|| શ્રી ગોપાલો જયતે ||
કાસદ આવ્યો જાણ જ કરવા, તેજુ થઈ તૈયાર ||
તન છોડયું ને પ્રાણ જ પહોંચ્યા, જ્યાં છે જગદાધાર ||
જ્યાં છે જગદાધાર ત્યાં આવી, શ્રીગોપાલના મનમાં ભાવી ||
ગાય ગુણો સન્મુખ ગરવા, કાસદ આવ્યો છે જાણ જ કરવા ||૨૧||
શ્રીગોપાલલાલે પ્રદેશમાંથી પાછા પધારીશ ત્યારે સાથે લઈ જઈશ તે વચન તેજુ ને આપેલ, માટે જ તન ધરી રહયું. પણ કાસદે સમાચાર આપ્યા કે પ્રભુ શ્રી ગોપાલલાલ વ્રજમાં પધાર્યા છે. ત્યારે તે જ ક્ષણે દેહમાંથી પ્રાણ નિકળી ગોકુળ પહોંચ્યાં, વૈષ્ણવોએ નિજ મંદિરમાં જતાં તેજુબાઈને જોયા, પ્રસાદ આપ્યો. દેશમાં સર્વને મારા જય ગોપાલ કહેજો, તેજુ અહિં નિત્ય સેવાના આનંદ લે છે તેમ કહયું, આવા કૃપાપાત્ર જીવો હતા.
ટેક પૃથુએ લીધીરે એવી, નામું ન કે ને ન શીશ ||
વાત સુણી શાહને તો ચઢી અતીશે રીસ ||
ચઢી અતીશે રીસ તે કીધું, ગઢમાં તનને ચણીરે દીધું ||
આવ્યા ગોપાલ તે ભાવના કેવી, ટેક પૃથુએ લીધી રે આવી ||૨૨||
શ્રીગોપાલલાલ પ્રદેશમાં પધાર્યા હતા ત્યારે વઢવાણના રાજા પૃથુરાજ તથા તેમની બન્ને રાણીએ શરણ સ્વીકારેલ. લાડબાઈના અનન્ય સ્નેહને કારણે શ્રી ગોપાલલાલ સેવામાં સાનુભાવ જતાવતા તથા જે જોઇએ તે માંગીને લેતા. એક દિવસ અજમા માગ્યા. આ વાર્તા પ્રસંગથી પૃથુરાજાને શ્રીગોપાલલાલના સ્વરૂપમાં અનન્ય સ્નેહ હતો. તેમને એવી ટે ક હતી કે જમણા કાનેથી જે નિવેદન મંત્ર, અષ્ટાક્ષર મંત્ર સાંભળેલ છે તેથી જમણા કાને કોઈની વાત ન સાંભળવી, તથા શ્રી ગોપાલલાલ સિવાય કોઈને પોતાનું મસ્તક ન નમાવું. એક વખત ચારણે તેઓની પાસે પાઘ ભેટમાં માંગી, પૃથુરાજાએ પોતાના નિયમની વાત કહી, તે ચારણે સ્વીકારી. દિલ્હીના શાહને પાઘ ઉતારી માથુ નમાવ્યું તે ગમ્યું નહિ, તેણે તેનું કારણ જાણ્યું. દિલ્હીમાં બધા રાજાઓને બોલાવ્યા – પૃથુરાજા પણ આવ્યા. પોતાની ટેકને કારણે જમણી બાજુ ન બેઠા તથા માથુ નમાવ્યા વિના આવ્યા. શાહને રીસ ચઢી. જેલમાં પૂર્યા. લાડબાઈ – ફુલબાઈને પત્ર લખી જણ કરી, તેમણે જવાબ આપ્યો કે દેહ ક્ષણભંગુર છે તેની ચિંતા ન કરશો, ટેક સાથે દેહ પડશે તો ઠાકર યોગ્ય થાશે, માટે ટેક ન છોડતા. શાહે રાજા પૃથુને ગઢમાં ચણી લીધા, પણ પૂછ્યું રાજએ શ્રીગોપાલલાલમાં અનન્ય વિશ્વાસ રાખ્યો. આપશ્રી સ્વયં ત્યાં પધાર્યા અને ગઢમાંથી મુકત કરી વઢવાણ પહોંચાડયા.
દેશમાં જાવા કાનજી ધારે, લીધી રજા ગોપાલ ||
ઉત્સવ આવે અન્નકૂટનોને, વૈષ્ણવ ધારે વહાલ ||
વૈષ્ણવ ધારે વહાલ તે જાણ્યું, શ્રીગોપેન્દ્રજીએ મનમાં આણ્યું ||
બાગમાં દર્શન દીધું પ્યારે, દેશમાં જાવા કાનજી ધારે||૨૩||
શ્રીગોપાલલાલ તથા શ્રીગોપેન્દ્રજીના જન્મોત્સવ પછી કાનદાસને પોતાના દેશ કચ્છમાંથી અનેક પત્રો આવેલ, માટે કાનદાસે કચ્છમાં જવાની શ્રીગોપાલલાલ પાસે રજા માંગી. શ્રીગોપેન્દ્રજીને કૌતુક લીલા દેખાડવાનું મન થયું ! આપશ્રીએ જે વૈષ્ણવો અન્નકૂટ પર રહેવાના હતા તેમના નામની યાદી કરી, પણ કાનદાસનું નામ ન લખ્યું. અન્ય વૈષ્ણવોએ કાનદાસને આ વાત કહી. શ્રીગોપેન્દ્રજીના સ્વરૂપમાં કાનદાસને એવી અનન્ય નિષ્ઠા હતી કે આપશ્રી નામ લખો ને મારૂ નામ ન હોય ? આથી કાનદાસે પ્રભુ શ્રીગોપેન્દ્રજીને વિનંતી કરી કે આપ મારું નામ લખો હું દેશમાં નહિ જાવ, અન્નકૂટ કરીને જઈશ. ત્યારે શ્રીગોપેન્દ્રજી શ્રીગોપાલલાલના વચનને સત્ય કરવા, પોતાનું લીલાત્મક સ્વરૂપે પ્રગટ કરી, અન્નકૂટ આરોગી, કાનદાસની જે સેવા હતી તેનું શ્રેષ્ઠ ફળ સ્વરૂપ દર્શન દાન કરી આપ્યું.
સેવક શ્રી વીઠ્ઠલેશ હતા ને, જતા દેશની માંય ||
કાનજીભાઈએ સંગત કીધી, ભાંગી ધરી છે ત્યાંય ||
ભાંગી ધરી છે ત્યાંય તે કાળે, આવ્યા ગોપાલને કીધી છે ભાળે ||
આપીયું દરશનને રાખીયું માને, સેવક શ્રી વીઠ્ઠલેશ હતાને||૨૪||
એક વખત કાનદાસને પોતાના દેશ કચ્છ જવું હતું, એ સમયે આજના સમય જેટલી મુસાફરી સરળ ન હતી, સમૂહમાં જ જવું પડે. એ વખતે શ્રીવીઠ્ઠલનાથજીના સેવકો દેશમાં જઈ રહ્યા હતા તેમની સંગે કાનદાસ દેશમાં ચાલ્યા. પોતાની પાસે જે સામાન હતો તે છકડામાં મૂકવા આપ્યો, પણ થોડુંક ચાલતા છકડામાં વજન ઘણું છે કહીને કાનદાસને તેમનો સામાન પાછો આપ્યો. થોડીક વારમાં બીજા સર્વ વૈષ્ણવોનો સામાન પાછો છકડામાં મૂક્યો, માત્ર કાનદાસના સમાનનો જ ભાર થયો. કાનદાસને આ વાતનું ખોટું લાગ્યું, કે જો શ્રીગોપાલલાલના સેવક હોત તો મારી સાથે આ વ્યવહાર કરત ? આ બે પણું તેમના મનમાં જે થયું તે અંતરજામી શ્રીગોપાલલાલે જાણ્યું, છકડાની જે ધરી ભાંગવાથી અટકેલ તેથી કાનદાસ જે વૃક્ષ નીચે બેસી વિચાર કરતા હતા તે સ્થળે આપ શ્રીગોપાલલાલ પધાર્યા – શ્રીનાથજી – શ્રીગોપાલલાલ સ્વરૂપે દર્શન આપી, આપશ્રીએ આજ્ઞા કરી કેતું આ ભેદ તારા મનમાંથી દૂર કર, તારી પાસે સામાન માંગવા આવે ત્યારે વજનના બે ભાગ કરી આપજે, આ પ્રસંગમાં શ્રીવલ્લભીસૃષ્ટિ પ્રત્યે ભેદ ન રાખવો તેમ સમજાવ્યું છે.
એક સમે પૂછયું કાનદાસે, પુષ્ટિનું સિધ્ધાંત ||
વીઠ્ઠલજીએ સહુ સમજાવ્યું, ટાળી મનની ભ્રાંત ||
ટાળી મનની ભ્રાંત તે એવી, શ્રીગોપાલને સર્વસ્વ લ્યો સેવી ||
એજ પુરૂષોત્તમ પૂરણ ભાસે, એક સમે પૂછ્યું કાનદાસે ||૨૫||
શ્રીવિઠ્ઠલરાયજી શ્રીગોકુલનાથજીના પુત્ર (લાલન) હતા, ખૂબ જ વિદ્વાન તથા પ્રખર હતા. એક વખત કાનદાસે પુષ્ટિમાર્ગનું હાર્દ -રહસ્ય જાણવા માટે શ્રીગોપાલલાલ ને પુછ્યું ત્યારે આપે આ પ્રશ્ન શ્રીવીઠ્ઠલરાયજી સમજાવશે તેમ કહ્યું. શ્રીવીઠ્ઠલરાયજીએ શ્રીવલ્લભકુલનો મહિમા તથા શ્રીગોપાલલાલનું લીલાનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે આ સ્વરૂપ સાક્ષાત્ શ્રીનાથજી છે. આપ સર્વ સર્મપણ કરી, અનન્યતાથી માત્ર તેમનું જ સ્મરણ-સેવા કરો તે સમજાવ્યું.
માવજી સોની દેવીને સેવે, અચરજ ઉપન્યું ત્યાંહી ||
દેવી આવી સ્વપ્નમાં કહે, શરણ શ્રીજી લે સાહી ||
શરણ શ્રીજી લે સાહી તે એવા,અમો સહુ દેવી ને એ દેવના દેવા ||
ઘરે પધરાવી થઇ સેવક સેવે, માવજી સોની દેવીને સેવે ||૨૬||
શ્રીગોપાલલાલ પ્રદેશમાં જ્યારે રાજનગર પધાર્યા હતા ત્યારનો આ પ્રસંગ છે. માવજી સોનીએ જાણ્યું કે ગોકુલનાં ઠાકર પધાર્યા છે, પણ મારે ત્યાં જવું નથી. પણ સ્વરૂપ નિરખી વારંવાર શ્રીગોપાલલાલમાંજ સ્મરણ સ્થિર થતું હતું. રાત્રે સુતા ત્યારે દેવીએ સ્વપ્નામાં આવીને કહ્યું કે શ્રીગોપાલલાલ સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ છે. તેમના શરણે તું જા, અમારા જેવા અનેક દેવી-દેવો તેના આશ્રિત છે, બીજા દિવસે બેઠક માં આવ્યા ત્યારે શ્રીગોપાલલાલે કહ્યું કે માવજી તું આવ્યો – દેવીએ શું કહ્યું ? તેઓ સારા વૈષ્ણવ થયા.
માવજી રાણો ધ્રોળમાં રહે છે, સ્ત્રીને થયો વળગાડ ||
ભટ્ટ લીલાધર જાણતાને જણાવ્યો સઘળો વિચાર ||
જણાવ્યો સઘળો વિચાર તે એવો,જાવ શરણ ગોપાલને સેવો ||
કર્યા દર્શન દૂર બલા થઇ છે, માવજી રાણો ધ્રોળમાં રહે છે ||૨૭||
શ્રીગોપાલલાલે અગણિત લીલા સૃષ્ટિના જીવોને જુદી જુદી રીતે શરણે લઈ પોતાની પ્રભુતા પ્રગટ કરી છે. ધ્રોળમાં માવજી રાણા રહેતા હતા. તેમની સ્ત્રી ઈંદ્રાણી ને વળગાડ થયેલ. ઘણાંજ ઉપાય કરવા છતાં ફેર ન પડયો. એજ સમયે પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રદેશ નિમિત્તે ધ્રોળમાં પધારેલ, સંગમાં લીલાધરભાઈ ભટ્ટ પણ હતા. માવજી રાણાના ખાસ સ્નેહી લીલાધરભાઈને જોતા મળ્યા, સર્વ વાત કરી, રાણા !દુબળા કેમ થઈ ગયા ? તેમ પૂછયું ત્યારે સર્વ વાત કહી. ત્યારે લીલાધરભાઈ કહે સર્વના રક્ષક પ્રભુશ્રી ગોપાલલાલ પધાર્યા છે. આપ તેમની શરણ સ્વીકારો તો દુ:ખ ચોકકસ દૂર થશે. શ્રીગોપાલલાલને લીલાધરભાઈએ સર્વ વાત કહી અને આજ્ઞા માંગી ? કે આ જીવને આપના શરણે લાવું ? ત્યારે શ્રીગોપાલલાલ કહે સાંજે બેઠકમાં અપરસમાં સ્નાન કરાવી લાવો. શ્રીગોપાલલાલે નામ-નિવેદન આપી, પોતાના શ્રી કંઠની માળા તેમને આપી દોષમાંથી મુકત કર્યા.
રીડાભાઇ ખંભાળીયામાં, રહેતા વણીક જ એક ||
શ્રીજી તહીં પધારીયા ને, સેવક કીધાં છેક ||
સેવક કીધાં છેક તે કેવા, ચાહે સુખ વ્રજનું સદા લેવા ||
ત્યાગ્યું તન સન્મુખ શ્રીજી છે જ્યાં, રીડાભાઇ ખંભાળીયામાં રહેતા ||૨૮||
ખંભાળીયાના રહીશ રીડાભાઈ જાતે વણીક હતા. શ્રીગોપાલલાલ પ્રદેશમાં પધાર્યા ત્યારે શરણે આવેલ. શ્રીગોપાલલાલે તેમને કહેલ કે
શ્રીવલ્લભકુળના કોઈ પણ બાળક પધારે તો તપેલી આરોગાવજો. આ જીવન દરમ્યાન અનન્ય ભાવથી શ્રી ગોપાલલાલનું જ સ્મરણ કરતા. અંત સમય જ્યારે આવ્યો ત્યારે તેમને બહેનને કહે હું હવે વ્રજમાં જાવ છું. બહેન કહે ભાઈ ! આખી જીંદગી સાથે રહી સેવા સ્મરણ કર્યા, તો હવે અંતરાય કેમ ? ત્યારે રીડાભાઈ કહે તું શ્રીગોપાલલાલને વિનંતી કર. આથી, આ સંગી વૈષ્ણવો વ્રજમાં સદેહે સાથે ગયા તેવા કૃપાપાત્ર હતા.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકી ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||