સંવત : ૧૭૨૦
સ્થળ : લતીપુર
યમુનાષ્ટકના પાઠથી જીવના સ્વભાવની દુષ્ટતાનું નિવારણ
આપશ્રી લતીપુરમાં મોનદાસના ઘરે બે દિવસ બિરાજ્યા. આપશ્રી ભોજન કરી બેઠકે બિરાજયા. ત્યારે મોનદાસ વિનંતી કરી રાજ? જીવનો સ્વભાવ આપે દુષ્ટ કહ્યો તો તેના નિવારણનો ઉપાય શું? તે કૃપા કરી સમજાવો તો વારૂ જીવને કાંઈક ગમ પડે?
ત્યારે રસરાજ રસિક શિરોમણિ એવા શ્રીગોપેન્દ્રપ્રભુજીએ મંદ મંદ હાસ્ય કરતાં શ્રીમુખથી કહેવા લાગ્યા. અરે મોનદાસ? આ વાતમાં તું કેમ મુંઝાય છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. જીવ અનેક યોનિમાં ભટકતો, ભટકતો મનુષ્ય દેહને પામ્યો છે. તેના કારણે ઘણા જન્મના વિવિધ સ્વભાવની વાસના ઘર કરી રહી છે. તે જીવના સ્વભાવ દુષ્ટ છે. પણ તમે અમારા શરણે આવ્યા છો. તમે બધા જીવ શ્રીયમુનાજીના યુથના છો. જેથી તમારા સ્વભાવને બદલાતા વાર નહિ લાગે. તમે બધા જીવ પૂર્વની લીલાના સંબંધવાળા છો. જેથી તમારે માથે શ્રીયમુનાજીની કૃપા સદૈવ બની રહી છે.
તેથી મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીએ શ્રીયમુનાજીના સાક્ષાત દર્શન કરીને તેના સ્વરૂપનો વિચાર કરીને શ્રીયમુનાજીની સ્તુતિ શ્રીયમુનાષ્ટકમાં કરી છે. જે શ્રીયમુનાજી જીવનાં દુષ્ટ સ્વભાવને સત્વર બદલી નાખે છે. અને સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે. વિજયનો અર્થ છે. સ્વભાવને કાબુમાં રાખવો – જીતવો. ભગવદ ભાવનો વિચાર કરવો. તે માત્ર એક શ્રીયમુનાજીના, યમુનાષ્ટકના પાઠથી જીવનો સ્વભાવ બદલાય છે. શ્રીયમુનાષ્ટકનો પાઠ કરવાથી જીવ પોતાના સ્વભાવને જીતે છે. તે પાઠ પ્રસન્નતાપૂર્વક પોતાના મનમાં શ્રીઠાકોરજી સાન્નિધ્યમાં હર્ષપૂર્વક કરવો. તેનો સાધન તરીકે ઉપયોગ ન કરવો. તે પાઠ તો ફલ સ્વરૂપ છે. માટે ગોપ્ય રાખીને કરવો. જયાં ત્યાં બોલવો નહિ. તે તો પુષ્ટિની ગાયત્રી રૂપ છે. સદૈવ પોતાના મનમાં પાઠ કરવો. તેમાં કોઈ કાળ (સમય) બાધક નથી. નિત્ય પ્રતિ સેવામાં પહેલા શ્રીયમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો. પછી શ્રીઠાકોરજીને જગાવવા. શ્રીયમુનાજી – મહારાણી – પટેરાણી છે. નિત્ય સંયોગીની રસરૂપ છે. આ માટે અમારી સૃષ્ટિના વૈષ્ણવોના ઘરમા નિત્ય સેવન શ્રીયમુનાજીનું થાય છે. તેનું કારણ તમો સર્વો જીવ શ્રીયમુનાજીના યુથના છો. શ્રીયમુનાજીની કાનીથી તમારો અંગીકાર અમો કરીએ છીએ. જીવને શરણદાન થાય છે, ત્યારે શ્રીયમુનાજી પ્રસન્ન થાય છે. અને જાણે છે. અમારો જીવ શરણે આવ્યો. તે દુષ્ટ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ યમુનાષ્ટક દાદાજીને લખી જીવ ઉપર મહદ કૃપા કરી શ્રીયમુનાજીનું મહાત્મય સમજાવ્યું છે. શ્રીયમુનાજીના જલનું પયઃ પાન કરવાની આજ્ઞા કરી છે, સ્નાન માટે શ્રીયમુના જલ નથી. પાન માટે છે. સેવન માટે છે. એવું અગાધ ચરિત્ર શ્રીયમુનાજીનું આપણા માર્ગમાં તથા અમારી સૃષ્ટિમાં – ઘરમાં વિશેષ રૂપ છે તે નિશ્ચે જાણજો.
શ્રીજીના શ્રીમુખના વચન સાંભળી મોનદાસ રોમાંચિત થઈ ગયાં. અને સર્વે જૂથને અતિ આનંદ થયો. શ્રીયમુનાજીનું કેવું અદભુત મહાત્મ્ય સમજાવ્યું તેની સરાહના કરવા લાગ્યા.
|| ઈતિશ્રી ગોપેન્દ્રજીનું ૨૩ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||
Leave a Reply