|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૩૧ ||

સંવત : ૧૭૧૧
સ્થળ : જામનગર

મલેચ્છનો અંગીકાર (જીવણ ખવાસ).

નગરમાં આપશ્રીનો જન્મોત્સવ મનાવ્યો.

આપશ્રી નગરમાં પધાર્યા.આપશ્રીનો જન્મોત્સવ ભાદરવા વદી ચતુરાદશીનો નજીક આવવાથી તે ઉત્સવનો આનંદ નગરના વૈષ્ણવોને આપવાની ઈચ્છાથી નગરમાં પધાર્યા.
આપશ્રીના જન્મોત્સવની વધાઇ સાંભળી. નગરમાં બહારના વેષ્ણવોનું જુથ દોઢ હજારનું એકત્રીત થયું. તેમજ ગામનું જુથ પણ સારા પ્રમાણમાં હતું.

જામના ઠકરાણાની વડારણ લખામાને ત્યાં આપશ્રીના જન્મોત્સવના દિવસે આપશ્રીને કેસર સ્નાન કરાવવાનો મનોરથ લખમા વડારણનો હતો. જેથી જામના ઠકરાણા પોતાની અટારી ઉપરથી શ્રીજીના દરશન કરી શકે.

લખમાબાઈના ઘરે શ્રીજીને ખુબજ ધામધુમ સાથે કીર્તન સમાજ કરતા પધરાવી લાવવા દરબારગઢ પાસેથી નિસર્યા. રાજની રાણીઓ દરબારગઢની અટારી ઉપરથી દરશન કરે છે.

અને પ્રભુજી સાથે સામૈયું દરબારગઢ પાસે આવ્યું.

જામનો ખવાસ, ‘જીવણ’ ત્યાં ચોકીએ ઊભો હતો. તે શ્રીજી મોટા ધામધુમ સાથે લખમાને ત્યાં પધારે છે. તેથી તેણે ધનજી ઉદાણી કામદારને પૂછયું. “જે આ અવડા મોટા દમામ, વૈભવ, સાથે કોણ આવી રહ્યું છે !’

જામના કામદાર ધનજી ઉદાણીએ કહ્યું : ‘એ ગોકુલના કનૈયા છે !’ તેની વાત સાંભળી જીવણ ખવાસ પોતાના મનમાં ચમક્યો. શું આ સાચું હશે ! પણ તેણે તુરત કામદારને વળતો જવાબ આપતા કહ્યું. ‘જે તે મારુ નામ લઈને બોલાવે તો ગોકુલના કનેયા સાચા !’

જ્યારે દરબારગઢ આગળ સામૈયું લઈને આવ્યા. ત્યાં શ્રીગોપેન્દ્રજી ને જોતાં જીવણ ખવાસે વેગલેથી સલામ લીધી. ત્યારે શ્રીગોપેન્દ્રજીએ તેનું નામ લઈને બોલાવ્યો. ‘કેમ જીવણ ?’ આટલું સાંભળતાં જ તે મુર્ચ્છાગત થઈને એક મુહુર્ત સુધી ધરણી ઉપર ઢળી પડ્યો. પછી જાગ્રત થતાં તેણે પોતાના માણસોને કહ્યું કે મને એ ઠાકર પાસે લઈ જાવ ?

જીવણ ખવાસ પોતાના માણસો સાથે લખમાના ઘરે આવ્યા. ત્યારે તેણે વિચાર્યું જે ચરણમાં પડું ? ત્યારે વૈષ્ણવોએ તેને પાસે જવા દીધો નહિ અને કહ્યું શ્રીઠાકોરજી પોતાની બેઠકે બિરાજે ત્યારે આવજો.

સાંજે શ્રીઠાકોરજી પોતાની બેઠકે બિરાજયા. ત્યારે શ્રીજીએ તો તેનું વરણ-અંગીકાર, દર્શન કરતા જ કર્યો હતો. પછી જીવણ ખવાસ શ્રીજી બેઠકે બિરાજતા હતા ત્યારે આવી સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરી. મનુહાર વિનતી શરણે લેવા કરી. ત્યારે શ્રીગોપેન્દ્રજીએ નગરના પંડિતોને બોલાવી ને પૂછયું. ‘જે કયે પુરાણમાં મલેચ્છનો વરણ-અંગીકાર કરવા વિષે કોઈ પુરાણમાં તેનો પ્રકાર બતાવવામાં આવ્યો હોય તો કહો ?’ પંડિતો ખુબજ જોવા લાગ્યા. વિચાર કરવા લાગ્યા. પણ મલેચ્છની શુદ્ધિનો પ્રકાર કોઈ તેમના જોવામાં આવ્યો નહિ. આથી ખુબજ અકળાયા અને પ્રભુજીને વિનતી કરી રાજ ! આમાં અમોને કંઈ દીસતું-દેખાતું નથી. આપ કૃપા કરી બતાવો !

શ્રી ગોપેન્દ્રજીએ પંડિતોની અકળામણ જાણીને કહ્યું : “બ્રહ્માંડ પુરાણનો બોંંતેંંરમાં અધ્યાય કાઢીને જુવો !’ ત્યારે પંડિતોએ તેમાં જોયું. તો શ્રીજીએ કહ્યું તે પ્રમાણે મળી આવ્યું. આપશ્રીના ચરણમાં દંડવત્‌ કરી પંડિતો પાછા ફર્યા.

પ્રભુશ્રી ગોપેન્દ્રજી નગરથી દ્વારકા પધાર્યા. સાથે જીવણ ખવાસને તેડી ગયા. પુરાણમાં જેમ કહ્યું હતું તે પ્રકાર કરીને તેનો અંગીકાર ક્યો.

જીવણ ખવાસની દેહશુદ્ધિ થઈ. અને પ્રભુજીનો સેવક થયો. નૂતન અવતાર થયો હોય તેમ તેને બધો અલૌકિક ભાસ થવા લાગ્યો. અને પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યો. અવરણનું વરણ થયું. તેનું નામ પુષ્ટિ. પુષ્ટિ થતા તે સવર્ણ બની ગયો.

જીવણ ખવાસે પ્રભુજીને પોતાનું સર્વસ્વ નિવેદન કરી દીધું. પોતાની હવેલી, વાડી, તલાવ, સર્વ ભેટ કરી દીધું. પછી તે સારો વેષ્ણવ થયો. એવા પ્રકારે મલેચ્છનો અંગીકાર કરી. અનુગ્રહ કર્યો. સુદઢ ભક્તિનું દાન કરી પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉત્કર્ષ વધાર્યો. જીવણ ખવાસ મહાન ભગવદી થઈ ગયા

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૧મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *