|| શ્રી ગોપાલો જયતે ||
જૂનાગઢમાં રહેતા મહેતા, પ્રાગજી જેનું નામ ||
સેવી શ્રી રણછોડજીને મેળવીયું વરદાન ||
મેળવીયું વરદાન તે એવું, શરણ શ્રીગોપાલજીનું સેવ્યું ||
અનુભવ રાસનો શ્રેષ્ઠ લેતા, જૂનાગઢમાં રહેતા મહેતા ||૧૬ ||
નરસિંહ મહેતાની શાખના પ્રાગજીભાઈ જૂનાગઢમાં રહેતા હતા. જેમ નરસિંહ મહેતાએ શિવજીની ઉપાસના કરી રાસનું સુખ માગ્યું, તેમ જ પ્રાગજીભાઈએ રણછોડરાયનું દર્શન-માગ્યું. આથી શ્રીઠાકુરજીએ સ્વપ્નમાં કહયું કે ગોકુલના શ્રીગુસાંઈ શ્રીગોપાલલાલ પ્રજમાં પધાર્યા છે તો તું ત્યાં જા, તારા મનમનોરથ પૂર્ણ થાશે. શ્રીગોપાલલાલ પાસે આવી સ્વરૂપનું દર્શન કર્યું તો જેમ દ્વારકામાં ચત્રભુજ સ્વરૂપે બિરાજે છે તેમ જ દર્શન આપી નિહાલ કરી શરણે લઈ સેવક કર્યા.
પોરબંદરમાં વણીક રહેતા, ખેલ ખષ્ટિનો થાય ||
જમાઇ આવ્યો તેડવાને, લીલુ સ્વસુરમાં જાય ||
લીલુ સ્વસુરમાં જાય તે ધારે, ક્યાંથી ધરાય સામગ્રી ઘર માંહે ||
ઉપડયું તોફાન ખાળે આવ્યા પાછા, પોરબંદરમાં વણીક રહેતા||૧૭||
પોરબંદરમાં શ્રી ગોપાલલાલના કૃપાપાત્ર અનેક સેવકો રહેતા હતા. ખષ્ટિનો ઉત્સવ, નવા સાજ, વસ્ત્ર, ફૂલમાળા, શણગાર, અનેક સામગ્રી સિધ્ધ કરી સેવાના લાભ લેતા. આ પ્રાગટય ઉત્સવના સમયે સાસરેથી લીલુને તેડવા આવ્યા. વહાણમાં જવાનું થયું. સતત શ્રીગોપાલલાલ અને વૈષ્ણવોનું સ્મરણ આજે મારાથી સેવા નહિ થાય સામગ્રી નહિ ધરાય, વૈષ્ણવયૂથનાં દર્શન નહિ થાય. આ જ વિરહ હૃદયમાં હતો. દરિયામાં તોફાન ઉપડયું, ખષ્ટિની સવારે વહાણ પાછું પોરબંદર આવ્યું, લીલુએ આનંદથી પ્રાગટય ઉત્સવ મનાવ્યો.
કાળાવડમાં શ્રીજીરે આવ્યા, નીકળી ઢીમરની જાત ||
કરી સંહાર મીનનો ને, જાતાતાં એ વાટ ||
જાતાતાં એ વાટ તે જોયું, મન સહુએ ત્યાં શ્રીજીમાં પરોયું ||
છોડીને હીંસા સરાણીયા કહાવ્યા, કાળાવડમાં શ્રીજીરે આવ્યા||૧૮||
રાજકોટ પાસે કાલાવડ આવેલું છે. શ્રીગોપાલલાલ પ્રદેશમાં પધારેલ ત્યારે ગામ બહાર તળાવ પાસે તંબુમાં આપશ્રી બિરાજતા હતા. આ સમયે ઢીમર જ્ઞાતિ માછીમારનો ધંધો કરતી, તે માછલીઓને મારી તળાવમાંથી લઈને જઈ રહયા હતા. પ્રભુશ્રી ગોપાલલાલ આ સમયે કેશ સંવારી રહયા હતા. આપશ્રીનામાંથી અલૌકિક દિવ્ય તેજ પુંજ સ્વરૂપનું દર્શન થયું, સ્વરૂપમાં લલચાણાં, આપશ્રીની નજીક આવી શરણે લેવાનું કહયું. આપશ્રીએ મરેલ માછલીઓને પાછી જલમાં મૂકી આવો તેમ કહી તે સર્વ માછલીઓને જીવિત કરી. આ ઢીમર જ્ઞાતિ આપશ્રીના શરણે આવી, જેને સરાણીયાની છાપ આપી, આ ધંધો છોડાવી શરણે લીધા.
રાજકોટમાં હરજીને સુરજ, સત્સંગ નિત્ય થાય ||
એક દિવસ પાડોશમાં, ધુણે ચારણની બાઇ ||
ધુણે ચારણની બાઇ તે જાણ્યું, સુરજે લુટી રાંદેલનું આણ્યું||
બાઈ પસ્તાઈ તે રહી નહી ધીરજ, રાજકોટમાં હરજીને સુરજ||૧૯||
રાજકોટમાં હરજી-સુરજ સંગી વૈષ્ણવ હતા, નિત્ય સાંજે પ્રભુ શ્રીગોપાલલાલના વચનામૃત તથા બાલ ચરિત્રનું ગુણગાન કરે. એક દિવસ પાડોશમાં લૌકિક પ્રસંગે ચારણબાઈ ધુણી રાંદલમાતાનું આહવાન કરી રહી હતી. સત્સંગમાં ખલેલ પડતા હરજી – સુરજે આ રાંદલનું સ્થાપન ફેંકી દીધું. હરજી-સૂરજના આ પ્રતાપથી બાઈ ઘણું પસ્તાણી, તેમને સંગે વૈષ્ણવ થયા. તેમના પુત્ર દેવીદાસે ઘણાં જ પદો ની રચના કરી છે.
હળવદમાં ગોપાલ પધાર્યા, ધરી ત્યાં વીધ વીધ ભેટ ||
ત્રોટી આપી તેજુએ ને, જવા વિચારે ઠેઠ ||
જવા વિચારે ઠેઠ વ્રજમાંહે, વાટ જુએ છે ગોપાલની ત્યાંહે ||
પરબાર્યા પ્રીતમ સીધાવ્યા, હળવદમાં શ્રીગોપાલ પધાર્યા||૨૦||
શ્રીગોપાલલાલ જ્યારે પ્રદેશમાં પધારેલ, ત્યારે હળવદ પધારેલ. ગામના સર્વએ સામૈયું કરી પધરાવેલ. આ સમયે સર્વએ અનેક ભેટ કરી, તેજુ બાઈએ કાનની ત્રોટી ભેટમાં ધરેલ. તેજુ બાઈ શ્રીગોપાલલાલના સ્વરૂપમાં એવા લુબ્ધ થયા કે આ સ્વરૂપ વિના એક ક્ષણ પણ ન રહી શકે તેવી પ્રબળ પ્રીત થઈ. તેજુબાઈને શ્રીગોપાલલાલ સાથે વ્રજમાં જવાની ઈચ્છા થઈ. શ્રીગોપાલલાલે પ્રદેશમાંથી પાછા પધારીશ ત્યારે સાથે તેડીને જવાનું વચન આપ્યું.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને માનસી અમરસેડા(ગોંડલ) ના ‘જય શ્રી ગોપાલ’ ||