સંવત : ૧૭૧૯
સ્થળ : કિંદર
પુષ્ટિ ભગવદીનું પૂર્વનું ગોલોકધામનું સ્વરૂપ.
જાનીની વાત સાંભળી શ્રીજી ઘણું હસ્યા. અને વિનોદ કરતા કહ્યું જાની, તું તો જાની છો ! તારી વાત સાવ સાચી છે, તને અનુભવ તો પુરવનો સંબંધી જીવ છો. તેથી સત્વર થયો. તમો બધા જીવ યમુનાજીના નિર્ગુણ યુથના છો. લલીતાજી, વિશાખાજીના શ્રીઅંગના સખી ગણ છો. તેથી તમોને અમારી વાણીનો મરમ સત્વર સમજાય છે. પુષ્ટિમાર્ગમાં પુષ્ટિનો સિદ્ધાંત જેને રૂદીયા રૂઢ થયો, તે જીવ નિહાલ થયો સમજવો. તેનો મુખરતા દોષ નાશ થઈ જાય છે. તેના વાણી, વિચાર, વિવેક બધા અલૌકિક થઈ જાય છે. પછી તેને કશો અપરાધ પડતો નથી. પુષ્ટિમારગમાં જે જીવને મારગનો સિદ્ધાંત રૂદીયા રૂઢ ન થયો તેનો જનમારો એળે ગયો સમજવો. તે મારગમાં આવ્યો ન આવ્યો થયો. માવઠાની વૃષ્ટિની જેમ, જાની, તને ભગવદીના સંગથી અનુભવ થયો તે સત્ય છે. અને સત્ય જ્યાં છે. ત્યાં સૌદર્ય રહેલું હોય છે. તેનું કારણ એક જ સમજજે, તાદરશી ભગવદીનો સંગ થતા જીવને પુરવના સંબંધનું સુક્રિત ફળ રૂપ થાય છે. તેવું અગાધ બળ તાદરશીના સંગનું છે. ભૂતકાળમાં તે સંગ જ કારણ રૂપ મનાય છે. અને તેનાથી જીવને અમારી લીલાની પ્રાપત થઈ છે. તે સંગ પૂરવના સંબંધને કારણે કોઈને કોઈ મિષથી આપોઆપ મળી જાય છે તવારે જીવને પોતાના પુરવના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તે સ્વર્ય સાનુભવને પામી જાય છે. કાંઈ ન્યૂન્યતા રહેતી નથી.
તવારે કૃષ્ણદાસે કહ્યું રાજા, મહારાજાધિરાજ, બલિહારિ જાવ, રાજ, ભુતલમાં અમારું આવવું શા કારણે થયું છે. તે તો સમજાણું પણ અમારું પુરવનું સ્વરૂપ રાજની અંતરંગ લીલામાં શું હોય ! તે તો રાજ, વિના કોણ જાણે ? તો રાજ, કૃપા કરીને તેની પહેંચાણ કરાવો તો જાણ્યામાં આવે. તે પ્રસંગ સાંભળીને, અમારા હરદા અને મન, રૂડા રૂડા થાય. તો રાજ આટલી કૃપા કીજે તો અધિક આનંદ આવે. પછી તો રાજની જેવી -ઇચ્છા ? તો રાજની ઇચ્છાને જીવ શું જાણી શકે ?
તવારે શ્રીજી ઘણું મુસ્કાયા ને કહ્યું, અમારી ઇચ્છા તો તમો બધા લીલાના જીવ ભુતલમાં અવતર્યા. તેથી જ અમારે ભુતલમાં પ્રાગટ લેવાની ઇચ્છા થઈ, તેજ કારણ અમારી ઇચ્છાનું સમજો. અરે, કૃષ્ણદાસ ! પુરવના અંતરંગ લીલાના સ્વરૂપ સંબંધ તો હોય જ ને, તેના કારણે અમો પણ ભુતલમાં પ્રગટ થયા છીએ. અને તમો બધા પુરવના જીવની સંભાળ કરવા પ્રજમાં પરદેશ કીધો છે. તે એક અમારા અનુગ્રહનું કારણ સમજો કૃષ્ણદાસ ! તારો મન મનોરથ ઠીક છે, સાચો છે. જીવને પોતાના પુરવ સ્વરૂપનું જ્ઞાન થાય તો, તેને અમારી લીલામાં અધિક આનંદ આવે. પુષ્ટિમારગ તો રસાત્મિક લીલારસનો મારગ છે. તેમાં શ્રીજીને વિનીયોગ થતી બધી સામગ્રીના પણ સ્વરૂપાત્મક ભાવ-ભાવના છે. જે એ ભાવ-ભાવનાથી શ્રીજીની સેવામાં અંગીકાર થાય છે. જો સખડીને સ્વામીનીજીના સ્નેહનું સ્વરૂપ કહ્યું. તેથી શ્રીજી પ્રથમગ્રાસ રાજભોગમાં આરોગે છે અને વૈષ્ણનીપંગતે પ્રથમ સખડી તે ભાવથી ધરાય છે પછી બીજી પ્રસાદી વસ્તુ ધરાય છે અને પ્રથમ વૈષ્ણવ પણ સખડીનો ગ્રાસ લે છે. આટલી સુક્ષ્મ ભાવ ભાવના બીજા કયા મારગમાં વિચારેલી છે. કૃષ્ણદાસ ? તો પછી જીવના સ્વરૂપની ભાવ ભાવના કેમ ન હોય ? જો, સાંભળ, જો યમુનાજીનું એક નિર્ગુણ ભાવનું જુથ છે. બીજા, સાત્વિક, રાજ્સ અને તામસ એમ ત્રણ ભાવનું પણ યુથ છે !
તેમાં લલીતાજી તો હરિબાઈ છે. અને વિશાખા તો બિહારિદાસ છે. તેના અંગરૂપ સખી ગણ તમો બધા છો. વિનોદરાય, વિશાખા સખીના જુથની, માધવીજીનું સ્વરૂપ છે. જાની, માલતીજીનું સ્વરૂપ છે. કૃષ્ણદાસ, નૃત્યકલાંગીનું સ્વરૂપ છે. તેનો ભાવ નાયકાનો છે. દ્વારકાદાસ, ગંધરેખાનું સ્વરૂપ છે. મથુરાદાસ, સુભાનનાનું સ્વરૂપ છે. બનુભાઈ ચંપકલતાનું સ્વરૂપ છે. કુંરજી ગાંધી નેન ચપલાનું સ્વરૂપ છે. પાંચોભાઈ તો લલિતાજીના જુથનું રત્નપ્રભાનું સ્વરૂપ છે અને બબીબાઈ તો લલીતાજીના સાત્વિકભાવનું રસવિલાસીનીનું સ્વરૂપ છે. આમ આ બધા જીવો મુખ્ય, મુખ્ય જુથના અધિપતિઓના શ્રી અંગરૂપ છે. આમ આ બધા અમારી સાથે અંતરંગ લીલામાંથી ભુતલમાં અવતર્યા છે. તેમ ઘણા જુથના સ્વરૂપ અમારી લીલા માંહેના છે.
અન્નાજીએ (શ્રીગોપાલલાલજીએ) આ રસરૂપ પ્રકારના સ્વરૂપની પહેંચાણ સેંદરડીયા મોરારદાસને કરાવી છે. તે વધુ વિગતે જાણીને તેણે લખી છે. તે વાત પ્રસંગ અમો સેંદરડા પધાર્યા હતા. તવારે થયો હતો. તે ઘણો જ ગોપ્ય છે. તે ભુતલમાં પ્રગટ કીધો છે. બહિર્મુખથી દુરાવીને રહેવા કહ્યું છે.
તે મોરારદાસ, પુરવે વિશાખાજીના સાત્વિક ભાવનું સ્વરૂપ ભામા સખીનું છે. પછી તે ગોવિંદસ્વામી સ્વરૂપે અવતર્યા અને ગુંસાઈજીનો સેવક થયો. અને અન્નાજીએ તેને યમુનાજીના સખી ગણનો જીવ જાણીને યમુનાજીના નિજધામનું દરશન કારાવ્યું. પછે સર્વ વલ્લભકુળના બાળક આગળ તે વાત પ્રસંગ ગોવિંદ સ્વામીએ કીધો ત્યારે સર્વેના મનમાં શ્રીયમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ જાણવામાં આવ્યું અને શ્રીયમુનાજીનું વિશેષ મહાત્મય અન્નાજી દ્વારા પુષ્ટિ મારગમાં તેથી પ્રગટ થયું. તે ગોવિંદસ્વામી અન્નાજીના સ્વરૂપમાં અતિ આસક્ત હતો. તેથી ફેર અન્નાજીની સૃષ્ટિમાં મોરારદાસના સ્વરૂપે અવતાર લીધો અને અન્નાજીનો કૃપા પાત્ર થયો. તે પણ અમારો ખાસ નિકટવર્તી છે. અમારે માનવા જોગ છે. તેની કાની અમો પણ ઘણી રાખી રહ્યા છીએ.
અન્નાજીએ તેને વૈષ્ણવ પંગતે અવિચળ પદ આપ્યું. અન્નાજીને તે સિહોર પધરાવી લાવીને, મેઘાજી રાણીનો મનમનોરથ બદુ ઘોડી અર્પણ કરવાનો સિદ્ધ કીધો. જેથી તેની અધિક્તા અન્નાજીએ વધારી, આજ પણ વૈષ્ણવો તેને પ્રસાદ લેતા પેલા તેની કાની લઈને પછે, મહાપ્રસાદ લીએ છે. જેથી વૈષ્ણવો પંગતે મહાપ્રસાદ પામે છે. તે કૃપા ઓછી થઈ ગણાય ! કારણ કે તે ‘ભામા’ સખીનું સ્વરૂપ છે. પુરવનો અંતરંગ લીલાનો જીવ, તેથી અન્નાજીએ તેનું કારણ રાખ્યું, અને વધાર્યું છે. તે તો આ પુષ્ટિ મારગમાં પરંપરાથી ચાલ્યું આવે છે. શ્રી આચાર્યજીની સૃષ્ટિનો જીવ, અને ગુંસાઈજીની સૃષ્ટિનો જીવ સર્વ કોઈ એ પરંપરાથી ચાલ્યા આવે છે. જો, કૃષ્ણદાસ ! તેનો એક પ્રસંગ કહું પુષ્ટિ મારગમાં બધા જીવ શ્રીઅંગની સૃષ્ટિ રૂપ છે.
એક સમય શ્રીગુંસાઈજી અતિ પ્રસન્નતામાં બિરાજતા હતા. અને રૂકમણી વહુજીથી વાત કરતા હતા. જો એ વૈષ્ણવ અમારો છે. તે સર્વો અમારા શ્રીઅંગરૂપ છે ! તવારે રૂકમણીજીએ ગુંસાઈજીને વિનંતી કીધી. જે, ચાચા હરિવંશ, તમારું કયું અંગ છે ! તવારે ગુંસાઈજીએ રૂકમણી વહુજીને કહ્યું, જે ચાચા હરિવંશ મારા નેત્રની શ્યામ પુતરીનું સ્વરૂપ છે. (કીકીરૂપ)
તવારપછી ચાચા હરિવંશના પગે ઠોકર વાગી. તેથી તે દુઃખી થયા. તે સમે ગુંસાઈજીના નેત્રમાં દુઃખ થયું. તવારે રૂકમણીજીએ ગુંસાઈજીને વિનંતી કીધી. જે તમારા નેત્ર કેમ દુઃખે છે ?
તવારે ગુંસાઈજીએ કહ્યં. જે ચાચા હરિવંશજીને ઠોકર લાગી, તાકારણથી, પછે ચાચાજી ને દુઃખ મટ્યું. પછી ગુંસાઈજીના નેત્ર દુઃખતા બંધ થયા. આ પ્રકારે ગુંસઈજીએ રૂકમણીજીને ભગવદીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. તેથી વૈષ્ણવના અપરાધથી સદા ડરતા રહેવું. કારણ કે ઠાકરજી અને તેવા તારદશી ભગવદીમાં કોઈ તારતમ્ય નથી. તે વાત પ્રસંગ, શ્રી આચાર્યજીએ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ગ્રંથમાં ભગવદીનું સ્વરૂપ લખ્યું છે. “તસ્માજજીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશયઃ” શ્રીજીએ પછે શ્લોકનો ભાવ સમજાવ્યો. આ ગ્રંથમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. તેનો ભાવ તમને સંક્ષેપમાં કહું છું પ્રમાણ વગર પ્રમેય સિદ્ધ ન થાય. માટે, કૃષ્ણદાસ, એક સુરતાથી સાંભળજે.
પુસ્ટિમાર્ગાય જીવ, આ સંસારના જીવથી ભિન્ન પ્રકારના છે. તેમાં સંશય નથી. ભગવદ્ સ્વરૂપ છે. ભગવદ સેવાર્થે અને જગતમાં પુષ્ટિ ધર્મ પ્રગટ કરવા માટે પ્રગટ્યા છે. ભગવદ્ સ્વરૂપમાં અને ભગવદ્ લીલા અવતારમાં, ભગવદ્ના જેવા ગુણ છે. ભગવાનના જેવી ક્રિયા છે. તેવાજ લક્ષણ ભગવદીમાં છે, તેથી ભગવદ્ અને ભગવદીના સ્વરૂપમાં તારતમ્ય નથી. જો ગુંસાઈજી આપ પુરણ પુરુષોત્તમ છે. તેથી ભગવદીય તેના અંગ રુપ જાણવા. આ પ્રકારે ગુંસાઈજીએ વૈષ્ણવનું સ્વરૂપ રૂકમણીજીને પ્રત્યક્ષ જણાવ્યું. જે આગળના જીવને વિશ્વાસ દઢ કરવાને માટે, તેથી તાદરથી ભગવદીની અનેક પ્રકારની ક્રીયા જોવામાં આવે તો પણ તેના માટે બીજી વાત ન વિચારવી, આ લીલા પ્રકાર સર્વે અંતરંગ ભગવદી જીવના સ્વરૂપ સંબંધનો જણાવી. એવું ભગવદીના સ્વરૂપનું કારણ જાણવું તો નિહાલ થાયે.
તવારે બબીબાઈ રાજના ચરણમાં લોટી પડી. અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કીધું. અને રાજના ચરણ સ્પર્શ કીધા. અને બોલી, રાજ, કૃપાના સાગર, કરૂણાવંત, દયાસિંધુ, દીન બંધુ, રસિકરાજ, એમ મનુહાર ખુબજ કીધું અને બોલી, રાજ આપ વિના જીવના પુરવના સ્વરૂપની પહેંચાણ કોણ કરાવી શકે ! અમો આજ ભુતલમાં ઘણું ઘણું કતારથ થઈ ગયા. રાજ, આપની લીલા સૃષ્ટિના સેવક માંહે હરિબાઈ, વિનોદરાય, રાઘવજી જાની, કૃષ્ણભટ, વિગેરેની તુલના કોણ કરી શકે ? રાજ, બલિહારિ જાવ. બબીબાઈની વાત ઉપર આપ ઘણું પ્રસન્ન થયા અને પુછે આપ વ્યારૂ કરવા પધાર્યા.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૬મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||