|| શ્રી ગોપાલો જયતે ||
મરાઠી સાખી
મચ્છુ તીરે મયુરપુરીમાં, રહેતા ડોસાભાઇ,
સેવન ઘરે પ્રિતમનું સાચું, કરતા એ સુખદાઇ.
પ્રીતિ ઉરમાંહી હાં, સેવાથી ન ધરાઇ.. મચ્છુ તીરે.-1
ઘરમાં નારી ધના સુચાલી, એ પણ પતિની પેરે,
પુરણ શ્રદ્ધા પ્રભુ પર રાખે, સ્વધર્મ પાળી ઘેરે.
જરી નવ વેડે હાં, સેવામાં કાંઇ ફેરે.. મચ્છુ તીરે.-2
કદી કોઇ વૈશ્નવ ઘેર આવે, પ્રેમ થી સત્કારે,
આનંદથી કિર્તન ગાઇને, નીશા સુખમાં ગાળે.
મન હરખાયે હાં, સત્સંગે સુખ થાએ.. મચ્છુ તીરે.-3
હીંગ તણો વેપાર કરે છે, માલ બહુ સુંદર લાવે,
યોગ્ય ભાવથી વેચી પોતે, પોષે નીજ પરીવારે.
વદે સત્ય અને હાં, નવ કોઇ કચવાયે.. મચ્છુ તીરે.-4
મચ્છુ નદીના કાંઠા પર મોરબી ગામમાં ડોસાભાઇ રહેતા હતા. ઘરે શ્રી ગોપેન્દ્ર પ્રભુનું સેવન હતું, પોતે સ્નેહથી સેવા કરતા, અંતર માં પ્રભુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે સેવા કરતા ધરાતા જ નહીં. તેમના ઘરમાં ધનાબાઇ નામે સુલક્ષણી સ્ત્રી હતી, તે પણ પતિની માફક સ્વધર્મ પાળી પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા રાખતી, અને પોતાના પતિને સેવાના કાર્યમાં પૂર્ણ સહાયક બનતી.ઘરે કોઇ વૈશ્નવ આવે તો બન્ને તેમનો પૂર્ણ પ્રેમથી સત્કાર કરતા અને આનંદથી કીર્તન-સ્મરણ કરતા. સત્સંગથી મનમાં ઘણો હર્ષ થતો. પોતે હીંગ વેચવાનો ધંધો કરતા. યોગ્ય ભાવે વેચી તેનાથી જ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા, હંમેશા સત્ય બોલતા અને કોઇનું મન કોચવતા નહીં.
ડોસાભાઇને શ્રીઠાકુરજી સાનુભાવ હતા. તેમના સંગી પાંચાભાઇ વૈશ્નવ પીઠડીયા ગામના નિવાસી હતા, તેમને સદા પોતાની પાસે રાખીને રૂડી રીતે તેમની સેવા કરતા. પાંચાભાઇના અંગમાંથી સાક્ષાત શ્રીગોપેન્દ્ર પ્રભુના દર્શન ડોસાભાઇ તથા ધનાબાઇ ને થતા. પાંચાભાઇની તેમના પર ખુબ જ કૃપા હતી અને તે કૃપાબળથી ડોસાભાઇએ હાકલ, ધ્યાનમાળ, ગુણમાલ જેવા ઘણા ગ્રંથો તેમજ પદો બનાવ્યા છે.
શ્રીઠાકુરજીની ત્રણ તીથિઓ દરેક વૈશ્નવ માને છે, તેમાં ઉત્સાહ પણ ઘણો હોય છે. સં.1801 માં અષાઢ વદી 10 ના દીવસે શ્રીઠાકુરજીને કાંઇક અધીક સામગ્રી બનાવી ધરાવવા ડોસાભાઇને ઉત્સાહ થયો, એટલે સવારમાં વહેલા ઉઠી નદીએ ન્હાઇ આવી ઠાકુરજીને જગાડ્યા. મંગળા કરી વાઘા ધરાવ્યા. આભૂષણ-મુકુટ ધારણ કરાવી ખીલોના ધરી બે-ચાર પદ ગાયા. ધનાબાઇ રસોઇ સેવા કરે છે, તેમને પણ આનંદનો પાર નથી. સમય ઘણો થયો હોવાથી ડોસાભાઇ એ કહ્યું રાજ ! હવે ભોગ ધરવા માટે શું વીલંબ છે ? પ્રભુને અવેર થાય છે.
ધનાબાઇએ કહ્યું – હું બાટી(રોટલી) કરું છું, હવે વીલંબ નથી, તમે થાળ સજો. ડોસાભાઇ ઘણા આનંદથી થાળ સજવા લાગ્યા. બાટી પણ તૈયાર થઇ તે ધરી અને થાળ લઇ પ્રભુ પાસે ધરાવ્યો.
તે સમયે–
ચોપાઇ – બહાર ગામના કોઇ બે વેપારી, પુછે ડોસા તણે ઘેર આવી,
હીંગ લેવી અમારે છે સારી, દેખાડો હોય જો પાસે તમારી.
કહે ડોસાભાઇ ઘડી ઠેરો, કામ કરી દઇશ માલ અનેરો,
કહે વેપારી છે દુર જાવું, તેથી અમને એ નથી પોસાવું.
માલ તોળી આપો ઝટ ભાય, મારા ગાડા આગળ જાય,
ડોસો કહે હમણાં આવુ ત્યાંહી, બેસો સહેજ તમે ભાઇ આંહીં.
પાંચા પાસે તેઓને બેસાર્યા, પોતે સત્વર મંદીર આવ્યા,
થાળ મુક્યો છે શ્રીપ્રભુ પાસે, મનમાં ધાર્યું આનંદથી પ્રાસે.
બહારગામના કોઇ બે વેપારી ડોસાભાઇને ઘેર આવી પુછવા લાગ્યા, ભાઇ અમારે સારી હીંગ લેવી છે. જો તમારી પાસે હોય તો દેખાડો. ડોસાભાઇ કહે થોડીવાર બેસો, હું મારું કામ પુરૂં કરી તમોને બહુ સુંદર માલ દઇશ. વેપારી કહે અમારે બહુ દૂર જાવું છે, તેથી રોકાવું પોષાય નહી, વળી અમારા ગાડા પણ આગળ ચાલતા થયા છે. ડોસાભાઇ કહે હું હમણા આવુ છું. તમે જરી અહીં બેસો. પાંચાભાઇ પાસે તેમને બેસાડી પોતે મંદીરમાં આવ્યા. પ્રભુજી પાસે થાળ ધરેલો છે અને માન્યુ કે શ્રીજી આરોગે છે.
સ્ત્રીને કહે હું હીંગ તોળી દઉં છું, વેપારી વાટ જોઇ બેઠા છે. આંગણે ઘરાક આવ્યું તે પાછું વળાય નહીં, જો વધારે વાર લગાડીએ તો બીજા ઘરે જાય. વળી જે કાંઇ પૈસા મળશે તે પ્રભુ અર્થે જ વપરાશે. આપણે આવક તો માત્ર એકજ છે તેના વીના વહેવાર શી રીતે ચાલે ? માટે તું થાળ સરાવી લેજે. હું જાઉં છું એમ કહી પોતે બહાર આવી વેપારીને હીંગ તોળી આપી. પણ પૈસા લેતી વખતે એકબીજાને રકઝક થઇ, તે પ્રભુને રૂચ્યું નહીં, પોતે નારાજ થયા.
ગીતિ – નવ આરોગ્યા પોતે, વૃત્તિ એવી દેખી ભક્ત તણી,
તે ડોસો શું જાણે, થાળ પધરાવ્યો આનંદ મગ્ન બની,
વૈશ્નવ સહ સહુ બેઠા, પ્રસાદ લેવા પ્રભુ જમ્યા જાણી,
પણ આજે અવીનાશી, નારાજ થયા એ વાત ન પીછાણી.
પોતાના ભક્તની દ્રવ્યની આવી લાલસા જોઇને પ્રભુ આરોગ્યા નહીં, તે ડોસાભાઇને શું ખબર પડે ? પ્રભુએ આરોગી લીધું છે એમ જાણી ધરાવેલો થાળ બહાર લાવ્યા, અને પાંચાભાઇને તથા બીજા વૈશ્નવોને પ્રસાદ લેવરાવ્યા ( પાંચાભાઇ ને પ્રસાદ લેવરાવ્યા પછી જ બંને માણસ પ્રસાદ લેતા.) પોતે પણ સહુને પ્રસાદ લેવરાવ્યા પછી પ્રસાદ લીધા, પણ આજે પ્રભુ આરોગ્યા નથી અને નારાજ થયા છે તે વાત જાણી શક્યા નહીં.
ક્રમશ:…………..
|| વૈશ્નવ 1 – ડોસાભાઇ ની વાર્તા(ભાગ- 2) ||
(શ્રી ગુણમાલ-ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદ્દીઓ ને ‘જય ગોપાલ’ ||
[…] || વૈશ્નવ 1 – ડોસાભાઇ ની વાર્તા(ભાગ- 1) || […]