|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૨૭ ||

સંવત : ૧૭૦૧
સ્થળ : વિરમગામ

સેવા તથા પૂજાનો ભેદ.

શ્રીજી વિરમગામ પધાર્યા. વિરમગામમાં સુંદર ભંગાણી વાણીયા વૈષ્ણવને ઘરે મુકામ કર્યો. સુંદર ભંગાણીનો પુત્ર ગોકુલદાસ તથા આ તેની પત્ની લાડકીને શરણ દાન આપ્યું. અને તેમનો મનમનોરથ પૂર્ણ કર્યો. ભેટ ઘણી ધરી. આરતી કરી અતિ આનંદ પામી. તેનું વર્ણન શું થઈ શકે. દિવસ ત્રણ આપશ્રી ત્યાં બિરાજયા. વિરમગામમાં આપશ્રી બિરાજી રહ્યા છે. ત્યારે દેસાઈ રણછોડદાસ વાણીયા તેની ઉપર કૃપા કીધી અને તેને સેવક કર્યો. અને તેનો સંદેહ નિવાર્યો.

શ્રીગોપેન્દ્રજીના સેવક થયા પછી દેસાઈ રણછોડદાસે પ્રભુજીની પાસે નમ્રભાવે વિનતી કરતા પૂછ્યું ‘જે મહારાજ, રાજ ! સેવા પૂજા બન્ને એક કે, તેમાં ભેદ છે ! તે મને કૃપા કરીને સમજાવો !’ શ્રીજીએ કહ્યું : દેસાઈ ! તમે ધ્યાન દઈને સાંભળો ! તેમ કહીને આપશ્રીએ સેવા, પૂજાનો ભેદ સમજાવતા વચનામૃત કર્યા. સેવા અને પૂજા બન્નેના પ્રકાર જુદા જુદા છે. સેવામાં પૂર્ણાનંદની પ્રાપ્તી થાય છે. અને સેવામાં સેવકનો સ્નેહ મુખ્ય પ્રભુમાં હોય છે, જે પ્રભુના સુખનો વિચાર કરે તે સેવા. પૂજા કર્મના અધિકાર પ્રમાણે કરવાની હોય છે. અને તેમાં કર્મકાંડની વિધિ મુખ્ય હોય છે. પૂજામાં સકામતા હોય છે. તેથી કર્મનો ક્ષય થતો નથી. કર્મનું બંધન વધે છે. સેવા અને પૂજામાં બહુજ ભેદ છે. સેવા અંશીની થાય છે. જયારે બીજા પૂજા માર્ગમાં પૂજા અંશની થાય છે. પુરૂષોત્તમ અંશી છે. અને જીવ તેનો અંશ છે તેથી અંશરૂપ જીવે, અંશીની સ્નેહ સહિત સેવા કરવી જોઈએ. પૂજા દેવતાઓની થાય છે. પુરૂષોત્તમ પ્રભુ પૂજાને વશ થતા નથી. તેમ વેદ-શાસ્ત્ર પણ તેની સાક્ષી પૂરે છે. પૂજાને વશ પ્રભુ નથી. પૂજામાં મંત્ર મુખ્ય હોય છે. સેવામાં ભાવ-સ્નેહ મુખ્ય છે. પુરૂષોત્તમની ગતિનો વેદ-શાસ્ત્ર પણ પાર પામી શકતા નથી. તો બીજા સાધનો જે દાન, યજ્ઞ, વ્રત, જપ, તપ, તીરથ, યોગ, સમપૂરણ કરે તથા બીજા કરોડો પ્રકારના સાધનો કરે તોય ભક્તિ સિવાય વ્રજરાજની પ્રાપ્ત થતી નથી. સેવાના ભાવથી પ્રભુ પૂર્ણ પુરૂષોત્તમ વશ થઈ જાય છે. આ સાંભળી દેસાઈના મનનો સંદહ સેવા-પૂજાના ભેદનો મટી ગયો.

બીજો પ્રશ્ન કર્યો : મંત્રને આધીન ગોપાલ નથી ! તો એ મંત્ર શું કામનો ? જંત્ર, મંત્ર અને તંત્રના પ્રકાર પૂજા માર્ગમાં તેની વિધિ પ્રમાણે કરવાના કહ્યા છે. તો તે કોને કામના છે? તે કૃપા કરીને સમજાવો ? તેનો ઉત્તર આપશ્રીએ આપતા સમજાવ્યું : મંત્રને આધીન સર્વ દેવતા-સ્થાવર (સ્થિર) જંગમ (ચાલતું) પ્રાણી, એ મંત્રને આધીન છે. પૂજાના મંત્રો સકામ છે. ત્રિગુણાતિત પૂર્ણ પુરૂષોત્તમ તો વેદના મંત્રોથી પણ વશ થતા નથી તો આ મંત્રો કોણ માત્ર છે ! કશી વિશાંતમાં નથી ! એવા મંત્રોની કોઈ ગણના સેવા માર્ગમાં નથી. ત્રીજો પ્રશ્ન કરીને પૂછયું : જે રાજ એ મંત્ર કોનો મિત્ર છે? અને કોનો શત્રુ છે ? જે પુરૂષોત્તમને ભજી રહ્યા છે પ્રેમથી, તેને માટે તે શત્રુ સમાન છે. બાધક છે. તેને તે કશા કામનો એ મંત્ર નથી. એ મંત્રોમાં ખુબ જ સકામતા રહેલી છે, તેના જુદા જુદા પ્રકાર છે. મારણ, શોષણ, ઉદ્વેગ, બીજાને વશ કરવું, તેવા અગણિત દોષથી ભરેલા મંત્રો છે. જેથી ભક્તિ માર્ગમાં તુચ્છ કામના વાળા જીવો તેમાં ફસાય જાય છે અને તે જ મંત્રો તેનો નાશ કરે છે. અને જે જીવા પુર્ણ પુરુષોત્તમના ચરણારવિદમાં રત, પ્રેમ હોય તેને આ સારા એ જગતમાં કોઈ શત્રુ નથી.

જે જીવ શ્રીજીના શરણે થયા છે તેનું મન દઢ થઈ જાય છે. અને તેને નિશ્ચય થઈ ગયા પછી અન્ય માર્ગમાં જોવા-જાણવાનું રહેતું નથી. બીજા માર્ગમાંથી મન ભટકતું બંધ થઈ જાય છે. એક શ્રીજીના ચરણારવિંદમાં જેનું મન દઢ થઈ જાય તેને બીજા કોઈ સાધના કરવાની જરૂર રહેતી નથી. દઢતા સમાન બીજુ કોઈ ઉત્તમ સાધન નથી. એવું નિશ્ચ થાય. તો પ્રભુ કૃપાની પ્રાપ્તિ થાય.
ઉપરોક્ત વચનામૃતના ખુલાસાઓથી રણછોડ દેસાઈના સર્વ સંદેહ નાશ પામ્યા અને પોતે પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરતાં કહ્યું. “રાજ આપ વિના આ સંદેહ કોણ ભાંગે! આપની કૃપાથી સેવા-પૂજાનો ભેદ, સકામ મંત્રોની વિગત અને નિષ્કામ ભાવનો પ્રકાર જાણી અતિ આનંદ થયો છે. અને સર્વોપરિ વાત મારે મન સેવાની અધિકતા સમજાઈ છે.”

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૨૭ મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *