|| પ્રભુશ્રી ગોપેન્દ્રલાલના ચંદ્રાવાળા ૨૯ થી ૩૬ ||

0
83

|| શ્રી ગોપાલો જયતે ||

પ્રાગટય શ્રીગોપેન્દ્રજીનું કહીયે, સંવત સોલમાં જાણ |
ચૌદ છમાં ત્રણ ધરીને, અંક ઉલટા પ્રમાણ ||
અંક ઉલટા પ્રમાણ તે જાણો, ભાદરવા વદ ચતુરાદશી વખાણો |
બદત પ્રેમ ધરણી નંદ કહીયે, પ્રાગટ શ્રીગોપેન્દ્રજીનું લહીયે||૨૯||

શ્રીગોપેન્દ્રજીનું પ્રાગટય સંવત ૧૬૦૦ માં, ૧૪*૬ = ૮૪ + ૩ = ૮૭ ના ઉલ્ટા ૭૮= ૧૬૭૮ માં ભાદરવા વદ ૧૪ ના દિવસે થયું.

સાંભળો તમે શ્રીગોપાલ, શ્રીગોપેન્દ્રજીના કામ ||
મણકોઠામાં મુકતા બોયા, તે માતાને હુવા જાણ ||
માતાને હુવા જાણ તે જાણી, શ્રીગોપાલજીએ કહ્યું તાણી |
મહારાજ આ છે કલિકાલ, સાંભળો તમે શ્રીગોપાલ ||૩૦||

દ્વાપરમાં શ્રીકૃષ્ણજીએ સગાઈ પ્રસંગે સાચા મોતીનો હાર આવતા દિકરી પક્ષ કરતા દિકરા પક્ષ દ્વારા વિશેષ પરત થવું જોઈએ. જશોદા માતાને ચિંતા થઈ, હવે શું કરીશું ? નંદનંદને તરત જ વાડામાં સાચા મોતી વાવી બીજે દિવસે પ્રભાતમાં જશોદાજીને વેલ દેખાડી ! બસ, આજ લીલા ફરી જે યશોદાનંદ હતા, તે શ્રી સત્યભામા નંદે સાચા મોતી તુલસીકયારા-મણકોઠામાં વાવ્યા અને બીજે દિવસે પ્રભાતમાં વેલ દેખાડી ! આથી, શ્રીગોપાલલાલે શ્રીગોપેન્દ્રજીને કહ્યું લાલન આ કલિકાલ છે, આપનું સ્વરૂપ ગોપ્ય રાખો.

ગોવર્ધનને કૃપા કીધી, ચરણ ધરીયું સોયે ||
નવનીતની પેરે નરમ થયો, તે મર્મ ન જાણે કોયે ||
તે મર્મ ન જાણે કોયે કેવાયે, નિજ જનને મન આનંદ થાયે ||
સેવક સહુની વાત જ સિધ્ધિ, ગોવર્ધનને કૃપા કીધી છે ||૩૧||

દ્વાપરમાં નંદનંદને ઇન્દ્રયાગ બંધ કરી શ્રીગોવર્ધનધરને રાજાધિરાજ કર્યા. આપશ્રીએ જ તે સ્વરૂપ ધરી સર્વની સામગ્રી સ્વીકારી. ઈન્દ્રની અતિ મૂશળધાર વર્ષાથી રક્ષા માટે આપશ્રીએ શ્રીગિરિરાજજીને ધારણ કરેલ. આપશ્રી જ્યારે પણ શ્રીગિરિરાજજી પર પધારતા ત્યારે શ્રીગિરિરાજજી અત્યંત કોમળ થઈ જતા, કે આપના શ્રીચરણચિન્હ તેના પર અંકિત થઈ જતા. શ્રીગિરિરાજે વિનંતી કરી અમારું સ્થાન આપના દાસ તરીકે શ્રીચરણમાં હોય, ત્યારે શ્રીકૃષ્ણજીએ કહયું કે કલિમાં અમે શ્રીગોપેન્દ્રજી સ્વરૂપે પ્રગટશું ત્યારે તમારો મનમનોરથ પૂરીશું. શ્રીગોપાલલાલ, શ્રીગોકુલનાથજી શ્રીનાથજીની સેવા માટે પધારતા હતા ત્યારે વાત પ્રસંગ ચાલતો હતો કે દ્વાપરમાં શ્રી ગિરિરાજ નવનીત જેવા નરમ હતા. ત્યારે શ્રીગોપેન્દ્રજી ખવાસની ગોદમાં બિરાજી રહ્યા હતા. ખવાસના મનમાં શંકા થઈ કે હવે એવું દર્શન કેમ નથી થતું. ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ ખવાસની ગોદમાંથી ઠેકડો મારી શ્રીગિરિરાજ નવનીત સમાન છે તે અનુભવ કરાવ્યું. સર્વ દાસજનો સ્વરૂપાનંદથી નિશ્ચિત થયા.

લલિત લાલ શ્રીગોપેન્દ્ર છબીલો, વરસ એકાદશ માંય |
આજ્ઞા માગી અન્નાજી આગે, અમા મિલન હમ જાય |
અમા મિલન હમ જાય તે જાયે, તાત કહે કહા કહત હો બાતે ||
અટક ન માને મહા હઠીલો, લલિત લાલ શ્રીગોપેન્દ્ર છબીલો ||૩૨|
|

પ્રભુ શ્રીગોપાલલાલ જ્યારે સોરઠના પ્રદેશમાં પધારેલ ત્યારે લાલ બાવા શ્રીગોપેન્દ્રજી પણ સાથે પધારેલ, ત્યારે આપશ્રીનો મુકામ કાલાવડમાં હતો. શ્રી ગોપેન્દ્રજીએ હઠ કરી કે મારે માતાજી પાસે ગોકુલ જવું છે. શ્રી ગોપાલલાલે ભેટમાં આવેલ ગણીયાવેલને ખેલવા આપી – સવારીમાં મોકલ્યા. આ બળદને ઉતાવળે દોડાવતાં વેલમાંથી શ્રીગોપેન્દ્રજી ઉછળી પડ્યા. ધરણી પર પડતાં કપાળમાં ચોટ આવી. સંગ આવેલ વૈષ્ણવોએ ખમા ખમા કરતાં ગોદમાં લીધા. શ્રીગોપાલલાલે પોતાની ધોતીમાંથી સફેદ પાટો મલમ લગાવી બાંધ્યો. ચાર વૈષ્ણવો ચોકી પર રહ્યા. રાત્રે યોગમાયાના આધારે સ્વયં શ્રીગોપેન્દ્રજી માતાજી પાસે ગોકુલ પહોંચ્યા. માતાજીએ ચોટ લાગી છે તે જોયું, ખાસ નથી વાગ્યું તેમ કરી પોતાની સાડીમાંથી ફરી પાટો બાંધ્યો. ખવાસી કરી રહેલા વૈષ્ણવોએ જોયું તો શ્રીગોપેન્દ્રજી પલંગ પર પોઢયા નથી, અને તે વાત શ્રી ગોપાલલાલને કરી. શ્રી ગોપાલલાલ કહે વૈષ્ણવો નિશ્ચિત રહો, લાલ એમની મેળે પધારશે. વહેલી સવારે જોવે છે તો શ્રીગોપેન્દ્રજી પલંગ પર પોઢેલ છે, પણ સફેદ પાટાને બદલે રંગીન સાડીનો પાટો બાંધેલ હતો ! દાસજનોને સ્વરૂપ પરિચય કરાવ્યો.

લીલા લઈ વાલો નગર પધાર્યા, અતીતના ઉતાર્યા અભિમાન ||
મલેચ્છને તો માળા બાંધી, કીધો અવર્ણનો વર્ણ |
કીધો અવર્ણનો વર્ણ તે નાથે, વાલો તેડી ચાલ્યા પોતાની સાથે |
કહે દામદાસ એવા જીવ જ ઓધાર્યા, લીલા લઇ વાલો નગર પધાર્યા ||૩૩||

શ્રીગોપેન્દ્રજી જ્યારે જામનગરમાં પ્રદેશમાં પધાર્યા હતા, ત્યારે જીવણ ખોજા કારભારી હતા. ઘણાં જ માથાભારે તથા ઘણું જ ધન એકઠું કરેલ. શ્રીગોપેન્દ્રજીની પરીક્ષા કરવા આવ્યા. આપશ્રીએ – ‘જીવણ તું આયો’ તેમ કહી બોલાવ્યો, અને તરત જ સર્વ સમર્પણ કર્યું, અને મને સેવક કરો તેમ કહ્યું. આપશ્રીએ બ્રાહ્મણોને બોલાવી અવર્ણનો વર્ણ કેમ કરવો તે પૂછયું, પણ જવાબ ન મળ્યો. આપશ્રીએ પુરાણમાં ૭૨ માં અધ્યાયમાં આનો ઉપાય છે તે જુઓ કહી, સંશોધન કરાવ્યું. આપશ્રી એમને પોતાની સાથે દ્વારકા લઈ પધાર્યા, વર્ણ શુધ્ધિ કરી – શરણે લીધા.

એક સંન્યાસી ડુંગરપુરમાં, માયાવાદી અપાર ||
શ્રીગોપેન્દ્રજીની પાસે આવી, જળે કયાઁ વિસ્તાર ||
જળે કર્યો વિસ્તાર તે એમાં, બુડવા લાગ્યો પોતે તેમાં ||
હું કેમ પહોંચીશ મારા ઘરમાં, એક સંન્યાસી ડુંગરપુરમાં||૩૪||

ડુંગરપુરમાં જસવંત રાવળે શ્રીગોપેન્દ્રજી માટે ખાસ મણિમહેલ બનાવેલ, ગોકુલથી ડુંગરપુરમાં નિત્ય વસવાટ માટે પધરાવેલ. એક માયાવાદી સન્યાસીએ માયા દ્વારા વિદ્યા મેળવી ડુંગરપુરમાં આવી અનેક ચમત્કાર કરી ગામલોકોને વશ કરેલ. તેણે ગામલોકોને પૂછયું કે અહિંના રાજા કેમ નથી આવતા ? ગામ લોકો કહે તેમના ઠાકર ગોકુલના કનૈયા બિરાજે છે એટલે નહિ આવે. પોતાની વિદ્યાના ગર્વથી સ્વયં શ્રીગોપેન્દ્રજી તથા રાજા જસવંત રાવળ હતા ત્યાં તેમણે આવી માયાથી જળનો વિસ્તાર કર્યો. માયા દ્વારા ઉભું તો કર્યું, પરંતુ પોતે જ તેમાં ડૂબવા લાગ્યો. અને શ્રીગોપેન્દ્રજીને વિનંતી કરી આપ મને ઉગારો. શ્રીગોપેન્દ્રજી પાસે માયા તો દાસી છે, સન્યાસીને માયાથી બચાવી પોતાની ઝૂંપડીમાં મોકલ્યા.

વ્રજની ઈચ્છા પ્રજમાં હવી, વાલે ધર્યું વૃક્ષ તન ||
દેશ દેશના વૈષ્ણવ આવે ઘણા, થાય છે હીંચ કીર્તન |
થાય છે હીંચ કીર્તન તે તણાં, અબીર ગુલાલ તિહાં ઉડે છે ઘણાં |
શ્રીગોપેન્દ્રલાલસુ કહે કવિ, વ્રજની ઈચ્છા પ્રજમાં હવી ||૩૫||

શ્રીગોપેન્દ્રજીએ પ્રદેશમાં પધારી અગણિત લીલા સૃષ્ટિને વચનામૃત દ્વારા સિંચન કરેલ. આપશ્રીના પ્રાગટય ઉત્સવ સમયે આપ જૂનાગઢમાં દ્વારકાદાસ દેસાઈને ત્યાં બિરાજતા હતા. આ ઉત્સવ માટે ચાર હજાર વૈષ્ણવ પધારેલ. આપશ્રી તો અંતરજામી છો. દ્વારકાદાસ રાજ્યના દિવાન અને સંપન્ન હતા, તેમના હૃદયમાં થયું કે હું છું તો આ ઉત્સવનો લાભ વૈષ્ણવો લે છે, અન્યથા આ જૂથને કોણ સાચવી શકે ? અંતરજામી શ્રીગોપેન્દ્રજીએ આ વાત જાણી, આપશ્રી તેરસને દિવસે બપોરે સુખાળા થયેલ, ત્યાંથી બેઠા થઈ આપશ્રીએ વૈષ્ણવયૂથને આજ્ઞા કરી કે ‘ઓચ્છવ તો ભીયાલ કરેંગે’ ત્યારે ત્યાં ખાખરાનું વન હતું. ગંગઋષિએ તપ દ્વારા અહિં નિત્ય ઉત્સવ થાય તેમ માંગેલ. તેમજ લુહાણા માજીનો મનોરથ પૂર્ણ કરવા આપ છડી સવારીએ પધાર્યા. વિઠ્ઠલદાસે વિનંતી કરી ‘જે કૃપાનાથ ! રંચક સામગ્રી અંગીકાર કરો ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી – ‘સામગ્રી લઈ ભીયાલ આવ’, ભીયાલમાં ખાખરાના વનમાં સંવત ૧૭૨૭ના ભાદરવા વદ ૧૪ ના ઉત્સવમાં તેરસની રાત્રીએ કીર્તન સમાજ થયા. ૧૪ના દિવસે કેસરી સ્નાનનો લાભ આપ્યો. આજ સમયે શ્રીમદ્ ગોકુલથી કાસદ પત્ર લઈને આવ્યો. આ પત્ર વાંચી આપશ્રી શોકાતુર થયા. વૈષ્ણવોએ પૂછયું કે ‘શું થયું મહારાજ ?’ ત્યારે શ્રીગોપેન્દ્રજીએ કહયું કે ‘લાલ લીલા વિસ્તારી ગયા છે.’ વૈષ્ણવો વિચારમાં પડી ગયા કે આગળ ઉપર અમારું શ્રેય કોણ કરશે ? ત્યારે શ્રીગોપેન્દ્રજીએ એક નાના વડનું કાષ્ટ લઈ કેસરના જલથી જમીનમાં રોપ્યું. તરત જ નાના વૃક્ષની કળી ખીલી, આપશ્રીએ વૈષ્ણવવૃંદને કહયું : ‘એહી મેરો લાલ જાનીયો’ ત્યારે શ્રીલાલવડરાયજીનું પ્રાગટય થયું.

પંડયો પોતમાં જઈને ચઢીયા, ઉતરવા પેલે પાર ||
અચાનક તિહાં આંધી આવી, બુડવા લાગ્યા તેણી વાર ||
બુડવા લાગ્યા તેણી વાર તે જ્યારે, એક લાકડું દીઠું ત્યારે |
લાકડા સાથે પાર ઉતરીયા, પંડ્યો પોતમાં જઇને ચઢીયા ||૩૬||

શંકર પંડયા ઘણા વિદ્વાન હતા. ઘણાંની સાથે વાદ કરી વિજયી થયેલ. તેમને થયું કે વૈષ્ણવો શ્રીગોપેન્દ્રજીને વ્રજના ઠાકુર માને છે, જો હું તેમને વાદમાં હરાવું તો મારી ખ્યાતિ વધે. આથી મથુરાથી ગોકુલ આવવા નીકળ્યા. શ્રી યમુનાજીમાં તરતા તરતા આવતા હતા, ત્યાં અચાનક આંધી ઉપડી ને ડુબવા લાગ્યા. ત્યારે અંતરજામી શ્રીગોપેન્દ્રજીએ પધારી લાકડુ આપી આ પાર પહોંચાડયા. શ્રીમંદિરે પધારી શ્રીગોપેન્દ્રજીને કહે મને શરણે લ્યો.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here