સંવત : ૧૭૦૧
સ્થળ : અમદાવાદ
દાસ ધર્મનું સ્વરૂપ.
પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અમદાવાદમાં રૈયા પારેખને ત્યાં બિરાજી રહ્યા છે, ત્યારે સોરઠના વૈષ્ણવો, મોરારદાસ સેંદરડીયા, લક્ષ્મીદાસ, જીવરાજ, હરજીભાઈ રસોયો, નારણદાસ ફુલા, વિગેરે પાંત્રીસ વૈષ્ણવો શ્રીજીના દરશન કરવા માટે રૈયા પારેખના ઘરે આવ્યા તથા રામજી ભંડારી તથા રામજી પીછડીયો એ બે જણા ખાસાના ખવાસ હતા. જે પ્રભુજીની ખાસાની સેવામાં નિત્ય રહેતા. રૈયા પારેખના ઘરે શ્રીજીના દરશન કરવા માટે આટલું વૈષ્ણવનું જુથ પધાર્યું. તેથી પારેખના મનમાં આનંદ સમાતો નથી કવિ લખે છે કે, “સેવા સબંધે જુ આનંદ અપરમિત” પ્રભુજી જે જીવ ઉપર અસીમ કૃપા કરે તેજ સેવાનું સુખ લેતા આનંદ પામે, આતો શ્રીજી તથા તેના સેવક બન્નેની સેવાનો સુઅવસર રેયા ભાઈને પ્રાપ્ત થયો છે, જે અપરમિત આનંદ સેવા કાર્યમાં થઈ રહ્યો છે.
પ્રભુશ્રી ગોપેન્દ્રજી રૈયા પારેખની મેડી ઉપર બેઠકે બિરાજી રહ્યા છે ત્યાં સર્વ જુથ દરશન કરવા આવ્યું. સર્વોએ શ્રીજીના દરશન, ચરણ સ્પર્શ કરી ભેટ ધરી કૃતાર્થતા અનુભવી. શ્રીજી વૈષ્ણવ જુથને જોઈને અતિ પ્રસન્ન થયા. અને સર્વના કુશળ સમાચાર પુછવા લાગ્યા “ત્યારે મોરારદાસ સેંદરડીયે બન્ને હાથ જોડી નતમસ્તકે વિનંતી કરતા કહ્યું રાજ! મહારાજ, આપની કૃપાથી સર્વ કુશળ છે. આપતો કૃપાવંતજ, કરૂણના સાગર છો !” રૈયા પારેખના ઘરે વૈષ્ણવ જુથ પધારવાથી અધિક આનંદ ઓચ્છવ થઈ રહ્યો છે. પ્રભુજી નિત્ય બેઠકે બિરાજી વચનામૃત કરે છે, અને રૈયા પારેખનો દાસભાવ જાણીને દાસધર્મનું સ્વરૂપ શું છે તે શ્રીજી સમજાવી રહ્યા છે.
શ્રીજીએ કહ્યું : દાસ ધર્મનું સ્વરૂપ એવું છે કે, પ્રથમ તો જીવને દાસધર્મ પ્રાપ્ત કરવા માટે જે હું અને મારૂ છૂટે, જે હું તારો છું. અને આપ મારા છો પ્રથમ એ ભાવ છે દાસ ધર્મનો દાસધર્મનું શું કહું? શ્રીજી શ્રીસ્વામિજીના દાસ થયા. સ્વામિનીજીએ લીલા વિલાસ કરવા પોતાની ઇચ્છા દર્શાવી. એવું દાસધર્મનું સ્વરૂપ છે. જે શ્રીજીએ પોતે આચરણે કરીને દેખાડ્યું.જે દાસ ધર્મ તો દૈવી જીવ અથવા દૈવી અંશ જેમાં છે તેને સર્વથા સિદ્ધ થાય છે.
બીજા સંસારી જીવ છે. તે તુચ્છ પદાર્થને વળગ્યા રહે છે. જેથી તે કદાપી દાસ ધર્મને પ્રાપ્ત કરી શકવા સમર્થ નથી. પણ દાસ ધર્મને સમજવાની પણ બુદ્ધિ કે, શક્તિ તે જીવમાં નથી. જે પૃષ્ટિ માર્ગમાં સર્વોપરિ દાસ ધર્મ કહ્યો છે. તે દીનતાના લક્ષણે રહ્યો છે. પણ દીનતા તો આવે જો પોતાનું તન, મન, ધન અરપણ થાય અને ચરણકમલની રજ સમાન થઈને ચરણમાં વાસ કરી રહે. દીન આધીન થઈ રહે જે કાંઈ કહે તેજ કરે, સર્વ આજ્ઞા પ્રભુજીની પોતાના પ્રાણથી અધિક સમજે, દીન થઈને રહે. જે આ હુંથી કાર્ય થાય છે તેવું સર્વથા ન જાણે. વાણી શુદ્ધ સ્નેહ રસથી ભરેલી હોય તેવી વાણીનો ઉચ્ચાર કરે, ચરણ રજની વારંવાર ઇચ્છા કરે. મસ્તકે મુકે ભાવ વધીને રહેતો મુખમાં મુકે, કંઠે લગાવે. અને જુઠાણની ઈચ્છા કરે. સવારે દાસ ધર્મનું લક્ષણ પ્રાપ્ત થવાનું છે. તે પ્રકાર જીવમાં જોવામાં આવે. એવો દાસ ધર્મનો પ્રકાર રૈૈયા રાઘવમાં આજે દીસી રહ્યો છે. રૈયા રાઘવ પ્રભુજીની વાણી સંભાળી શ્રીજીના ચરણમાં લોટી પડ્યો. રાજ, અને રાજના લાડીલાનું કૃપા બળ સમજું છું.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ર૬ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply