|| શ્રી ગોપાલો જયતે ||
ટેકી નાગર તેહકી, બાત બડી બીખ્યાત,
તલપ ગોપેશ્વર દેહકી, યેહ કરે ઉપઘાત;
યાહી કહ્યો ઈશ જુ, રાય પકર રણછોડ,
જો ચહીએ જગદીશ, કૃપાલ પુરણ કોડ;
બૂંદ ક્યારે તબ બોય, બહ્યો બટ દ્વારામતી,
પ્રગટનાથ મલ કહે પ્રાગર, પદ ગ્રહો ગોકુલપતી….
જુનાગઢમાં નાગર બ્રાહ્મણ પ્રાગજી મહેતા ગોપેશ્વરના અનુરાગી હતા તે નરસી મહેતાના કુળના હતા, પુજાથી શંકર પ્રસન્ન થયા, અને કહ્યું જો તું જગદીશને ચાહતો હોય તો રણછોડરાયજીને સેવ. એ કૃપાળુ તારા કોડ પુરા કરશે તેથી પ્રાગજી મહેતા તુલસી વાવી દ્વારિકા જવા લાગ્યા. ત્યાં રણછોડરાયજી કહે ગોકુલપતિ એવા શ્રી ગોપાલલાલે પ્રાગટ લીઘું છે. માટે તેને શરણે જા.
ગુણવંત આવત ગેહેડમો, સાંઢા ગામ સુખાલ,
શ્રીપદ ધરે તેહી શહેરમેં, ગોકુલપતિ ગોપાલ
કોટીક તન સંતાપ કપ્યો, દાન સમરપણી દીને
સ્થિર અપુનો કર થપ્યો ભક્ત મહારસ ભીને:
પ્રાપત મહેતા પ્રાગજી, પ્રફુલિત અનુભવ પાયો,
નિજજન સુત રઘુનાથજી, બહાની સંગ બેઠાયો….
ગેહેડમાં સાંઢા ગામમાં ગુણવંત એવા શ્રી ગોપાલલાલ પઘાર્યા, કરોડો જીવોના તનના સંતાપ નસાડયા અને સમરપણ દાન દીઘાં. પ્રાગજી મહેતા ત્યાં આવ્યા તેને પોતાનો કરી સ્થિર કર્યો. ભક્તિ રસમાં ભીના ભક્ત અનુભવ પામી પ્રફુલીત થયા. પોતાના જનને શ્રી રઘુનાથજીના સુત શ્રી ગોપાલલાલે પોતાની સંગે બેસાર્યા.
જુનાગઢમાં પ્રાગજી મહેતા નામે બ્રાહ્મણ પ્રભુના સેવક થયા. જે શ્રીકૃષ્ણ સેવન કરે અને તેમના જ ધ્યાનમાં મગ્ન રહે, સદા સુખ આનંદમાં રહેતા. કોઈને કદી પણ દુખ લાગે એવું કહેતા નહીં. પ્રાગજીભાઈના મનમાં એવી ઈચ્છા થઈ કે-મારા વડવા નરસીંહ મહેતાને આ દેહે જ સાક્ષાત રાશના દર્શન ગોપેશ્વર મહાદેવે કરાવ્યા હતા અને કૃષ્ણ તેવે વશ થઈને રહ્યા હતા. તો મને આ દેહે દર્શન કેમ ન થાય ? મારે પણ આ દેહે જ દર્શન કરવા છે. અરે ! વૃજમાં અહનિશ રાસલીલા થાય છે, તે દર્શન મને ક્યારે થાશે. એવું પોતાને રટણ થવા લાગ્યું તેથી પોતે પણ નરસીંહ મહેતાની માફક ગોપેશ્વર મહાદેવ ઉપર તપશ્ચર્યા શરૂ કરી. હંમેશાં શંકર ઉપર જળ ચડાવે છે-બીલીપત્ર પણ પ્રેમથી ચડાવે છે. દંડવત્ કરી વારંવાર વીનતી કરે છે?
એમ કરતાં કેટલાક દીવસો થયા પણ કાંઈ સિદ્ઘિ થઈ નહીં તેથી દેહ પાડવા તૈયાર થયા. પોતાનું મસ્તક શંકરને ચડાવવા તૈયાર થાય છે ત્યાં તો એકાએક પોતાના વાહન નંદીપર પાર્વતી સહીત પ્રગટ થયા અને કહ્યું-સબુર એ સાંભળી પ્રાગજી મહેતા ચરણમાં પડી વીનતિ કરવા લાગ્યા. પોતાના ભક્તનો પ્રેમ જોઈ ભોળા શંભુ પુછવા લાગ્યા તારી શું ઈચ્છા છે ? ત્યારે ભક્ત કહેવા લાગ્યા. બંસી ઘારણ કરેલી છે અને ગોપીઓના સંગમાં ખેલે છે એવા દિવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણના રાસના દર્શન કરવા ચાહું છું.
સીયાનો કનરો : તુજ અભિલાષા છે હીતકારી, શંભુ કહે પામીશ અસુરારી;
દ્વારિકા જાજે મને ન દુભાજે, જ્યાં મળશે તેજને વૃજઘારી….તુજ
ભાવ જોઈને ભક્ત હું તારો, કરીશ ભળામણ સ્નેહ વધારી,
આપી વચન એવું ગુણકારી, અંતરઘ્યાન થયા શુળઘારી….તુજ
વૃત લીઘું ત્યાંથી મહેતાએ, દ્વારીકા જાવું તુલસી કરઘારી;
પ્રતિ વરસે એવું વૃત ઘારે, શ્રીવર કેમ મુકે તે વીસારી….તુજ
શંકર કહેવા લાગ્યા તારી અભિલાષા ઘણી સારી છે. તું મનમાં ઓછું લાવીશ નહીં. તું દ્વારિકા જજે, ત્યાં તને શ્રીકૃષ્ણના દર્શન થશે. એવું સુંદર વચન આપી શંકર અંતરઘ્યાન થઈ ગયા. ત્યારથી પ્રાગજી મહેતાએ વૃત્ત લીઘું કે પરબત મહેતાની માફક તુલસી વાવી દ્વારિકા જવું અને દેવદીવાળીએ ત્યાં તુલસી વિવાહ કરવા એવું વૃત્ત કેટલોક સમય ચાલ્યું. તો પ્રભુ પણ શી રીતે વીસારે.
એક સમય પ્રાગજી મહેતા દ્વારિકા આવ્યા હતા, અને પૂર્ણ પ્રેમથી પ્રભુના ચરણમાં પડી સ્તુતિ કરતા હતા. તેવામાં અચાનક મૂતિમાંથી શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા, ભક્તનું સાંત્વન કરી કહેવા લાગ્યા-તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માટે તારી જે ઈચ્છા હોય તે માગ.
પ્રાગજી મહેતા ગદ્દગદ્દ કંઠે કહેવા લાગ્યા, હે પ્રભુ ! આપની રાસલીલાના મને દર્શન કરાવો. બીજી કશી માયા મારે જોઈતી નથી. પણ આપની સાચી ભક્તિ મારા હૃદયમાં હંમેશાં વસી રહે એ ચાહું છું.
શાર્દુલ : છે સારિ અભિલાષ દાસ તુજની, બોલ્યા કૃપાનિઘિ,
સેવા તું કરજે રઘુસુત તણી પામી એથી સિદ્ઘિ,
શ્રી ગોપાલ સ્વરૂપ મુજ સમજી, રાખી પુરી ભાવના
આરાર્ઘ અવિનાશી એજ ગણીને, થાશે પુરી કામના.
કુપાનિઘિ એવા દ્વારિકાધીશ કહેવા લાગ્યા-મહેતા તમારી અભિલાષા બહુ સારી છે. તમો રઘુસુત એવા શ્રી ગોપાલજીની સેવા કરજો. તેમણે રઘુનાથજી સાથે અત્રે પઘારી મારી સ્થાપના કરી છે. તેઓ ભુતળ ઉપર બીરાજે છે. તેથી સર્વ અર્થ સિઘ્ઘિ થશે. શ્રી ગોપાલલાલ મારૂં જ સ્વરૂપ છે. સાક્ષાત રાશના અઘિપતિ છે. એમાંજ પૂર્ણ ભાવ રાખજો. એ જ સ્વરૂપ સર્વસ્વ છે, તેમાંથી તમારી મનોકામના પરીપૂર્ણ થશે એટલું કહી પોતે અંતરઘ્યાન થયા. પ્રાગજી મહેતા પાછા પોતાને ઘેર આવ્યા. હવે શ્રી ગોપાલલાલના દર્શન ક્યાં થશે ? એ માટે વૈશ્નવોને પુછવા લાગ્યા.
હંમેશા ગોપાલજીની શોઘ કરવા લાગ્યા. અરે પ્રભુ ક્યાં મળશે ? કોઈ વૈશ્નવ પાસેથી સમાચાર મળ્યા કે શ્રી ગોપાલલાલ પ્રદેશ પઘાર્યા છે અને સોરઠમાં બીરાજે છે. તેથી પ્રાગજી મહેતા સોરઠમાં ગયા પણ પ્રભુ સોરઠમાં થઈને ગહેડમાં પઘાર્યા હતા તેથી મહેતા પણ પાછળ પાછળ ગહેડમાં આવ્યા ત્યાં સાંઢા ગામમાં શ્રી ગોપાલલાલની ઝાંખી થઈ પ્રભુએ તેને શ્રેષ્ઠ ગણ્યો. દરશન કરી સર્વ પાપોથી મુક્ત થયા. પ્રભુએ પોતાનો દાસ ગણી કૃતારથ કર્યો. તેનો હાથ ઝાલી ભક્તાઘિન બની પ્રભુએ તેને પોતાની પાસે બેસાર્યો.
પ્રાગજી મહેતા પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. મનમાં હર્ષનો ઉભરો ક્યાંય સમાતો નથી. વારંવાર સાષ્ટાંગ દંડવત કરી ચરણસ્પર્શ કરવા લાગ્યા. પોતાને શાંતિ શાંતિ થઈ ગઈ અને જાણે પોતાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય અને કોઈ અલૌકિક દીવ્ય ઘામમાં પોતે આવી બેઠો હોય એવા હર્ષમાં આવી ગયા.
કલ્યાણ – ઘરી ભાવ ભક્ત પરે શ્રી ગોપાલ વદ્યાા-ટેક
રાશ કાજ થાવ વૈશ્નવો તૈયાર બઘા
આણી ભાવ તદા, તૈયાર થાય બઘાં………..હાં……….હાં………હાં……….ઘરી.
વેલ થઈ તહાં મંડળીની મોટી બઘી, જેમાં ભવની દીસે નહીં જરી અવઘી,
પ્રીતિ પૂર્ણ વઘી, રંગ જામ્યો યદી………હાં……….હાં……….હાં……..ઘરી.
ગાય છે મઘુર તાલ, સુરમાંહી ભારી, ભુલે ભાન ભક્ત નિજ તનનું એ વારી,
જાયે વારી વારી, ઉમંગે અપારી…………હાં……….હાં……..હાં………ઘરી.
મહેતાએ નિહાળતાં જ સ્તબ્ઘ સદ્ય થયા. પોતે ભાન દેહતણું તવ ભુલી ગયા.
દીવ્ય ચક્ષુ થયા, શું નિહાળી રહ્યા………….હાં………હાં……….હાં…….ઘરી
ઘડીવાર એ નિહાળવામાં ભક્ત રહ્યા, ત્યાં તો દીવ્ય રૂપ સર્વ એ અદ્રશ્ય થયાં,
પોતે જોઈ રહ્યા, બઘા એ ક્યાં ગયા………હાં………હાં……….હાં……ઘરી.
શ્રી ગોપાલજીએ સર્વનો ખુલાસો કરી, ચિત્ત શાંત કર્યું ભક્તનું સુપ્રેમ ઘરી,
રાખ્યો નિજ કરી, બાકી ત્યાં શું રહી…….હાં………હાં………હાં……..ઘરી.
પોતાના ભક્ત પર ભાવ ઘરી શ્રી ગોપાલલાલ કહેવા લાગ્યા વૈશ્નવો રાસ લેવા તૈયાર થાવ.
બઘા વૈશ્નવો ભાવ ઘરી તૈયાર થયા-વેલ થઈ. પૂર્ણ પ્રેમથી રાસ રમવા લાગ્યા. બરાબર રંગ જામ્યો. મુદરાતાલ અને સુરમાં વૈશ્નવો ગાય છે. એ વખતે સર્વ પોતાના દેહનું ભાન ભુલી ગયા. અતિશય ઉમંગ ઊભરાયો.
એ લીલા જોઈ પ્રાગજી મહેતા સ્તબ્ઘ બની ગયા. પોતાના દેહનું ભાન ભુલી ગયા. ચક્ષુ દીવ્ય થઈ ગયા. અરે જુએ છે તો એક ગોપી એક કાન રાસ રમે છે. વૈશ્નવ સર્વ દીવ્ય સ્વરૂપ બન્યા છે. થોડો વખત એ લીલા નિહાળી ત્યાં તો સર્વ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયાં. પોતે જોઈ રહ્યા-અરે એ બઘા ક્યાં ગયા ? એવા વિચારવમળમાં સ્તબ્ઘ થઈ ગયાં. દેહ દશા તદન વીસરી ગયા. શ્રી ગોપાલલાલે પોતાના હસ્તકમળ પ્રાગજી મહેતાના શીર પર ઘર્યો, ત્યારે જે દર્શન પોતાને મુર્છાગતમાં થયા હતા તે જ દર્શન શ્રી ઠાકુરજીના નીખમનીમાંથી થયાં તુરત જ મહેતાને મનમાં ભાવના થઈ જે લીલાનું ઘ્યાન કરૂં પોતે ૫દ ગાયું- જો લો હરી આપન પોત દેખાવે, તાલો સકળ સિઘ્ઘાંત સમ્રત સુને પઢે તે નાવે આવી શ્રી મહેતા ઉપર આપે પૂર્ણ કૃપા દરશાવી. અને કહ્યું- કૃષ્ણ અવતારમાં મેં ગોપીઓને વચન આપેલું તે સિઘ્ઘ કરવા મેં અવતાર લીઘો છે અને રાસનું સુખ આપું છું-એ સર્વ દૈવી જીવ છે કારણ કે દેવતાઓ ગોપ-ગોપી તરીકે પ્રગટ થયા હતા. તે બઘા આ જીવ છે. એ મુજબ ખુલાસો કરી પ્રાગજી મહેતાને પોતાના કરી રાખ્યા. પરદેશમાં સાથે રાખ્યાં અને પોતાની સાથે વેલમાં બેસારતા. ત્યારપછી પ્રાગજી મહેતા શ્રી ગોપાલલાલને જુનાગઢ પઘરાવી ગયા. પોતાના કુટુંબ સર્વેને શ્રી ગોપાલલાલજીનું શરણ અપાવ્યું. પ્રાગજીભાઈને સેવા પઘરાવી આપી. પ્રાગજી મહેતાએ શ્રી ગોપાલલાલને સર્વ સમરપણ કર્યું, અને પોતાનો વહેવાર અલોકીક રીતે ફરીથી ચલાવવા લાગ્યા. આવી રીતે પ્રાગજી મહેતા ઉપર પૂર્ણ કુપા કરી, એવા પ્રાગજીભાઈ પૂર્ણ કૃપા પાત્ર ભગવદી હતા.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
#very interesting….