સંવત : ૧૭૧૯
સ્થળ : કિંદર
પ્રભુશ્રી ગોપાલલાલ અને ગોપેન્દ્રજીના શરણદાનની અધિકતા.
ફરી, એક સમય શ્રીજી બેઠકે બિરાજી રહ્યા છે. તવારે શ્રીજન, હરિબાઈ તથા બબી બાઈ, શ્રીજીને વિજન ઢોળી રહ્યા છે. સર્વ નિકટવર્તી જુથ પાસે બેઠું છે. તવારે શ્રીજીએ પ્રસન્ન થઈને વચનામૃતની રસધારા ચલાવી. અને કહ્યું. જાની ? તું તો શાસ્ર પુરાણમાં ઘણો વિચક્ષણ છે. તારી વાણી કાંઈક પ્રગટ કર ?
તવારે, જાની બોલ્યા, જે, મહારાજાધીરાજ, રાજ, રાજેશ્વર, જ્યાં આપ, પ્રમાણ અને પ્રેમય સ્વરૂપે બિરાજતા હો, ત્યાં અમારી જીવ બુદ્ધિની વાણી શી પ્રગટ થાય ? આપ તો વેદવેદાંત સકલ શાસ્ત્ર, પુરાણ અને ચૌદ વિધા અને ચોસઠ કલાના નિયંતા છો. કર્તું, અકર્તુ, અન્યાથકર્તુ સમર્થ છો. તો પછી અમારે મન બીજુ અધિક શું હોય ? અધિકતો, આપનું શરણ દાન પામ્યા, પછી જીવને શું ન્યુન્યતા રહે ? તવારે, આપ રસિકરાજ, મન મોહક, મનોરંજન, મૂદુ મૂદુ હાસ્ય કરીને શ્રીમુખની અમૃત તુલ્યા સુધા વરસાવી રહયા. જો, જાની ? પૂર્વથી અદકુ શરણદાન આપી જીવ ઉપર અસિમ અનુગ્રહ કર્યો. તે અધિકતા શું ઓછી કહેવાય ? સેવન સ્વરૂપે સેવકના ગ્રહમાં બિરાજી સેવકના ઘર, રૂડા મંદિર કીધા. નિત્ય નુતન, સજ્યા, ભોગ, સિંગારના સુખ આપી રહ્યા તે અધિકતા શું ન્યુન્ય ગણાય ? નરનારીના વૃંદને એકાગ્રહ કરીને, એક ભાવે મહામંડપ મહોચ્છવમાં સ્વદેહે રસિકરસ રાજ સાથે રાસ રમણ કરવાના સુખની પ્રાપત થઈ તે અદકુ અને અપરમિત,
ભજનાનંદનું દાન કર્યું. તેથી અધિક બીજું શું છે ? આ ભુતલમાં જુગલ રેખાના તૈલયા તિલક પરમ સૌભાગ્યના ચિન્હ રૂપે આપી ત્રણ સરી માલાના દાન દ્વારા, નિષેધ કર્મનો નાશ કરીને સેવકને નિષ્કામ ભાવનું દાન કરીને, પુષ્ટિ પ્રેમલક્ષણા નીરહૈતુક ભક્તિ યોગી બનાવી નિર્ભય
કીધા. તે સામર્થ્ય અધિકમાં અધિક ગણાય ને ? અલૌકિક લીલા સભર રસાત્મિક ગુણગાન દ્વારા ભજનાનંદી બનાવી સ્વરૂપાનંદનું દાન કર્યું. તેથી સેવકને મન બીજુ અદકુ સુખ શું હોય શકે ? સેવક જનનો સર્વ લૌકિક વહેવાર, અલૌકિક દીધો. તે સેવકના માન શું ઓછા થયા
ગણાય ? અદકા માનના અધિકારી બનાવ્યા. તેની અધિકતા કેટલી, સમજો.
આ પુષ્ટિ મારગ જેવો બીજો કોઈ અન્ય મારગ ભુતલમાં થયો નથી અને હશે પણ નહિ તે પુષ્ટિમારગમાં તમારુ વરણ થયું, તે તમારું સુકૃતિ કેટલું અદકુ ગણાય ? તેનો ભાવ સમજો તો જણાશે. કે તમારા ભાગ્ય સમાન ભાગ્યતો લક્ષ્મીજીનું પણ ન ગણાય ? સેવક જનને ભગવદી પદનું દાન કરીને, પોતા સરખા કીધા તે મયા ઓછી થઈ ગણાય ખરી ! સર્વથી શ્રેષ્ઠ પદ આપ્યું. એથીયે અદકુ તમારા પુરવના સ્વરૂપનું જ્ઞાન તમોને, ભુતલમાં કરાવ્યું. તે સર્વથી અદકુ દાન થયું ગણાયને ? ચૌદ લોકના વાસીને જે સુખનું દરશન સ્વપને ન થાય, તે સુખ તમો તમારા મનના મનોરથ પુરણ કરવા, તમારા ઘર આંગણે ઓચ્છવ મહોચ્છવ મનાવીને ઠાકરજી અને ભગવદીના રૂડા સનમાન કરીને જે રસાનંદ, ભજનાનંદ, માણીને પરમધામની પ્રાપતના
નિશ્ચિત અધિકારી બની જાવ છો. તે પરમ ઉત્તમોત્તમ ગણાય ખરૂને ?
અમોએ કોઈ, જાતિ, પાતિ કે કુળ, કર્મની ઉચતા-નિચતા જોયા સિવાય અમારું શરણ દાન આપી. ઉંચ સ્થાન અદકેરું વૈષ્ણવ પદનું આપ્યું. તે અમારી અસીમ કૃપાનું વિશેષ દાન અદકુ, અદકુ કહેવાય તે નિઃસંદેહ છે. અમારા તાદરશી ભગવદીનો ઉત્તમ સંગ આપી અમારી
સ્વરૂપ નિષ્ઠા કરાવી તે જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ કહેવાય ખરુને ? આવી અસીમ કૃપા, પુષ્ટિ પુરૂષોત્તમના સ્વરૂપ સિવાય બીજા કોઈનું સામર્થ્ય છે ખરૂં ? નિરહૈતુક, નિર્વ્યાજ, નિર્ગુણ પ્રેમલક્ષણા પુષ્ટિભક્તિનું દાન પુષ્ટિ પુરૂશોત્તમ આપી શકે, તે કૃપાનું ફળ ઓછું ગણાય ખરૂ ? તમો બધા સેવક જનો પ્રજમાંથી વ્રજમાં વ્રજભુમિની ઝાંખી કરવા. અમારા નિજ ગ્રહે, ગોકુલ આવો છો. અમારા સ્વરૂપાનંદમાં મગ્ન બનીને કૃતાર્થ થઈ જાવ છો. વિવિધ પ્રકારના મનોરથ મનાવી ભજનાનંદની રસ મસ્તી માણો છો. ઠકરાણી ઘાટના દરશન કરીને, પુલકિત થઈ જાવ છો. શ્રીયમુના મહારાણીજીના સાક્ષાત જળ સ્વરૂપે દરશન સુખ લેતાં અને તાદરશી ભગવદીના સંગમાં પેપાન કરીને નિહાલ થઈ જાવ છો. તે પુરવના સુક્રિતનું ફળ ગણાય ખરૂને ?
જાની ! શ્રીયમુના મહારાણીજીના લોટીજી પધરાવીને સેવક જન નિજ ગ્રહે ઓચ્છવ મનાવીને શ્રીયમુનાજીના સાક્ષાત સ્વરૂપ ભાવથી નિત્ય સેવન કરો છો. તે યમુનાજીની મહદ કૃપાનું અદકુ કારણ કહેવાય ! શ્રીયમુનાજી જ્યાં બિરાજી રહ્યા હોય ત્યાં શ્રીઠાકોરજી પણ પોતાના
યુથ સહિત સેવકના ઘરને નિજ ધામ રૂપ બનાવીને બિરાજી રહે છે. તેની અધિકતા કેટલી ગણાય ! શ્રીયમુનાજી તો રસ રાસના અધિષ્ઠાત્રી છે. નિત્ય સંયોગીની થઈને રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમના સુખનો નિત્ય વિચાર કરે છે. તેવા શ્રીયમુનાજીના દરશન પરસ કરીને સેવક જન
કૃતાર્થ થઈ જાય છે. તેને શ્રીઠાકોરજીની પ્રાપ્ત વેગે કરાવે છે. સકલ અલૌકિક સિદ્ધિના દાતા છે. અષ્ટ ગુણ સંપન્ન છે. શ્રીઠાકોરજી સમાન ગુણ ધર્મ અને ઐશ્ર્વર્યને ધારણ કરી રહયા છે.
જેથી યમુનાષ્ટકની સ્તુતિ-પાઠ કરનાર જીવના સ્વભાવને બદલી નાખે છે. તે નિર્ગુણા ભક્તિનું દાન કરનારા છે. તમો બધા યમુનાજીના જુથના જીવ છો. જેથી તેની નિત્ય લીલાના અધિકારી અમારું શરણદાન પામીને બન્યા છો. તે મહદભાગ્ય ઓછું ગણાય ખરૂં ?
જે જીવ શ્રીયમુનાજીનું પેપાન કરીને કૃતાર્થ થયો છે. અને તેનું સેવન નિત્ય કરે છે. તેને કાંઈ કર્મકાંડનો કીચડ બાધા કરતો નથી. તે જીવ તો ચૌદ લોકના વેદમર્યાદાના બંધનથી મુક્ત થઈ જાય છે. પછી જીવને કઈ વાતની ન્યુન્યતા આ ભુતલમાં રહી ગણાય ? અદકી કૃપાનું દાન અદકેરૂ થયું ગણાય ખરૂં ને ? જાની ! વ્રજભક્તના ભાવથી જે જીવો સેવા સ્મરણ કરશે. તે જીવ આ મરગમાં આવીને નિહાલ થયો સમજવો. પછી તે જીવની લૌકિક ગતિ સર્વથા નહિ થાય, તેનું કારણ તમો સમજશો. પછી ન્યુન્યતા કશી વાતની ન રહે. જાની ! શરણ દાન પામ્યા પછી ન્યુન્યતા શું રહે ! શરણદાન-નામ મંત્રતો બીજ રૂપ છે. બિજને સિંચન કરવાથી અંકુર ફુટે, નવપલ્લવ થાય. તેમ ભગવદીનો સંગ થાય અને તેના સિંચને કરીને રહેતો ભક્તિ રૂપીયું બીજ નવપલ્લવ થાય અને વૃદ્ધિ પામે. પણ જો શરણ દાન પામ્યા પછી જીવ જો આ મારગના આચરણે ન રહેતો બહિર્મુખ થાય. પછે ન્યુન્યતા રહે. તેને કશી પ્રાપત ન થાય. એવો આ -મારગનો ઠેરાવ છે. તે નિશ્ર્વે જાણશો. જાની ! તું શું કહે છે !
જાની ! બોલ્યા, હા મહારાજ, રાજ, કર્મકાંડતો કીચડ છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગ તો વિવિધ કુસુમનો બાગ છે. તેની સોડમતો રાજ, અજબ ગજબની આવે છે. જીવ પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિ મારગના દાખલે કરીને રહે તો નિહાલ થઈ જાય. રાજ, આપની દષ્ટિનું દાન થતા અમારી દેહ દશા પલટાઈ ગઈ છે. ભગવદીના સંગનું બળ આ મારગમાં અથાહ છે, તે મને પ્રત્યક્ષ અનુભવ રાજની કૃપાથી થયો છે.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩પ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply