સંવત : ૧૭૦૧
સ્થળ : વાંકાનેર
જીવના ત્રીવિધ તાપની નિવૃત્તિ.
પ્રભુજી વિરમગામથી વિજય થયા, અને વાંકાનેર પધાર્યા. મકરંદ રાવલે પ્રભુજીને ઘણા ધામધુમથી સામૈયુ કરીને પોતાના ગ્રહ વિષે પધરાવ્યા. મકરંદ રાવલને શરણ સમરપણ આપી તેની ઉપર ઘણી કૃપા કરી તેને સેવક કરી સનાથ કર્યો. મકરંદ રાવલે પ્રભુજીને ઘણી ભેટ ધરી પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યો. અને શ્રીજીએ કહ્યું મકરંદ તું સદાકે લીએ હમારી સાથ રહો. મકરંદ રાવલે પ્રભુજીની આજ્ઞા થતા કહ્યું, રાજ, ધન્ય ભાગ્ય મારૂ સમજુ રાજ, આપની કૃપા,આપ નિભાવજો. એમ કહી ચરણમાં પડી દંડવત કર્યા. શ્રીજી ઘણું પ્રસન્ન થયા.
રાજા રાયસંઘજીએ બીજી દિવસે પોતાના દરબારમાં વાજતે ગાજતે પધારાવ્યા ઘણા ધામધુમથી પ્રભુજીની વરણાંગી ચઢાવીને પોતાના રાજમહેલમાં પધરાવ્યા. રાજાન વિનંતીથી સર્વને નામ-નિવેદન આપ્યું. ઘણી ભેટ ધરી રાયસંઘે પ્રભુજીને વિનતી કરી રાજ,મારો મનોરથ પુરણ કરો. આપ અહિંયા ભોજન આરોગો. પ્રભુજીએ અતિ પ્રસન્ન થઈને ત્યાં ભોજન કર્યું. ભોજન કર્યા પછી સંધ્યા સમયે પ્રભુજી બેઠકે બિરાજયા અને વચનામૃત કર્યું. નિજજન તાપ નિવારે.
પ્રભુજીએ વચનામૃત કરતા કહ્યું રાયસંઘ જીવને ત્રિવિધતાપનું મહાન દુઃખ છે,તેની નિવૃત્તિ કરવા જીવ ઘણા સાધન સકામ ભાવથી કરે છે પણ તે ત્રિવિધ તાપ જે છે તેનું નિવારણ કોઈ સાધનથી મોટા,મોટા મુનિઓ પણ કરી શક્યા નથી. તો સાધારણ જીવનું ગજું શું ? આધિભૌતિક, આધ્યાત્મિક,અધિદૈવિક,એ ત્રિવિધતાપ છે તેનું નિવારણ ન થાય ત્યાં સુધી જીવનું આવાગમન ટળતું નથી. જેમાં પેલો આધિભૌતિક તાપ જે છે તે જન્મ-મરણાદિકનો ભય તે દેહસંબંધી,ક્ષુધા,પીપાસા રોગાદિકની પીડા,વૃદ્ધાવસ્થા વિગેરે જે થાય તે આધિભૌતિક તાપનું દુઃખ છે. અને બીજો આધ્યાત્મિક જે તાપ છે, તે માનસિક તાપ છે. માનસિક ભય ઉદ્વેગ ચિંતા વિગેરે થયા કરે છે. ત્રીજો આધિદૈવિક જે તાપ છે,તે કર્મનું ભોગાયતન ભોગવવા માટે દેવનો કોપ થાય તેનો ભય રહે છે. હવે ત્રિવિધ દુઃખને દૂર કરવાનું સાધન માત્ર એક શ્રીજીના અનન્ય શરણ દ્વારા તેની ભક્તિ કરવી,સેવા સ્મરણ વિગેરે જેનાથી ભવબંધન છૂટી જાય પછી ત્રિવિધ તાપનો ભય જ ન રહે. શ્રીજીનું અનન્ય શરણ જે છે,તે ત્રિવિધ તાપને હરવાનો એક માત્ર સરળ ઉપાય છે. “રાયસંઘ તું આજ નિર્ભય થયો, તારા ત્રિવિધ તાપનું નિવારણ થયું.”
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૨૮મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||