|| પ્રભુશ્રી ગોપાલલાલના ચંદ્રાવાળા ૧૧ થી ૧૫ ||

0
82

|| શ્રી ગોપાલો જયતે ||

પ્રાગટ શ્રીગોપાલનું કહીયે, સંવત સોલમાં જાણ ||
ચૌદ પાંચમાં ત્રણ ધરીને, અંક ઉલટા પ્રમાણ ||
અંક ઉલટા પ્રમાણ તે એવા, તથ વદ ખષ્ટિ શ્રાવણ કેવા ||
બદત પ્રેમ બલૈયા લહીયે, પ્રાગટ શ્રીગોપાલનું કહીયે ||૧૧||

ગણિતના કોયડામાં આ ચંદ્રાવળા રજુ કર્યું છે. શ્રીગોપાલલાલનું પ્રાગટય સંવત ૧૬૦૦માં, ચૌદ પાંચમાં = ૭૦, ૧૪×૫ = ૭૦ + ૩ = ૭૩, અંક ઉલટા કહેતા ૩૭ = ૧૬૩૭, શ્રાવણ વદ છઠના દિવસે થયું છે. વ્રજભકતો વારંવાર આ સ્વરરૂપનાં ઓવારણાં લે છે.

ગોવિંદ સ્વામી ગોકુલમાં રહેતા, ભણાવતા દ્વિજ બાળ ||
સહુ બાલકથી ચાહતા વધુ, મન માંહે ગોપાલ ||
મન માંહે ગોપાલ તે જાણી, શ્રીજીયે કૃપા એ પેરે આણી ||
ધામ યુમનાનું દેખાડી એ દેતા,ગોવિંદ સ્વામી ગોકુલમાં રહેતા ||૧૨||

ગોવિંદ સ્વામી શ્રીવિઠ્ઠલનાથજીના સેવક હતા, અષ્ટસખામાં તેમનું શોભાય- માન સ્થાન છે. કીર્તન વિદ્યાનું દાન શ્રીવિઠ્ઠલનાથજીના સર્વ બાલકોને આપ જ કરતા હતા. જ્યારથી શ્રીરઘુનાથજીના ગૃહે શ્રીગોપાલલાલનું પ્રાગટય થયું તે જાણ્યું અને અનંત વ્રજના યૂથને આપનું શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરાવેલ ત્યારથી ગોવિંદ સ્વામીને શ્રીગોપાલલાલના સ્વરૂપમાં વિશેષ સ્નેહ હતો. વારંવાર કછુક લીલા દેખાવો તેમ વિનંતી કરતા હતા. એક સમયે ૧૧ બાલકો શ્રીયમુનાજીમાં સ્નાન માટે પધાર્યા હતા ત્યારે શ્રીગોપાલલાલે કૃપા કરી ગોવિંદસ્વામીનો હાથ પકડી ઉંડા શ્રીયમુનાજીના જલમાં ડુબાડી શ્રીયમુનાજીની નિકુંજનું દિવ્ય દર્શન કરાવ્યું. ત્યારથી કયારેય પણ ગોવિંદ સ્વામીએ શ્રીયમુનાજીના જલમાં પોતાનો પગ બોળ્યો નથી. આ સાક્ષાત્ સ્વરૂપે નિત્ય નૂતન લીલાથી બિરાજે છે તેમ જાણતા. શ્રીગોપાલલાલના સેવકો માત્ર અને માત્ર શ્રીયમુનાજીના જલનું પાન જ કરે છે, સ્નાન નહિ.

વીજાપુરમાં શ્રીજી પધાર્યા, શાહે જાણી વાત ||
નિંદે સહુ ગુસાંઈને પણ, જોયો પૂર્ણ પ્રતાપ ||
જોયો પૂર્ણ પ્રતાપ તે એણે, કર્યું દર્શન શ્રીજીનું તેણે ||
હિંસા અટકાવી સહુને સુધાર્યા, વીજાપુરમાં શ્રીજી પધાર્યા||13||

શ્રીગોપાલલાલ જ્યારે પ્રદેશમાં પધાર્યા હતા, ત્યારે વીજાપુરના મલેચ્છ રાજાને શ્રીગોપાલલાલનું દર્શન કરવાની ઈચ્છા થઈ. આપશ્રી જ્યારે બેઠક માં બિરાજતા હતા ત્યારે આવી આપશ્રીનું દર્શન કર્યું. હૃદયમાં દિવ્ય સ્વરૂપનો અહેસાસ થયો. રાજાને થયું કે હું ચરણ સ્પર્શ કરું, પણ મનમાં થયું કે હું મલેચ્છ છું, ના તો નહિ પાડે પણ તેમને સ્નાન કરવું પડશે, પોતાના રાજ્યમાં ગૌ હત્યા થતી હતી તે આજના આ અદ્દભૂત દર્શનથી બંધ કરી, દ્વાપરમાં શ્રીગોપાલલાલનું મૂળ નામ ગૌ પાલક હતું તે સાર્થક કર્યું,

મહારાણી શિહોરની કેવી, કરે મેઘા ગુણગાન ||
બદુ ઘોડી આપવાને, તેડાવ્યા શ્રીમાન ||
તેડાવ્યા શ્રીમાન તે આવ્યા, વડા ઠાઠથી ઘેર પધરાવ્યા ||
ભેટ કરી બહુ વિધ સેવી, મહારાણી શિહોરની કેવી ||૧૪||

શિહોરના મહારાણી મેઘાજીબા અનન્ય ભાવથી શ્રીગોપાલલાલના સ્વરૂપનું ચિંતન-સ્મરણ કરતા. તેમના કુંવર રતન રાવળે બદુ નામની જાતવાન ઘોડી ઉછેરેલ. તેના પર સવારી કરવા માતાજી પાસે તે ઘોડી લઈ આવ્યા. આઠેય પોર શ્રીગોપાલલાલના સ્વરૂપમાં મગ્ન એવા મેઘાજીબાના મનમાં સ્ફર્યું કે આ ઘોડી પ્રભુ શ્રીગોપાલલાલને અર્પણ કરૂં તો આપશ્રી જ્યારે પ્રદેશમાં પધારે ત્યારે પરિશ્રમ ન પડે. પરંતુ રતનરાવળે હઠ કરી કે સાત દિવસમાં શ્રી ગોપાલલાલ પધારે તો તેમને હું અર્પણ કરીશ. મેઘાજીબાએ મોરારદાસને પત્ર લઈને ગોકુલ મોકલ્યા. અંતરજામીએ અંતરની વાત સાંભળી, આપશ્રી સાતમે દિવસે શિહોર પધારી એક ભકતની ભાવના હૃદયમાં ધરી ઘોડી સ્વીકારી.

લક્ષ્મીદાસ વણીકની જાતે, સેંદરડા છે મુકામ ||
હીત સાધીને રાયનું, મેળવ્યું દ્રવ્ય તમામ ||
મેળવ્યું દ્રવ્ય તમામ તે નાખ્યું, મંડપે સુખ વૈષ્ણવને આપ્યું ||
લીધો અનુભવ તે ગુણગાનમાં તે, લક્ષ્મીદાસ વણીકની જાતે||૧૫||

સેંદરડામાં જીવનદાસ, લક્ષ્મીદાસ, મોરારદાસ સંગી વૈષ્ણવો હતા. લક્ષ્મીદાસ રાજ્યના કારભારી હતા. કારભારી સાથે સારા સંબંધ કેળવી ઘણું જ દ્રવ્ય સંચય કરેલ. શ્રીગોપાલલાલને શરણે આવતા પોતાની ભૂલ સમજાણી. શ્રીગોપાલલાલને વિનંતી કરી કે આ દ્રવ્યનું હું શું કરું ? ત્યારે મહામંડપ કરી વૈષ્ણવોને પધરાવી આ દ્રવ્ય તેમાં વાપરવાનું કહી સેવામાં વિનિયોગ કરાવ્યો.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમારના (બીલખા) ના ‘જય શ્રી ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here