સંવત : ૧૭૧૯
સ્થળ : મેંદરડા
ભેટનો પ્રકાર અને સ્વરૂપ. ભેટના દ્રવ્યનો વિનિયોગ કોને થાય?
આપશ્રી સેંદરડે દિવસ છ બિરાજ્યા મોરારદાસે ડોલે ઝુલાવ્યા. ત્યારે આપશ્રી બેઠકે બિરાજી રહ્યા છે. ત્યારે ભેટ ઘણી થઈ. આપશ્રી ઘણું પ્રસન્ન થયાં. ત્યારે લતીપુરવાળા મોનદાસે વિનંતી કરી. પ્રશ્ન કીધું કે રાજ ! આપણા માર્ગમાં ભેટ જે ધરાય છે. તેનું શું સ્વરૂપ છે ? તેનો પ્રકાર શું ? તે દ્રવ્યનો વિનિયોગ શું ?
ત્યારે રસિકાનંદ એવા પ્રભુ કહેવા લાગ્યા. જે, મોનદાસ ? તારા મનમાં ભલું પૂછવાનું ઉપજ્યું. તે સાંભળો. શ્રીજીની આગળ જે ભેટ ધરી તે તો દાનનો પ્રકાર છે. તે તો ભગવદ્ દ્રવ્ય થયું. તેનો વિનિયોગ ભગવદ અર્થે થાય. અન્યથા તેનો વિનીયોગ થાય તો મહા પતિત થાય.;જે શ્રીજીને અંગીકાર ન થયું. તેથી જીવ બુદ્ધિ તે દ્રવ્યમાં ન રાખવી. તે તો શ્રીજીને અંગીકાર થાય. તે દ્રવ્યમાં સેવક પોતાનું મન ચલાયમાન કરે તેનું સેવકપણું છુટી જાય. અને મહાઅપરાધ પડે.
અમારા વલ્લભકુળમાં શ્રીજીનું દ્રવ્ય છે તેનો સ્પર્શ કરતાં નથી. પટ વસ્ત્રમાં હાથથી લઈએ છીએ. એવું સ્વરૂપ ભેટનું છે. તે તો શ્રીસ્વામીનીજી અને વ્રજરત્નાના ગુપ્ત ભાવનો પ્રકાર છે. તેથી તે ભાવનો અંગીકાર શ્રીજી વિના કોઈ કરી શકે નહિ. કરે તો મહાઅપરાધી થાય.
જો અમને ઠાકોરજીની નિધિ શ્રીમહાપ્રભુજીને પધરાવી છે, તે તો વલ્લભકુળના ઠાકોરજી છે, તેથી ઠાકોરજીની ભેટ ઠાકોરજી અંગીકાર કરે, વલ્લભકુળ નહિ કરે. બીજો પ્રકાર સ્વરૂપ એ છે. પૂર્વે દાણરૂપમાં ગ્રહણ કર્યું. અત્યારે ભેટના રૂપમાં ગ્રહણ કર્યું. તે સેવક પોતાના શરણદાન પછી વિત્તજા સેવા શ્રીજીને અંગીકાર કરાવે છે. તે ભાવ પ્રકાર થયો.
ભાવ ભેટ તે સર્વ પ્રકાર વિત્તજા સેવાનો છે, તે દાન રૂપમાં છે. તેના લીધે ભેટ સર્વોપરિ શ્રીજીની નજી-પોતાની છે. તે શ્રીજીના કામમાં આવે. સેવકના કામમાં નહિ આવે.
સેવકને ઘરે જે સેવન બિરાજે છે, તેની આગળ જે ભેટ ધરે છે. તે પણ શ્રીજીની ભેટ થાય છે તે શ્રીજીના ઘરે પોંચાડવી. તેમાંથી પોતાના ઘરમાં બિરાજતા સેવ્ય સ્વરૂપને અર્થે ખર્ચવી નહિ. પોતાના સેવ્ય સ્વરૂપને પોતાની સામગ્રી સમર્પણ થાય. શ્રીજીના દ્રવ્યની નહિ. વલ્લભકુળમાં શ્રીજીના દ્રવ્યનો ભોગ ગ્રહણ થતો નથી. તે તો શ્રીજીના દ્રવ્યનો છે. પોતાના દ્રવ્યમાંથી ભોગ ધરે તે ગ્રહણ થાય છે.
તેથી તમો અમને ઠાકુર કરીને જાણો છો. તો ભેટ અમારી આગળ ધરી તે તો દાનના રૂપમાં ધરી અને સ્નેહનો પ્રકાર સેવકના ભાવથી ઘરી. તે તો બંન્ને ભાવની ધરી છે. તે તો અમારી નિજી પોતાની થઈ તેમાંથી સેવકને કાંઈ કામ આવે નહિ. ભેટનો સર્વ પ્રકાર જાણીને રહેવું નહિ તો સેવકનો બિગાડ જરૂર થાય. અર્થ અનર્થ પેદા કરે. અપરાધ મોટો પડે.
અત્યારે તો ગંગાધર ભેટીઓ તેના માટે ફરે છે. જો જીવનો બગાડ જાણે અજાણ ન થાય. આગળ સર્વ પ્રકાર અન્નાજીને બતાવ્યો છે. તે પ્રમાણે ચાલવું. તેમાં સેવકનું ભલું થશે. વારંવાર કહીએ છીએ જો શ્રીજીના દ્રવ્યમાં કોઈ દિવસ મન ચલાયમાન ન કરવું. જે કરે તે તો અમારો નથી. અને ન રહેશે. તેનું મુખ શ્રીજી ક્યારેય પણ જોતો નથી. તે તો મહાઅપરાધી હોય. શ્રીજીના દ્રવ્યનો સંગ્રહ કરીને સાચવવુ પણ અન્યથા કોઈ પ્રકાર કરવો નહી. વિમુખ જનના હાથ ન પડે તેનું ધ્યાન ખાસ રાખવું મોનદાસ અપરાધ તે તો અપરાધ છે.
આ વચનામૃત સાંભળી સર્વ જુથ અતિ પ્રસન્ન થયું. અને પ્રભુજીની સરાહના કરવા લાગ્યા. જે શ્રીજીએ ભલો સંદેહ નિવાર્યો. સેદરડામાં ૧૦ દિવસ બિરાજ્યા. વૈષ્ણવને ભલી ભાતે વચનામૃતનું શ્રવણપાન કરાવી કૃતાર્થ કીધા. મોરારદાસ અતિ આનંદિત થઈ રહ્યા હતા.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૨૪મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||
Leave a Reply