|| શ્રી ગોપાલો જયતે ||
|| ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો (ભાગ -૧) ||
મહારાજ સાથે ઘણું જુથ વૈષ્ણવનું ભેળું રહેતું. મહારાજ દયાળુ, પરમ ઉદાર, કરુણાના સાગર, વૈષ્ણવના જૂથની સારસંભાળ રાખે. શ્રીના સુખનો વિચાર સેવક તો કરે, પણ આ તો આપ સેવકના સુખનો વિચાર કરી સંભાળ રાખે. મહારાજ વૈષ્ણવોને ઘણું લાડ લડાવે. મનગમતા સુખ આપી તેના ભાવ પૂર્ણ કરે. મહારાજ માંડવામાં બિરાજે ત્યારે અલૌકિક ઝાંખી શ્રીગોપેન્દ્રજીના સ્વરૂપની થાય. અકળ ચરિત્ર દેખાડે, કોઈથી કળ્યું ન જાય. મહારાજ ઘણા વચનામૃત હાસ્ય વિનોદ સાથે કરીને સેવકના સંશયને ટાળે. પાંચોભાઈ ઇ બધા ઉતારે.
વલ્લભ ભેટીયો મહારાજનો અંગીકૃત, એક ઘડી મહારાજથી અળગો ન થાય. મહારાજની કૃપા તેના માથે ઘણી. મહારાજનો ભર ઘણો, જાણ પરવીન પુરો, પૂર્ણ ભગવદી જન. મહારાજ તેના શ્રીમુખથી વખાણ કરે કે વલ્લભજી અમારો છે. તે પાંચાભાઇનો ખાસ સંગી, મહારાજના સ્વરૂપનો અનુભવ ઘણો કરાવે અને કહે કે આ લીલા શ્રીગોપેન્દ્રજીની અંતરંગ છે, જેને કૃપા થશે તે જાણશે.
ઘણાં પરદેશમાં મહારાજ સાથે ભેળા સોરઠ, હાલાર, ગહેડના ઘણા ગામો સાથે ફર્યા. મહારાજ પોર છાયામાં ઘણું બિરાજતા, રાજસી લોકોનો ભાવ વર્ણવ્યો જાય નહીં. પોરના રાણી બબીબાઈ તો મહારાજના અંગીકૃત, તેનું કારણ મહારાજ ઘણું રાખતા અને બબીબાઇને પોતાની અંતરંગ ઈચ્છા જણાવતાં. એવી કૃપા બબીબાઈ ઉપર હતી. જૂનાગઢ દેસાઈને ત્યાં ઘણું બિરાજતા, હરિદાસ વ્યાસને ત્યાં ઘણું બિરાજતા. સોરઠમાં પધારી અગણિત લીલા ચરિત્ર મહારાજે પ્રગટ દેખાડ્યા. ગામ ગામ પધારી અઢળક દાન આપી જીવને સેવક કીધા. મહારાજે ઘણા મહારથીઓને પણ મહાત કીધા. મોટા પંડિતો પણ શીશ ઝુકાવીને નમી રહેતા અને શરણદાન પામતા. અસુર જાતને પણ દાન આપી કૃતાર્થ કીધા. આવું અલૌકિક પ્રતાપ બળ મહારાજનું હતું.
શ્રીગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર એના વચનને પરિપૂર્ણ કરી, આપે લીલામાં પધારવાની ઈચ્છા કરી, તે શ્રીગોપેન્દ્રજીની ઈચ્છા. એ વાત પોરનાં રાણી બબીબાઇને જતાવી. પછે મહારાજ પોરથી છેલ્લો પરદેશ કીધો. પછી શ્રીનાથદ્વારા પધાર્યા. ત્યાં લીલા વિસ્તાર કીધો. શ્રીનાથજી એ મહારાજ પધાર્યા જાણી બંને કર કમલ લંબાવીને પસાર્યા અને પોતાના સ્વરૂપમાં તેજ પુંજ સમાઈ ગયો. વલ્લભકુલના બાલકો આ જોઈ ઘણું અચરજ પામ્યાં. ઘણા સુખ મહારાજની સાથે અનુભવના લીધાં, તે લખ્યા જાય નહીં. ઘણાં પરસંગ પરદેશમાં વલ્લભ ભેટિયા પાસેથી સંભાળ્યા અને લખ્યાં. પાંચાભાઇને અનુભવ પણ ઘણો, મુજ સાથે કૃપા કરીને ઘણું લખાવ્યું.
જીવનદાસને પણ અનુભવ ઘણો. કવત, છંદ, કીર્તન, ખ્યાલ, ધોળ આ બધું જીવનદાસના સંગે કરીને થતું અને લખાતું. મારી મતીથી કંઈ લખ્યું નથી. તે પાંચાભાઇ તથા જીવનદાસ પુરણ ભગવદીના ઓળે કરીને, તેનું ઘણું કારણ રાખીને, ઘણાં અનુભવ કીધા.
(‘શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘ જય ગોપાલ ‘ ||
[…] […]