|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૩૪ ||

0
242

સંવત : ૧૭૧૯

સ્થળ : પ્રતાપસર

પ્રભુશ્રી ગોપાલલાલ તથા ગોપેન્દ્રજીની સૃષ્ટિનો વિસ્તાર ભૂતલમાં કયાં સુધી.

એક સમાને વિષે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી જુનેગઢ પધાર્યા હતા. રત ગ્રિષ્મતી હતી.દેસાઈના ઘરે બિરાજ્યા હતા. ત્યારે દેસાઈ દ્વારકાદાસ, મથુરાદાસ વિગેરે બંધુવર્ગે શ્રીગોપેન્દ્ર પ્રભુજીને વિનંતી કરી રાજ ? પ્રતાપસર ગામ પધારો, ગ્રિષ્મ રત છે. ત્યાં અમારા આંબાવાડી છે, ત્યાં આપ બિરાજો તો અતિ સુખાનંદ થાય. અમારો મનોરથ આપને આંબા આરોગાવાનો છે. તે સિધ્ધ કરો. ત્યાં બધી વાતની સુવિધા છે. આનંદ પણ ત્યાં ઘણો થશે. રાજનું સુખ વિવિધ પ્રકારના મનોરથ કરીને વિચારશું તેની ઝાંખી કરાવો, અને સહુના મનમનોરથ પુરણ કરવા કૃપા વિચારો. ત્યાં ગ્રિષ્મનો તાપ ઘણો ઓછો લાગશે. વનરાઈ ઘણી છે, તેથી શીતલતાનું સુખ અધિક મળશે.

દેસાઈ દ્વારકાદાસની વાત સાંભળી શ્રીગોપેન્દ્રજી અતિ પ્રસન્ન થયા, અને ત્યાં પધારવાની સંમતિ આપી. રાજની પધારવાની સંમતિ મળતા, દેસાઈએ બધી તૈયારી કરી, અને પ્રતાપસર ગામે પધાર્યા. અને સુંદીર ઘટાદાર આંબાવાડીમાં આપ સુંદીર બેઠકે બિરાજ્યા, અને અનેક ભાંતીના સુખ લીધા. જુથ આશરે બાઈ, ભાઈનું મળીને સો થી સવાસોનું હતું. રાજના અંગીકૃત, કૃષ્ણભટ, રાઘવજી જાની, વિનોદરાય, હરિદાસ વ્યાસ, કુરંજી ગાંધી, બિહારિદાસ, બનુભાઇ, હરિબાઈ અને પાંચાભાઈ, રાજસી લોક બબીબાઈ પણ આવ્યા હતા. મંડલીને સાથે તેડીને આવ્યા હતા. આમ જૂથ પણ એકઠું થયું હતું.

આપ શ્રી નિત્ય બેઠકે બિરાજીને વચનામૃત પાન કરાવે, ફૂલમંડલીની શોભા અતિ રળીયામણી થાય. નિત્ય વિવિધ પ્રકારના સુગંધી કુસુમની મંડલી રચાય, વિવિધ પ્રકારના ખસખાના થાય. વિવિધ પ્રકારના ખસ, ડોલર, વિગેરેના અત્તર ધરાય. કેસર કપૂર મિશ્રિત ચંદન રાજના શ્રી અંગે ચરચાય. વિવિધ પ્રકારના શીતલ ભોગના પના આપ આરોગે, બરાસના પાનના બિડી-બીડા આરોગે આંબાનો કોઈ પાર નહિ. સર્વ જૂથ પણ આપના અધરામૃતનો સ્વાદ નિત્ય પામે. કીર્તન ગુણગાન અનહદ થાય. નિત્ય બેઠકે બિરાજી વિવિધ પ્રકારના હાસ્ય વિનોદ થાય, અને જૂથ સર્વે આનંદ પામે. આપની પ્રસન્નતા ઘણી દિસતી હતી. સર્વાવાતના સુખોપચાર થાય. પુષ્ટિ પણ ધારી જૂથ પણ પાસે રહેતું. આપનો નિકટ વતી કૃષ્ણદાસે એકવાર શ્રીજીની અતિ પ્રસન્નતા વચનામૃત કરતા દીઠી, તે પ્રસંગ પુછયું જે રાજ ! આપની લીલા તો રસિક છે. અચિંત્ય, અગમ, અગોચર છે. જેને આપ કૃપા દષ્ટિ કરો તેને જાણ્યામાં આવે તો રસિક રાજ, વારી જાવ, બલહારિ જાવ, બિહારિદાસે અષ્ટકે કહ્યું છે. કે, વિસ્તાર વ્રજભક્ત સૌરાષ્ટ્ર મંડલે, તો તેનો અંગીકાર આપે પધારીને કર્યો છે. તો આગળ તેનો વિસ્તાર કેટલો? અને ક્યાં સુધી રાજની લીલામાં ભુતલમાં તેવા જીવોનો રહેશે ? તે કૃપા કરીને જણાવો, તો રાજ બલિહારી જાવ. આપનો ગોલો છું. રાજ, કોઈ ઓછા, અદકું પુછયું હોય તો ક્ષમા કરશો.
જીવ બુધ્ધિ છે, તો અલૌકિક વાતે આપની કૃપાથી મટે અને અલૌકિક બુધ ઉપજે. ત્યારે સર્વ સિધ્ધાંત રાજનો અને મારગનો હૃદયા રૂઢ થાયે અને મુખરતા દોષ જાયે તેવી કૃપા કરો.

તવારે રસિકરાજ એવા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી ઘણું મુસકાયાને કહ્યું. કૃષ્ણદાસ ! તેં તો, ઘણું મનોમંથન કરીને પ્રશ્ન કર્યું છે. મહાન છે. ગહનાતિ ગહન છે. તું તો લીલાના જૂથનો જીવ છે.
તેથી તને એ પ્રશ્ન પુછવાનું ઉપજયું છે. જે તું, તે, અમારી ઈચ્છાનું કારણ જાણ, જો સાંભળ, જે વ્રજભક્ત છે તેનો તો પૂર્વે લીલામાં અંગીકાર રાસ રમણમાં થયો છે. તે તો અનંત કોટિ યુથ છે. તે જીવો પુષ્ટિ પુરૂષોત્તમના શ્રીઅંગમાંહેથી પ્રગટ થયા છે. તે લીલા કરવા માટે જ પ્રગટ કર્યા છે. તે જીવ શ્રી અંગની સેવા અને રમણ કાજે સજર્યા છે. તે ભુતલમાં વ્યુચરણ પામ્યાં છે, તેમાં એક પ્રેમ અને સ્નેહનું કારણ છે. તે સર્વ જીવો વેદોક્ત મર્યાદાના બંધનથી મુક્ત છે. સાધનદશાના નથી. નિઃસાધન દશાના છે. સાધન અને ફલ તેના જુદા કીધા નથી. આ બધુ તને સંક્ષેપમાં સમજાવું છે. તે પ્રથમ ગ્રહણ કર. આ વાત પ્રસંગનો વિસ્તાર તો ઘણો જ છે. વ્રજભક્તો પૂર્વ વરદાયક થયા. રાસ રમણ કરતાં તૃપ્તી ન પામ્યા. અને વરદાયક થયા. શ્રીજી તેના વચને બંધાયા. પછી તે જીવોને કલજુગ માંહે પ્રજમાં પ્રગટ થવાની આજ્ઞા થતાં તેનું વચન પાળવા ભુતળમાં દેશ, પરદેશમાં વિચર્યા, તે જીવનો અમોએ અમારું શરણદાન આપીને અમારો સંબંધ કરાવીને, અમારી લીલા માંહે અંગીકાર કીધો. તવારે તે જીવને પોતાનું પુર્વ સ્વરૂપ સમજવામાં આવ્યું. તેનો વિસ્તાર આ બધો છે. કેટલાક જીવ અમારા પેલા પ્રગટ થયા છે. કેટલાક અમારી સાથે પ્રગટ થયા છે. અને કેટલાક હજુ પ્રગટ થતાં જાય છે. તેમ તેમ વિસ્તાર વધતો જાય છે. તે સર્વા અમારી લીલા માંહેના છે. તેનો અમો અંગીકાર કરી રહ્યા છીએ. તેના વર્તમાન અને ભાવ બહુજ ઉચા જોવામાં આવે છે. તે દૈવી જીવનું મુખ્ય લક્ષણ છે. તે બધા જીવ પ્રાકૃત દશાના ન સમજવા અલૌકિક દશાના સમજવા. તેથી અમારી સાથે રમણ કરવામાં અને સેવા સમરણ કરવાના અધિકારી થયા છે. તેઓ પોતાના પતિનું વરણ પામ્યા છે. જેથી પતિવ્રતાના ધર્મે કરીને રહ્યા છે. પતિવૃતા પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો ક્ષણમાં તેનું પતિવ્રતા પણું ભાંગે.’ પછે તે તો બહિર્મુખ થઈ જાય. તેવા જીવનો અંગીકાર અમો કરતા નથી. જે જીવ અમારી લીલા માંહેનો છે. તેતો અન્ય આશ્રય સ્વપ્નેય ન કરે, અને અણસમરપ્યુ અન્ન ક્યારેય પણ ન ગ્રહણ કરે, તે તેનો આ મારગનો મુખ્ય ઠેરાવ છે. પતિવ્રતપણુ તો એક ટેકનું વ્રત છે. તે તેનું મુખ્ય લક્ષણ છે. આવા લક્ષણ જેનામાં હોય તે પુરવના જીવ સમજવા, શરણદાન પામ્યા પછી જો આ લક્ષણ તેનામાં જોવામાં ન આવે તો તે જીવ પુરવનો દૈવી નથી. દેખા દેખીએ શરણાંગત થયો છે. તેનું બાનું કાંઈક સ્વાર્થનું સમજવું. આ બે વાના છુટતા નથી, તો પછી તેનો અંગીકાર આ મારગમાં સર્વથા ન થયો ગણાય. આ ત્યાગ અલૌકિક છે, ભગવદ સુખ અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનો છે. જેથી કૃપાનું દાન સત્વર થાય.

કલિકાલમાં આગળ પાખંડ વધશે, અતે પ્રવાહી માર્ગી જીવોનું જોર વધુ પ્રગટ થશે. તેનું જોઈને તેના પ્રવાહમાં જે ચાલ્યા. તે જીવ પુરવના નથી. તેમ સમજવું. માર્ગની મેંડ પ્રણાલિકા જીવના આચરણે થતાં જોવામાં ન આવે ત્યારે સમજવું કે પુરવના જીવ હવે ભુતલમાં જવરલા રહ્યા છે. બાકી બીજા બધા પાખંડી ધરમ મારગમાં ચાલવાનો ઢોંગ કરતા દીસશે. ત્યારે સમજવું કે, હવે આ વિસ્તાર થતો અટક્યો છે. આચાર-વિચાર મારગના તેનામાં નહિ રહે. ઘમંડી, પાખંડી અને કુટિલતાના દોષથી ભરપુર હશે. મારગની અવહેલના પોતાના મુખથી કરતા હશે. પાછા મારગમાં ચાલીએ છીએ તેવો ડોળ કરતા હશે. પોતાને પુજનિક ગણાવતા હશે. મિથ્યા બકવાદથી ભરપૂર હશે. ત્યારે સમજવું કે આ વિસ્તાર હવે અહિંયા સુધીનો જ છે. જવરલા આ વાતથી છેટા હશે તે તાદરશી હશે, તેને દુઃસંગ બાધા નહિ કરે. સ્વાર્થ રહિત જોવામાં આવશે તે લક્ષણ આ મારગના જીવનું જાણવું. બહિર્મુખ જનો તેને પીડા અને ઉપદ્રવ કરતા જણાશે. તેના આચરણથી ક્ષોભીલા થઈને નિંદા કરતા હશે. સાચી વાતથી પર થઈ ગયા હશે. સ્વાર્થ સાધવામાં ધરમ મારગનો અંચળો ઓઢીને ફરતા હશે. આ બધુ કલિયુગમાં આગમ એંધાણ રૂપ હશે. પછે લીલા પ્રકાર મેંડ, મર્યાદા, પ્રણાલિકાનો ભંગ કરીને પોતાનું મન માન્યું કરતા ફરશે. જેથી અન્ય મારગમાં ભટકતા થઈ જશે. તેવા જીવ શરણદાનનું મહાત્મ્ય કાંઈ સમજ્યા નથી તેમ જાણવું.

કૃષ્ણદાસ, આ મારગની આચાર સંહિતાનો લોપ થતો જણાશે. જીવો ખાન પાનના મિથ્યાચારી બનીને સ્વધર્મથી વિમુખ બનતા જશે. અભક્ષ્યનું ભક્ષણ કરતા સંકોચ નહિ થાય. મિથ્યાચારને આચાર સમજવા લાગશે, લૌકિક આસક્તિઓ વધતી જશે. આ બધુ જોવામાં આવે ત્યારે સમજવું કે, સ્વધર્માચરણનો લોપ થતો જાય છે. પોતાના સ્વાર્થ સાધવા દ્રવ્યના લાલચું બનીને ધર્મ માર્ગના સિધ્ધાંતના અવળા અર્થો સમજાવશે. ભગવદ્‌ કાર્યના નિંદક થઈ જશે. સેવા સમરણના પ્રમાદિ થતા જોવામાં આવશે. વાસ્તવી લીલાના દર્શન બંધ થશે, અને બધી માયીક લીલા જોવામાં આવશે, ત્યારે સમજી લેવું કે, આ બધો વિસ્તાર હવે નથી રહ્યો. કોઈ જીવ અપેક્ષા એ અવતરે તો તેનામાં દૈવી ગુણ જોવામાં આવશે. પણ તે એક અમારી ઈચ્છાને આધીન રહેશે. કૃષ્ણદાસ ! આ બધુ સંક્ષેપમાં સમજશો કયા સુધી કહીએ તમો બધા તો આ બધી વાતથી ૫ર છો અને જે વાતથી પર રહેશે, તેને શ્રીજી પોતાનો કરીને જાણશે. મુખ્ય એક દઢ આશ્રય અને અણસમરપીતનો ત્યાગ, સેવા સમરણ, એ તાદરશી ભગવદીનો સંગ, ભગવદ્‌ કથા વાર્તામાં જેની દઢ આસક્તિ હશે, તે જીવ અમારી લીલાના અધિકારી છે. તેને પ્રાપત નિશ્ચે છે. બાકી બીજા અધોગતિને પામશે. તેમાં સંશય નથી. આગળ કહ્યું તેવુ આચરણ જીવમાં જોવામાં આવે ત્યારે આ વિસ્તાર બધો અટકી ગયો છે. થંભી ગયો છે. એમ જાણવું બીજુ તો કૃષ્ણદાસ, લીલાના પ્રાપ્તી લીલાના જીવને થાય તેમાં શું કહેવાનું હોય ? આપશ્રીનું આ વચનામૃત સાંભળી સર્વ જુથ વિસ્મય પામ્યું અને સૌ કોઈ પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. ધન્ય મહારાજા, આપની અસિમ કૃપાના, અધિકારી અમોને તેઓએ ગણ્યાછે. જેથી ભુતલમાં અમો કતારથ થઈ રહ્યા છીએ. રાજ, વીના આ લીલાનું સુખ બીજે ક્યાંય દીઠામાં ન આવે. ધન્ય પ્રભુ ગોકુલીયારા રાજ, અમારા મનના માણીગર, વારિવારિ જાવ તેમ કહીને બબીબાઈ તથા હરબાઈ રાજના ચરણમાં લોટી પડ્યા.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૪ મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here