|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૩૮ ||

0
289

સંવત : ૧૭૧૯ સ્થળ : જૂનાગઢ

શ્રી ગોપાલલાલના પ્રાક્ટયોત્સવનો પ્રકાર તથા તેલ-તિલકનો ભાવ પ્રકાર.

જુનાગઢમાં પ્રભુશ્રી ગોપાલલાલનો જન્મોત્સવ મનાવવા વૈષ્ણવોએ મનુહાર વિનતી કરી અને તેની વિનતીનો સ્વિકાર કરી કહ્યું : ઓચ્છવનું સુખ અવશ્ય અહિયા આપશું. જેથી દ્વારકાદાસ તથા મથુરદાસ અતિ આનંદમાં આવી ગયા. અને પ્રભુજીને દંડવત્‌ પ્રણામ કરીને વિનતી કરી, ‘ઓચ્છવની સર્વ તેયારી કરવાની આજ્ઞા આપો.’

જન્મોત્સવની સર્વ તૈયારી દ્વારકાદાસના ગ્રહે થઈ રહી છે. શ્રાવણવદી પંચમીના દિવસે જન્મ વધાઈના નાના પ્રકારના નાદ વાજિંત્રોના થઈ રહ્યા છે. સુંદર સુમધુર શરણાયુના સ્વર સંભળાય રહ્યા છે. વૈષ્ણવ સમાજ અતિ આનંદભેર ધોળ મંગળ ગાઈ રહ્યો છે. અનેક પ્રકારના સુગંધી પુષ્પો તથા આષોપાલવના બંદનવાર સુશોભિત શોભી રહ્યા છે. ગ્રહ આંગણને અતિ સુશોભિત સજાવટથી શણગારવામાં આવ્યું છે. કીર્તન સમાજ મંડલીઓના જુથ કરીને અનેરો આનંદ લઈ રહ્યું છે. દેસાઈ કુટુંબના ઘરના નાના-મોટાના મનમાં મોદ સમાતો નથી. સર્વ વૈષ્ણવ જુથની સુંદર સરભરા સાથે સેવા ટેલ કરી સુખ આપી રહ્યા છે.

પ્રભુશ્રી ગોપાલલાલનો પ્રાકટ્યોત્સવ શ્રાવણવદી ખષ્ટિના રોજ દેસાઈ કુટુંબની આંગણે મનાવાય રહ્યો છે. તે સમાચારથી જુનાગઢમાં આજે વૈષ્ણવ મહેરામણ ઉમટી પડ્યો છે. શ્રાવણવદી ખષ્ટિના સુમંગલ પ્રભાતે દેસાઈ દ્વારકાદાસના આંગણામાં પ્રભુજીના પ્રાકટ્યોત્સવની વધાઈના વિવિધ પ્રકારના વાજિત્રોના નાદ સંભળાય રહ્યા છે.

શરણાયુના ઉચ્ચ સ્વર ચારો તરફ સુમંગલ વાતાવરણ સરજી રહ્યા છે. દેસાઈ કુટુંબનો સર્વ પરિવાર સુમંગલ પ્રભાતથી પ્રભુજીની સેવાટેલમાં તત્પર થઈ રહ્યો છે. અવનવા વાસ્રાભરણો સજીને પ્રભુજીની સેવામાં સનમુખ આવી રહ્યા છે અને વિવિધ પ્રકારની સેવા ટેલ મોરારદાસ બતાવે તે પોતાના સ્વહસ્તથી કરી રહ્યા છે.

પ્રજના નર-નારીના જુથ અવનવા વસ્રાભરણ ધારણ કરીને મથુરાદાસ દેસાઈના ગ્રહ તરફ પોતાના પ્રાણવલ્લભ પ્રભુજીના મંગલમય દરશન કરવા ચપલ ગતિથી જઈ રહ્યા છે.
પરસ્પર વૈષ્ણવનો મેળાપ થતા મુખમાંથી “જય શ્રીગોપાલ’ના સુમંગલ ઉચ્ચાર થતા જુનાગઢ શહેર ગરજી રહ્યું છે.
પ્રભુજી પ્રાતઃકાલે જાગીને અંગીકૃત વૈષ્ણવ જુથને મંગલમય દરશન આપવા માટે બેઠકે બિરાજી રહ્યા છે. સુમંગલ પ્રભાતે પ્રભુજીનાં મંગલા સમયના મંગલમય દરશન કરતા વૈષ્ણવો આનંદ વિભોર થઈ રહ્યા છે. મંગલા સમયની આરતી દ્વારકાદાસે પ્રભુજીની કરી અને અક્ષત કુમકુમ અને પુષ્પથી વધાવ્યા અને દંડવત પ્રણામ કર્યા.
સુંદર મખમલના બિછાનો ચોકી ઉપર બિછાવ્યા અને કેસર સ્નાનની સર્વ તેયારી કરી અને પ્રભુજીને ચોકી ઉપર બિરાજવા વિનંતી કરી. પ્રભુજી તેલ બિછોનાની ચોકી ઉપર બિરાજયા.
સર્વ નિજ્જન મળી ધોળ મંગળ ગાય રહ્યા છે. દ્વારકાદાસ તથા તેનો પરિવાર પ્રભુજીના શ્રીઅંગ ઉપર તેલ ફુલેલ મરદન કરતાં અંગમાં ફુલી રહ્યા છે. પ્રભુજી સર્વની સાંથે પરસ્પર હાસ્ય વિનોદ કરતા સર્વને આનંદ ઉપજાવી રહ્યા છે. કોટિ મનમથ સ્વરૂપનું દરશન થઇ રહ્યું છે.એવું અલૌકિક દરશન કરતા નિજ્જનના ત્રિવિધ પ્રકારના તાપ શમી રહ્યા છે. તેલ મરદન થયા પછી વિવિધ સુગંધિ ઉબટના કરીને પ્રભુજીને સુગંધી યુક્ત કેસરના જલથી દેસાઈ પરિવારે કેસરસ્નાન પ્રભુજીને કરાવ્યું. અલભ્ય લાભ વેષ્ણવ જુથ લઈ રહ્યું છે. તે સમયે મોરારદાસના મનની વાત જાણી પ્રભુજી મુસ્કાય રહ્યા છે. પ્રભુશ્રી ગોપાલલાલને બત્રીશ વખત કેસરી સ્નાન ગોકુલમાં કરાવેલ તે છબીનું દરશન મોરારદાસ પોતાની માનસીમાં કરી રહ્યા છે.
તવારે પ્રભુજીએ કહ્યું : “અરે મોરાર ! તેરે મનમે કહા સોચત હો’ તયારે મોરારદાસે નમ્રભાવે કહ્યું ! ‘જે રાજ’, આ અલૌકિક સુખનો અનુભવ બીજે ક્યાં હોય ? રાજ ! આપની લીલા અથાહ છે. જીવને ગમ કેટલી પડે, મારા પ્રભુ, ?

સર્વ વૈષ્ણવ જુથે મળીને પ્રભુજીને અતિ ભાવપુર્વક કેસરી સ્નાન કરાવ્યું. અને રાજના ચરણ સ્પર્શ કરી સર્વોએ મનગમતી ભેટ પ્રભુને અઢળક ધરી. પ્રભુજી વેષ્ણવોનો અલૌકિક ભાવ જોઈને ઘણું જ પ્રસન્ન થયા અને મુસ્કાય રહ્યા. અને શ્રીમુખથી કહ્યું : વિનોદરાય, કેસો વિનોદ હોય રહ્યો હે ! તવારે મે કહ્યું : જે, જે મહારાજ, રાજ બલહારિ જાઉ. આપ જહાં બિરાજો તહાં હાસ હુલ્લાસ અને વિનોદ કેમ ન હોય ? હોય રાજ, આપ સદા આનંદ કંદ સ્વરૂપ છો પછી બીજુ જાજુ શું કહેવાય ?

દ્વારકાદાસ દેસાઈએ પ્રભુજીને વિવિધ વસ્રાભરણ ધારણ કરાવ્યા. કેસરી પાઘ, કેસરીયો વાઘો, અનુપમ શોભિ રહ્યો છે. પ્રભુજી બેઠકે સિંગાર ધારણ કરીને બિરાજ્યા. દ્વારકાદાસ પ્રભુજીને ભાલ પ્રદેશ ઉપર ભવ્ય તેલૈયું સુગંધી યુક્ત તિલક ધારણ કરાવ્યું. અને આરતી કરી. ન્યોછાવર કરી રાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. અને મનમાં અતિ મોદ પામ્યા. સર્વ પરિવારે પ્રભુજીને ચરણ સ્પર્શ કરી ભેટ ધરી. કૃતાર્થતા અનુભવી.

વૈષ્ણવ સમાજ આજે વિવિધ મંડલીઓના રૂપમાં પ્રભુશ્રી ગોપાલલાલની પ્રાકટ્ય વધાઈ ગાઈ ગવરાવી રહ્યા છે “કોઈ જાનકી ફુલે ભરી’ તો કોઈ વલ્લભ કો પરિવાર ફુલે સબ, જાનકી કુખ જગતપતિ આયે, પરિપુરણ અવતાર કે ઈત્યાદિક વધાઈના કર્ણ પ્રિય નાદ, ઝાંજ પખવાજ, મૃદગના વિવિધ તાલ સાથે સંભળાય રહ્યા છે. સર્વ વૈષ્ણવો દરશન સુખ લેતા મનમાં મોદ પામી રહ્યા છે. આનંદે આજે પોતાના સાથીઓ મોદ, પ્રમોદ, હર્ષ, ભાવવિભોરતા સાથે પોતાનું સામ્રાજય જમાવી દીધું છે. ત્યાં બીજુ કશું પ્રવેશ ન જ કરી શકે, ! વ્રજનો પ્રગટ આનંદ આજે પ્રજમાં પ્રગટ થઈ સર્વના જુથમાં પ્રસરી રહ્યો છે. નર-નારીના વૃંદ એકત્ર થઈ ‘ હીંચ કીર્તનનો અનહદ આનંદ માણી રહ્યા છે.

રાજભોગનો સમય થતા દ્વવારકાદાસે તથા મથુરદાસે શ્રીજીને વિનતી કરી. રાજ, રાજભોગની સર્વ તૈયારી થઈ ગઈ છે. પ્રભુજી ભોજન કરવા પધારો. પ્રભુજી ભોજન કરવા પધાર્યા. નિકટવર્તી જૂથ પણ પ્રભુજીની સાથે છે. મોરારદાસ, કૃષ્ણ ભટ જીવનદાસ લક્ષ્મીદાસ વિગેરે. પ્રભુજીને વિવિધ પ્રકારની રસિલી સામગ્રીઓ સિધ્ધ કરીને અતિ ભાવપૂર્વક આરોગાવી. પ્રભુજી દ્રારકાદાસનો ભાવ અને પ્રેમ જોઈ અતિ પ્રસન્ન થયા. દ્વારકાદાસને આજ્ઞા કરી. પ્રથમ એ અંગીકૃત જુથકો સમાધાન કરનો. પીછે સબ દુજી પાતળકો. આમ આજ્ઞા કરી શ્રીજી બેઠકે બિરાજ્યા. સુગંધી યુક્ત પાનના બીડા બરાસ સાથે પ્રભુજીની આગળ ધર્યા અને મોરારદાસ પ્રભુજીને બીડા આરોગાવવા લાગ્યા. પ્રભુજી પ્રસન્નતાથી મોરારદાસના હાથથી બીડા આરોગી રહ્યા છે અને મોરારદાસની સાથે હાસ્ય વિનોદના પ્રસંગ કરે છે.

પ્રભુજી ભોજન કરી બીડી બીડા આરોગી વૈષ્ણવને દરશન સુખ આપવા બેઠકે બિરાજી રહ્યા છે. કોટિકંદર્પ લાવણ્યમય સ્વરૂપના દરશન કરતા વૈષ્ણવ જુથ મોદ પામી રહ્યું છે. આજે જન્મોત્સવનો સર્વ પ્રકાર મોરારદાસ દ્વારકાદાસને સમજાવી રહ્યા છે અને તે પ્રમાણે શ્રીજીને સર્વ ઓચ્છવ પ્રકારની રીતે સેવા કરી રહ્યા છે. દેસાઈ દ્વારકાદાસ તથા મથુરદાસ તેલ ફુલેલ, અક્ષત, કુમકુમ વિગેરેના થાળ સજી આગળ ધર્યા. અને પ્રભુજીને ડોલરી માળા શ્રીકંઠમાં ધરાવી સુગંધી ફુલેલ અત્તર સમર્પ્યા શ્રીજીના ભાલ પ્રદેશ ઉપર સુગંધીયુક્ત તૈલયું વિજય તિલક કર્યું.

તેના ઉપર અક્ષત લગાવ્યા. વિવિધ પ્રકારની પુષ્પની માળા ધારણ કરાવી. દ્વારકાદાસ તથા મથુરાદાસની સર્વ કુટુંબ પરિવારે શ્રીજીને અત્તરફુલેલ સમર્પ્યા તિલક તાંદુલ કર્યા. પુષ્પની માળાઓ ધરાવી દ્વારકાદાસે પ્રભુજીને કેસરી ઝરીનો ઉપરણો ઓઢાડ્યો. જન્મોત્સવની આરતી ઉતારી. રાય-લુણ કર્યા ઈન્ડીયા પીડીયા ઉતારી ન્યોચ્છાવર કર્યા. ન્યોછાવર કરી. હાથ ખાસા કરી શ્રીજીના ચરણમાં શ્રીફળ-મીશ્રી ભેટ ધર્યા. ચરણસ્પર્શ કરી દંડવત્‌, પ્રણામ કર્યા. પછી શ્રીજીને ભવ્ય દર્પણ દેખાડ્યું. સર્વ કુટુંબીજનોએ વિવિધ પ્રકારના વસ્રાભરણ તથા રોકડ ભેટ ધરી કૃતાર્થતા અનુભવી. પ્રભુજીએ કહ્યું. દ્વારકાદાસ તું તો જાનત ન હો સબ પ્રકાર, પરિ મોરારદાસકી સાઠીથી તેને સબ પ્રકાર ઓચ્છવકો સમજકે શ્રેજ કીયો. તાસો તું ધન્ય ભાગી હે. જો મોરારદાસકી કૃપા, એસે ભગવદીજન મીલવો દુર્લભ હે. દેસાઈ, તેરે ભાગ્ય કી સરાહના ક્યા કરે ? એસે મિલન-મિલાપ ભગવદી જનકો હોનો કઠીન હે. પૂર્વ ભાગ્યોદય હોય અરૂં શ્રીજીકી કૃપા હોય તો ભગવદીકો સંગ મીલે, નહિ તો સબ વૃથા હે. સંગસો બડો લાભ હોય હે. દેસાઈ તું કૃતાર્થ આજ ભયો.

દ્વારકાદાસ શ્રીજીની વાણી સાંભળી મનમાં અતિ ફુલાણા અને બોલ્યા રાજા, મહારાજા, ઘણી ખમા – રાજ, વારી જાઉ બલહારિ જાઉ, મહારાજ, આપ સેવકને જે ઉપમા આપો તે તો ઘણું અદકુ ગણાય. રાજના શરણે આવતા જ કૃતાર્થ થયા છીએ. હવે તો રાજની કૃપાથી મહદ ભાગી બની ગયા. અને મોરારદાસના સંગથી તો રાજ નીહાલ થઈ રહ્યા છીએ, નીહાલ. એમ કહીને મોરારદાસને ભેટી પડ્યા.

સર્વ કુટુંબીજનોએ વિવિધ પ્રકારના વસ્રાભરણ રોકડ ભેટ ધરી કૃતાર્થતા અનુભવી. વૈષ્ણવ જુથને અપાર આનંદ થઈ રહ્યો છે. પ્રભુજીના દરશન કરતા સર્વ કોઈ પોતાના ભાવ પ્રમાણે ઓચ્છવની ભેટ ધરી રહ્યા છે. અઢળક ભેટ સામગ્રી, સાજ વસ્ત્રાહરણ વિગેરે ધરી રહ્યા છે. પ્રભુજી પોતાના સેવકનો ભાવ નિહાળતા મંદમંદ મુસ્કાય રહ્યા છે. કોઈ ઉપર નેત્ર કટાક્ષ કરીને તેનું ચિત્ત-વિત્ત હરિ લે છે. કોઈને નેન સેન કરીને સર્વસ્વનું દાન કરી દીએ છે. શ્રીજીની સન્મુખ અપાર વૈષ્ણવ સમાજ દર્શન સુખ લઈ રહ્યા છે. કીર્તન સમાજ થઈ રહ્યો છે. જન્મોત્સવની વધાઈ ભાવ વિભોર થતા ગાય રહ્યા છે. ઘણા સુંદર તાલ સ્વરમાં ગવરાવી રહ્યા છે. રાજસી લોક દર્શન સુખ લઈ કીર્તન કરે છે.

જન્મોત્સવની મેંડ પ્રણાલિકા અનુસાર પ્રભુજીનો સર્વ સેવા પ્રકાર થઇ રહ્યા પછી. મથુરાદાસ, તથા દ્વારકાદાસને પ્રભુજીએ આજ્ઞા કરીને કહ્યું વૈષ્ણવ સમાજમાં ઓચ્છવ પ્રકાર સર્વ કરો. પ્રભુજીની આજ્ઞા અનુસાર મથુરાદાસે ફુલેલ તેલનો પ્યાલો પધરાવી, તેલ લેવા માટે ઉચ્ચાર કર્યો અને શ્રીજીની જે જે કાર બોલાવ્યો અને પ્રથમ સંદરડાવાળા મોરારદાસને તેલ લેવા પ્યાલો ધર્યો. મોરારદાસે સ્વહસ્તથી તેલ લીધું અને સર્વ ને તેલ વાંટ્યું.

મથુરદાસે પ્રભુજીની આજ્ઞા અનુસાર તેલ વાટ્યું. સર્વોએ પોતાના કરકમલથી તેલ પ્યાલામાંથી ગ્રહણ કર્યું. મોરારદાસે તેલની પ્રાપ્તી થયા બાદ ઉચ્ચ સ્વરે જે બોલાવી અને સર્વ જુથ હળીમળી જયશ્રી ગોપાલનો ઉચ્ચાર કરતા સ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપ રૂપ માળા સાથે સુગંધી ફુલેલ લગાવતા કંઠોકંઠથી ભેટતા હર્ષાનંદ સાથે પોતાના સોહાગ અને સોહાગીજનોનો મિલાપ અનુભવતા આનંદ વિભોર બની રહ્યા છે. સર્વ જૂથે હળીમળી લીધા બાદ દ્વારકાદાસ તથા મથુરાદાસે સર્વે વૈષ્ણવ જુથને સૌભાગ્ય તિલક ભાલ પ્રદેશ ઉપર તૈલેયો તિલક કરી સૌભાગ્યની વૃધ્ધિ કરનારા અક્ષત, તાંદુલ મથુરાદાસ સર્વને લગાવતા જાય છે અને સર્વ જુથના દર્શન કરતા પુલકાય છે.

પ્રભુશ્રી ગોપેન્દ્રજી ગાદિ તકીયે બિરાજી રહ્યા છે અને પ્રજાજનોનો આ તેલ તિલકનો ભાવ જોઈને મુસ્કાય રહ્યા છે. અને શ્રીમુખથી મોરારદાસ તથા અન્ય અંગીકૃત જુથ પ્રતિ કહી રહ્યા છે. અરે મોરાર ! તું તો આનો ભાવ પ્રકાર સર્વે જાણે છો. પતિવ્રત પણધારી સેવકની આ ફલ દશા છે. વૈષ્ણવ વૈષ્ણવનું સમાધાન પરસ્પર કરી પોતાનું મહદ્‌ ભાગ્ય સમજે છે. શ્રી સ્વામિનીજીના અલૌકિક રસાત્મક ભાવનું અદેય દાન તેલ તિલક દ્વારા થાય છે. આ ખાસ ઓચ્છવમાં ભાવ શુધ્ધિનો પ્રકાર છે. પતિવ્રતાના પર્મ સોહાગ અને સૌભાગ્યરૂપ છે. જે નિજ અંગીકૃતને તે ભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે. બીજા આ વાત શું જાણે ? મારગ મેડ એજ છે. જ્યાં સ્વામીજીની પ્રસન્ન હોય. આજે જન્મોત્સવનો ખાસ પ્રકાર અમારા ઘરમાં તેલ તિલકનો જ છે. જે સેવકજનના ભાવશોધન કરવાનો પ્રકાર છે. જો અન્નાજીને રાજગર કસીયાને પ્રગટ કરીને “ દેખાડ્યો. અને રાજા વિભાજી અને પૃથુ રાજાને તેનો પ્રકાશ કર્યો. તે તો સર્વોપરિ ઉત્તમોત્તમ ભાવ છે. તે નિશ્ચે જાણશો. જે જીવને અમારૂ શરણદાન છે. તેને માટે આ પ્રકાર સર્વોપરિ છે. આ સિવાય બીજા કોઈનો અધિકાર તેલ તિલકનો નથી. જો બીજા ઘરનો સમર્પણી હોય, સેવક હોય. તેનો અધિકાર સર્વથા નથી. તે નિશ્ચે જાણશો. જે વારંવાર અમો કહીએ છીએ.
અને અશ્નાજી શ્રીગોપાલલાલજીને પણ આ પ્રકાર સિદ્ધ કરીને બતાવ્યો છે. જે આ પતિવૃત ધર્મની ટેકનો મારગ છે. તે નિશ્ચે શ્રીજીના વચન છે.

જન્મોત્સવનો સર્વ પ્રકાર થયા બાદ પ્રભુશ્રીની આજ્ઞાનુસાર જુથને મહાપ્રસાદ પંગતે ધરીને લેવરાવ્યો. અને મથુરાદાસ તથા દ્વારકાદાસે સર્વ જુથનું ભલી ભાતે સમાધાન કરી કૃતાર્થતા અનુભવી. વૈષ્ણવ અઢી હજારનું પધાર્યું હતું.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૮મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મિન બેન સોલંકી (જામનગર) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here