|| પ્રભુશ્રી ગોપાલલાલના ચંદ્રાવાળા ૧ થી ૫ ||

0
84

|| શ્રી ગોપાલો જયતે ||

વસંત ઋતુના આગમનથી સેવામાં શ્રીઠાકુરજીની સન્મુખ તથા કીર્તન સમાજમાં આ ચંદ્રાવાળા ખાસ ગવાય છે. શ્રી ગોપાલલાલ, શ્રીગોપેન્દ્રજી, શ્રીજમુનેશ મહાપ્રભુજીના વિશિષ્ટ ચરિત્ર, લીલાનો યશ ભગવદ્ ભકતોએ ગાયો છે. અહિં અમુક જ ચંદ્રાવાળા લીધેલ છે.

એક સમે શ્રીનાથજી માંહિ, શ્રી વિઠ્ઠલ ગિરધરલાલ ||
મહાવાયક કર્યું શ્રીજીયે, શ્રી વૃંદાવન ભૂપાલ ||
શ્રી વૃંદાવન ભૂપાલ કહેવાઉં, શ્રીરઘુનાથજીનો નંદન થાઉં ||
હરખે હુલરાવે શ્રીજાનકીમાઇ, એકસમે શ્રીનાથજી માંહિ || જે જે શ્રીગોપાલરાય.||૧||

શ્રીગોપાલલાલનું સ્વરૂપ લીલામાં શું છે ? કયા સ્વરૂપે પ્રાગટય લીધું છે તેનું સુંદર વર્ણન આ ચંદ્રાવળામાં છે. એક સમયે શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલનાથજી તથા શ્રી ગિરિધરજીને કહયું કે મારી ઈચ્છા શ્રી રઘુનાથજીના ગૃહે પ્રગટ થવાની છે.આ વ્રજરાજને શ્રી જાનકીજી ના કુંખે પ્રગટ થવું છે.

સંવત સોલ સાડત્રીસ ના સાર, ઉત્તમ શ્રાવણ માસ ||
કૃષ્ન પક્ષ શુભ ખષ્ટિ દિને, પ્રભુ લીયો અવતાર ||
પ્રભુ લીયો અવતાર જયારે, રંગ બધાઇ બાજી દ્વારે ||
ત્રિભુવનમાં ભયો જેજેકાર,સંવત સોલ સાડત્રીસના સાર||૨||

શ્રીનાથજીના મહાવાયક અનુસાર આપશ્રીએ સંવત ૧૬૩૭ના શ્રાવણ માસમાં ખષ્ટિની શુભ રાત્રિએ પ્રાગટ્ય લીધું. ત્રણેય ભુવનમાં વધાઇની નોબત વાગી છે. આપશ્રીનો જય હો ! જય હો ! તેમ થઈ રહયું છે.

રાજભોગ સમે શ્રીરઘુનાથજી પિતા,ગોકુલચંદજીને ધરવા જાય ||
શ્રી ગોપાલજી પોઢયા પાલને, અંગુઠો મુખમાંય ||
અંગુઠો મુખમાંય તે મીઠા, ચૌદ ભુવન દ્રષ્ટે સુ દીઠા ||
અલૌકિક રૂપ ધર્યું પ્રભુજીયે, એહ કોની આગલ કહીયે||૩||

શ્રીરઘુનાથજી રાજભોગ સમયે શ્રીગોકુલચંદ્રમાજી (પાંચમાં ઘરના નિધિ સ્વરૂપ) ને થાલ સજી રાજભોગ ધરવા પધારી રહયા છે. એ સમયે શ્રીગોપાલલાલ ચરણનો અંગૂઠો લઈને પલનામાં પોઢયા છે. પણ આપશ્રીએ આપનું સ્વરૂપ શ્રીરઘુનાથજી પાસે પ્રગટ કર્યું તો મુખમાંથી ચૌદભુવનનું દિવ્ય દર્શન કરાવ્યું. આપશ્રી જ પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે પ્રગટયા છો તે પ્રત્યક્ષ કરાવ્યું.

તેવે સમે શોભાજી પધાર્યા, લાલજી કેરે પાસ ||
ત્રણ ભુવન મુખમાં દેખાડ્યાં, ગોકુલપતિ શ્રીગોપાલ ||
ગોકુલપતિ શ્રીગોપાલલાલ, મૂર્ચ્છાગત થીયા તત્કાલ ||
ત્રણ ઘટિકા મૂર્ચ્છાગત રહી,જેજે મુખ કહી બલૈયાં લહી||૪||

શ્રી રઘુનાથજી થાળ સજજ કરી શ્રીગોકુલચંદ્રમાજીને રાજભોગ ધરવા પધાર્યા ત્યારે તેમને ચૌદ ભુવનનું મુખમાં દર્શન કરાવ્યું, તે જ સમયે શોભાબેટીજી (ફઈબા) પધાર્યા, તો તેમને પણ શ્રીનાથજી સ્વરૂપ શ્રીગોપાલલાલે પોતાના મુખમાં ચૌદભુવનનું દર્શન કરાવ્યું. ત્રણ ઘટિકા એટલે ૨૪×૩= ૭૨ મીનિટ આ સ્વરૂપમય ૨હયા પછી જાગૃત થઈ જય હો જય હો તેમ કહયું.

ગયાદાસે ગોદમેં લીને, લાલજી કેરે હેત ||
આગનમાં ખેલાવતા, અચરજ પામ્યા તેહ ||
અચરજ પામ્યા તેહ તેહી, શ્રીનાથજીનું દર્શન થયું ||
ભુલ ભ્રમણા મનની ટાળીને, ગયાદાસે ગોદમેં લીને ||૫||

શ્રીવલ્લભાચાર્યજી તથા શ્રીવિઠ્ઠલનાથજીના ઘણાં જ કૃપાપાત્ર સેવકોને આપશ્રીએ આપની લીલાના‌ સ્વરૂપનું દર્શન આપ્યું છે. ગયાદાસ શ્રીગોપાલલાલને આંગનમાં ખેલાવી રહયા હતા, ત્યારે આપશ્રીએ કૃપા કરી શ્રીનાથજીનું દર્શન આપી મનમાં જે શંકા હતી તેને દૂર કરી.

(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ || 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here