|| શ્રી ગોપાલો જયતે ||
સંવત સત્તર ને છંછેરે છવ્વીસ, જેઠ વદ દશમી સુચાર ||
વાર રવિ નક્ષત્ર અશ્વિનીમાં, પ્રગટીયા પ્રાણ આધાર ||
પ્રગટીયા પ્રાણ આધાર તે એવા, સમર્થ નહિ કોઇ પરાક્રમ કહેવા ||
બદત પ્રેમસુ ભાખે રે કવિ, સંવત સત્તર ને છંછેરે છવ્વીસ. ||૩૭||
શ્રીજમુનેશનું પ્રાગટય સંવત ૧૭૨૬ માં જેઠ વદ ૧૦ ને રવિવારે અશ્વિની નક્ષત્રમાં થયું. આપશ્રીનું ચરિત્ર અદ્ભૂત અને અનિર્વચનીય છે.
ગોકુળ ગંગાધરના કારજ સિધ્યા, પધાર્યા શ્રીજમુનેશ ||
સંવત સત્તર એકાશીયામાં, પત્રિ લખી દેશો દેશ ||
પત્રિ લખી દેશો દેશ તે ચાલી, વૈષ્ણવ આવ્યા મંડપમાં માલી ||
કહે રામદાસ તેલ તણા ધૃત કીધા, ગોકુળ ગંગાધરના કારજ સિધ્યા ||
પધાર્યા શ્રીજમુનેશ ||૩૮||
સંવત સત્તરસો એકાશીમાં (૧૭૮૧) ગારિયાધારમાં ગોકુલદાસ- ગંગાધરદાસે મહા મંડપ કરેલ. પત્રિકા લખીને લીલાસૃષ્ટિના અગણિત વૈષ્ણવોને તેડાવેલ. શ્રીજમુનેશ મહાપ્રભુજી પણ પધારેલ. ધારણા કરતાં વધારે વૈષ્ણવો પધારવાથી ધી ની ખેંચ પડેલ. ત્યારના સમયમાં આજના સમય જેટલી વાહનોની સગવડતા ન હતી. મહારાજ શ્રીજમુનેશ સામગ્રીઘરમાં પધાર્યા, વૈષ્ણવોને આજ્ઞા કરી કે આ શેની કૂપ છે ? તો તેલની કૂપ છે તેમ કહયું. શ્રીજમુનેશની ઇચ્છામાત્રથી આ તેલમાંથી ધી કરી વૈષ્ણવોને મુશ્કેલી દૂર કરેલ. તેવી જ રીતે ત્યાં કૂઈ હતી, તેમાં ખારૂં જલ હતું, વૈષ્ણવોની જલની મુશ્કેલી દૂર કરવા આપશ્રીએ કૂઈ પાસે પધારી અમી દૃષ્ટિ કરી ખારા જલને મીઠું કરેલ. આજે પણ તે કૂઈ શ્રી જમુનેશની કૂઈ તરીકે ઓળખાય છે. શીવલાલભાઈ કંસારાનો પરિવાર આજે પણ આ કૂઈની જાળવણી કરી દર્શનાર્થે પધારતા વૈષ્ણવોની સેવા કરે છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર(બિલખા) ના ‘જય શ્રી ગોપાલ’ ||