છે? ત્યારે જેરામદાસ સમજાવવા લાગ્યા, બેન ! હું એમની વાત શી કરૂં ? એ મને પ્રાણથી પણ પ્યારા છે, એ મારા પ્રભુ છે, એમ કહેતા આંખમાં ઝળહળીયાં આવી ગયા. હ્રદય ભરાઇ આવ્યુ. ડોસાભાઇના મનમાં પણ હર્ષ ઉભરાયો. બંને એક પ્રાણ બની ગયા. કેટલીક વાતચીત કરી, ભલીભાતે રસોઇ બનાવી શ્રીજીને અંગીકાર કરાવી ત્યાર પછી સર્વેએ આનંદથી પ્રસાદ લીધા. અને ઢોલીયા ઢાળી ઓરડામાં બેઠા. એ વખતે જેરામદાસ કહેવા લાગ્યા…

દોહરા.

અશાડ વદ દશમી દને, પ્રભુ આવ્યા મુજ ધામ,
ઉંઘ થકી ઉઠાડીને, બોલ્યા રાતે આમ;
આજ નથી આરોગીયો, હું ડોસાને ઘેર,
તેથી સત્વર જળ ભરી, રસોઇની કર પેર.

આજ્ઞા આણી ઉર પ્રતિ, કીધું જળ તૈયાર,
રસોઇ પ્રેમથી કરી, આરોગ્યા વૃજધાર;
પ્રસાદ બાકી જે વધ્યો, લેવામાં મુજ ધ્યાન,
પ્રભુ કૃપા અનહદ કરી, થયા જ અંતરધ્યાન.

સ્વરૂપ વર્ષ બાવીસનું, દીઠું અદભૂત એમ,
આપોપી કરુણા કરી, ધરી મુજ પર રહેમ;
ડોસો ચરણમાંહી પડયો, કહે છે તમને ધન્ય,
દર્શન અનુપમ પામીયા, કો મેળવશે અન્ય.

ક્ષમા ચહી પ્રિયતમ તણી, આવ્યા તવ નિજધામ,
ભાવ વધારી ભક્તિમાં, સેવ્યા શ્રી ગુણગ્રામ;
વ્યાખ્યાનો વિધવિધ કરી, ગાયા ગુણો અનેક,
ગ્રંથ ગુણમાલજ થકી, વરણ્યા ભક્ત અનેક.

અશાડ વદ દશમીને દીવસે પ્રભુ મારે ઘેર પધાર્યા. મને ઉંઘમાંથી ઉઠાડીને કહેવા લાગ્યા કે હું આજ ડોસાને ત્યાં આરોગ્યો નથી. તેથી સત્વર જળ ભરી લાવી રસોઇની તૈયારી કરાવો, એ આજ્ઞા સાંભળી હું તરતજ જળ ભરી લાવ્યો, પ્રભુએ પ્રેમથી રસોઇ બનાવી અને આરોગ્યા. બાકી વધેલો પ્રસાદ લેવામાં મારૂં ધ્યાન હતું ત્યાં તો આપ અંતરધ્યાન થઇ ગયા. બાવીશ વરસના અદભુત સ્વરૂપના મેં દર્શન કર્યા, મારા પર કૃપા કરી એની મેળે જ દયા કરી. એ વખતે ડોસાભાઇ એકદમ ઉભા થઇ જેરામદાસનાં ચરણમાં પડી કહેવા લાગ્યા : તમને ધન્ય છે. તમે પ્રભુના અનુપમ દર્શન પામ્યા તે બીજા કોને મળે ? પ્રભુની ક્ષમા માગી પોતે ઘરે આવી ભક્તિમાં ભાવ વધારી સેવા કરી કૃતાર્થ થયા. વિવિધ વ્યાખ્યાનો કરી અનેક ગુણ ગાયા છે, ગુણમાલ ગ્રંથ થકી અનેક ભક્તોનાં ચરિત્ર વર્ણવ્યા છે.

ધનાભાઇ તથા પાંચાભાઇ પ્રભુચરણ પામ્યા, ત્યારબાદ ડોસાભાઇને પોતાના સંગીઓ વગર ઠીક લાગ્યું નહીં. જોકે ભગવદ્દીઓને લૌકિક સંબધ હોતો નથી અને તેનું દુ:ખ પણ થતું નથી પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કાંઇ રૂચતું નથી. તેથી ડોસાભાઇએ પણ લીલામાં પધારવાની ઇચ્છા કરી. કેટલાક દીવસો પછી અહીંની લીલા સમેટી ડોસાભાઇ પણ પરમપદ પામ્યા. તેમની જ્ઞાતીના પટેલ કાળા ઠક્કર હતા, તે ડોસાભાઇની ઘણી જ નિંદા કરતા. તે મોરબીથી ચાર ગાઉ દૂર ઘુંટુ ગામ ગયા હતા, ત્યાંથી પાછા આવતા રસ્તામાં તેમને ડોસાભાઇ મળ્યા. ડોસાભાઇના ખંભે થેલો, કપાળમાં મંગલરૂપ વિજય તિલક બિરાજે છે અને કહ્યું – કાળા ઠક્કર જય ગોપાલ, હું જમનાપાન કરવા જાઉં છું, સર્વેને મારા જય ગોપાલ કહેજો અને કહેજો કે હું રહેતો હતો એ ઓરડીના નેખમાં કોરી પચીશ અને રૂપાની હાંસડી છે તે લઇને મારા જય ગોપાલ બોલાવજો એમ કહી જય ગોપાલ કરી ચાલી નીકળ્યા.

કાળા ઠક્કર ગામના પાદર આવે છે, ત્યાં બધા વૈશ્નવો નદીએ ન્હાય છે. રસ્તો પણ ત્યાંથી જ નીકળતો હતો તેથી સર્વેને કહ્યું ડોસાભાઇએ જય ગોપાલ કહ્યા છે અને સમાચાર દીધા છે કે હું જમનાપાન કરવા જાઉં છું.ત્યારે સર્વે કહેવા લાગ્યા જે અમો સર્વ તેમના દેહને અગ્નિસંસ્કાર કરીને અહીં નાહીએ છિએ એ વાત સાંભળી કાળા ઠક્કર ઘણાજ વિસ્મય પામ્યા અને સહુ સાથે ગામમાં ગયા. ડોસાભાઇએ કહ્યા પ્રમાણે નિશાની આપી કોરી તથા હાંસડી નેખમાંથી ક્ઢાવ્યા. આથી કાળા ઠક્કર ઘણા જ ગદગદ કંઠે બની ગયા, અને પોતાને વૈશ્નવ થવાની ઇચ્છા દર્શાવી. કાળા ઠક્કરના વંશજ હજી ટંકારામાં રહે છે અને શ્રીઠાકોરજીના સેવક છે.

ભક્તિના પ્રતાપે ડોસાભાઇને સદેહે અક્ષરાતીત ધામની પ્રાપ્તિ થઇ. એવી અનેક લીલા શ્રીઠાકોરજીએ પોતાના નિજ સેવકોને દર્શાવી છે, અનેક ભાંતીનાં સુખ આપ્યાં છે, તેનું વર્ણન જીવ શું કરી શકે. આપ કૃપા કરી કહેવરાવે તો જ કહેવાય.

(‘શ્રી ગુણમાલ-ભક્તમાલ’ માંથી)

|| વૈશ્નવ 1 – ડોસાભાઇ ની વાર્તા(ભાગ- 1) ||

|| સર્વે ભગવદ્દીઓને “જય ગોપાલ” ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here