સંવત : ૧૭૦૧
સ્થળ : જૂનાગઢ
સર્વ જીવના પ્રભુ કોણ ? મોટો વૈષ્ણવ કોને કહીએ?
પ્રભુશ્રી ગોપેન્દ્રજી જુનાગઢ પધાર્યા: પ્રભુશ્રી ગોપેન્દ્રજી જુનાગઢમાં પધાર્યા. ત્યારે સૂરજી ઓઝા, વીરબાઈ, રખુબાઈ વૈષ્ણવ મંડલી લઈને, ગામના પાદર સામા આવ્યા. સામૈયું કરીને શહેરમાં પધરાવ્યા. અને હરજી વ્યાસના ઘરે પધાર્યા. ત્યાં આપશ્રીનો મુકામ રાખ્યો હતો. ભોજન કરી, સુખાળા થયા. પછી આપશ્રી બેઠકે બિરાજ્યા. ત્યાં ઘણા વૈષ્ણવ દરશન કરવા માટે આવ્યા. અને સર્વ ઉપર કૃપા કરી, સર્વને દરશન સુખદાન આપ્યું.
તે સમયે હરજી વ્યાસે આપશ્રીને વિનતી કરતાં પ્રશ્ન પૂછ્યો: “જે રાજ! સર્વ જીવનો કોણ પ્રભુ? અને મોટામાં મોટો લાવ-લાભ શું? વૈષ્ણવ મોટો કોને કહીએ? તે હે પ્રાણનાથજી! કૃપા કરીને મને સમજાવો?
ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું: હરજીવ્યાસ તમારો પ્રશ્ન ઉત્તમ છે. તે તું ધ્યાન દઈંને સાંભળ. પોતાની પ્રભુતા શક્તિથી જેણે સૃષ્ટિની રચના કરી છે. તે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે. તેની ભક્તિ અનન્યભાવે કરવી તે મોટો લહાવો છે. અને તેની અનન્યભાવે જે ભક્તિ કરે છે. પ્રેમ સહિત સેવા-સ્મરણ કરે છે, તે વૈષ્ણવ મોટો છે. અને તે જ મોટામાં મોટો લહાવો છે. તે લહાવો જેણે લીધો તે જીવ નિહાલ થઈ ગયો. પુષ્ટિ મારગમાં મેંડ પ્રણાલિકા અનુસાર વર્તે અને અનન્યભાવે ભગવત સેવા-સ્મરણ કરીને પ્રભુના સુખનો વિચાર કરે તે મોટામાં મોટો વૈષ્ણવ ગણાય છે. તેને મોટો કરી જાણીએ તેનો સંગ કરવો તે મોટામાં મોટો લાવ-લાભ છે.
વલી બીજો પ્રશ્ન કર્યો: “જે પ્રભુના રૂપ તો અનેક છે? તેમાં મુખ્ય કોણ?” ત્યારે શ્રીજીએ તેનો ઉત્તર દીધો. જે સૃષ્ટિની રચના કરનાર છે, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છે, જે સર્વોપરી છે, તેની ભક્તિ કરી શકાય, બીજા રૂપ તો અનેક ધરે છે. જે પ્રભુના રૂપ તો અનેક છે. કોઈ કલાકો, કોઈ ગુણ, કોઈ આવેશી, કોઈ અંશી તે અવતાર ગુણ પ્રધાન ગણાય છે.’
ત્યારે વ્યાસે કહ્યું: “પ્રભુજી તેના લક્ષણ આપી મને સમજાવા કૃપા કરો.” પ્રભુજીએ તેની વિગતવાર સમજણ આપતા સમજાવ્યું કે, ત્રણ ગુણ સૃષ્ટિ કરવાને માટે પ્રગટ કર્યા છે. તે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ તે ગુણાભિમાની ત્રણ દેવ તેમાંથી પ્રગટ થયા, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ રૂપ પ્રગટ થયા.
તેમાં સત્વગુણ પ્રધાન વિષ્ણુ તે પાલનકર્તા, તમોગુણ પ્રધાન મહેશ સંહારકર્તા (કાલ), રજોગુણપ્રધાન બ્રહ્મા સર્જનકર્તા. તે બધા પ્રાકૃત ગુણ પ્રધાન દેવ છે. પરંતુ વ્રજરાજ, પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુતો એ ત્રણેય ગુણોથી ન્યારા છે. ત્રિગુણાતિત પર છે. અને તે બધા અવતારોથી ન્યારા-જુદા છે. અને ભક્તનું હિત કરવા માટે એઓશ્રીનું પ્રાકટય ભુતલમાં થાય છે.
હવે ભગવાનના દશ અવતારમાં રામ, નૃસિંહ, વામન, તે અંશ અવતારી છે. અને પરશુરામ તે આવેશી અવતાર, મતસ્ય, કચ્છપ, વારાહ, બુધ કલ્કિ અને હલધર અ તાર તથા અન્ય ચૌદ મળીને કલાવતાર થયા છે એમ ચોવિશનો પ્રકાર ગણાય છે.
જ્યારે જ્યારે આ સૃષ્ટિમાં ભગવાનને ભક્તનું કાર્ય કરવું હોય છે. ત્યારે ત્યારે જે, જે, સ્વરૂપ ધારણ કરે છે તે નામ, રૂપનું વર્ણન વેદે કર્યું છે. તે બધા ગુણાવતાર કહેવાય છે. પણ તેથી પર પુરૂષોત્તમનું સ્વરૂપ જુદુ છે. તેના ત્રણ પ્રકાર છે. આધિભૌતિક, આધ્યાત્મિક, અને આધિદૈવિક. જે ભગવાને ગીતામાં તેનું વર્ણન કરીને કહ્યા છે.
ક્ષર, અક્ષર, અને અક્ષરાતિત પુરૂષોત્તમ. ક્ષરરૂપ સર્વભુત પ્રાણી છે. તૃણથી લઈને પ્રાણીમાત્ર અને બ્રહ્મા પર્યતના બધા ‘ક્ષર એટલે નાશવાન છે. અક્ષર, અક્ષરરૂપે વ્યાપક છે. ગોલોક પ્રભુને બિરાજવાનું ધામ-એ અક્ષર’ છે. આધિદૈવિક, તે અક્ષરાતિત ‘પુરૂષોત્તમ’ છે. જ્યારે અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે. જયારે પૂર્ણ પુરૂષોત્તમ અગણિતાનંદ છે. પૂર્ણાનંદ છે. સત્, ચિત્ત, આનંદ એ ત્રણે જ્યાં વ્યાપક રૂપે છે તે પુરૂષોત્તમ સચ્ચિદાનંદ કહેવાય જે, સદ્અંશ અને ચિદ્અંશ જેમાં છે તે જીવનું સ્વરૂપ છે. જીવમાં એક આનંદ અંશનો તિરોભાવ છે. એ આનંદ ક્યાં મળે. જે પરિપૂર્ણાનંદ સ્વરૂપ હોય ત્યાંથી, એવા તો એક પૂર્ણ બ્રહ્મ પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ છે. એટલે એઓશ્રીની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિથી નિજભક્તના હૃદયમાં પ્રભુ શ્રી સ્વામિનીજીના અનુરાગ વડે બિરાજે છે. એની સેવા કરવી તે જ એક જીવનું ધ્યેય હોવું જોઈએ. તે જ આપણું સર્વસ્વ છે. અને તો આનંદની પ્રાપ્ત કરી શકાય છે. પુષ્ટિ પુરૂષોત્તમ સિવાય બીજે આનંદ મેળવવાનો પ્રયત્ન કરવો એ મિથ્યા છે. તે પ્રભુ વ્રજમાં વલ્લભકુલમાં તેમના ગ્રહે પોતાના દાસનું હિત કરવા પ્રક્ટયા છે. જે સર્વોપરિ સ્વરૂપ છે. તેનું શરણદાન તમને થયું છે જેથી તમો નિહાલ છો. અમારો સેવક સર્વથી મોટો છે.’ પ્રભુજીના વચનામૃતનું શ્રવણપાન કરી. વ્યાસ તથા બીજા વૈષ્ણવો ઘણા જ પ્રસન્ન થયા. સર્વોએ ઘણી ભેટ ધરી. વ્યાસ પ્રભુના શ્રીચરણમાં પડી ગદગદ કંઠ થતા વિનતી કરી રાજ! આપ પધાર્યા અતિ આનંદ થયો અને જીવનો સર્વ સંદેહ નાશ પામ્યો, માર્ગનું હાર્દ મારા હરદામાં ઉતરી ગયું. કૃપાનાથ! જીવનું ગજું નથી.
આપશ્રી દસ દિવસ બિરાજ્યા બીજા ઘણા જીવો શરણે આવ્યા. સર્વોને શરણદાન આપી કૃતાર્થ કર્યા. જુનાગઢમાં અતિ આનંદ સુખદાન કરી, ત્યાંથી છાંયા પધારવા ઈચ્છા કરી.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૨૯મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||
Leave a Reply