સંવત : ૧૭૧૯
સ્થળ : કિંદર
ભગવદીના કારણનું બળ અને લક્ષણ.
સંવત ૧૭૧૯ના પરદેશમાં પ્રભશ્રી ગોપેન્દ્રજી છાયામાં બિરાજતા હતા ત્યારે બબીબાઈ તથા શામબાઈની મંડલીના બસો વૈષ્ણવોને સાથે લઈને શ્રીગોપેન્દ્રજી કિંદર પધાર્યા. કિંદરમાં વૃક્ષની ઘટાદાર છાયા તથા નદીનું નિર્મળ જળ નિહાળીને શ્રીગોપેન્દ્રજી વેષ્ણવ જૂથ સાથે નદીની મધ્ય ધારામાં પધાર્યા અને જલની વચ્ચે ગીત વાજિંત્ર ની સાથે હીંચનો અનેરો આનંદ લીધો. છાંક ભાવનો મનોરથ કીધો. પછી રાસ રમણનું સુખ દીધું.
પ્રભુજી જ્યારે બેઠકે બિરાજ્યા ત્યારે બબીબાઈ તથા સગીબાઈએ રાજને ચરણે દંડવત કીધું. અને વિંનતી કરી કે રાજ ભગવદીના કારણનું સ્વરૂપ શું ? આપ સમજાવો તો જીવને ગમ પડે.
ત્યારે પ્રભુજી કહ્યું: જે કોઈ તરદશી ભગવદીની કૃપા થઈ, તેનું કારણ સર્વથા પોતાના મનમાં આવ્યું. તવારે જાણવું જે શ્રીજીએ પોતાનો કીધો પણ જીવ પાત્ર ઓછું હોય ત્યા શું થાય ? માટે જીવે દેહ વિષેનું અભિમાન અળગું કરવું, તો ભગવદી તાદરશીનો સંગ થાય, અને પોતોને કારણ મનમાં ઉપજે, જે કારણ ઉપજ્યા વિના મારગમાં અંગીકાર નથી. તે નિશ્ચે જાણશો. કારણ ઉપજતા ઘણા જનમનાં અંતરાય જે, જીવને છે. તે મટી જશે, તે જીવને શ્રીજી પોતાનો કરી જાણશે તેવું કારણનું મહાબળ છે.
તાદરશી ભગવદીના કારણ વિના પુષ્ટિ પુરૂષોત્તમનું સ્વરૂપ જણાયે નહિ. ને સ્વરૂપ જણાયે નહિ, તો પ્રાપત કયાંથી થાય ? તેથી સર્વે રસ કારણમાં છે. કારણનું બલ અગાધ છે. તે મોટા મોટા ભગવદીઓએ નિશ્ચે કરી જાણ્યું છે. તે ગ્રંથ માંહે પ્રસિધ્ધ છે. તેથી પ્રીછીએ, અમો સર્વ કારણીકને અર્થે કહીએ છીએ. જે કારણીક હોયે તેને કામનું છે. બીજાને કામનું નથી. ફોગટ કુસકા ખાંડેથી શું પ્રાપ્ત થાય. તે સર્વે કારણીકને અર્થે કહીએ છીએ. તે તાદરશી કૃપા પાત્ર હશે તે પ્રીછશે.
જે શ્રીજીએ કહ્યું: જે, તાદરશી ભગવદી છે. તે અમારૂ પ્રગટ સ્વરૂપ છે. તે માંહે અમો સદા સર્વદા બિરાજીએ છીએ તેની કાનીથી અમો સર્વ અંગીકાર કરીએ છીએ. તેના દ્વારા લીલા, જશ, ખેલ, પ્રગટ કરીએ છીએ. તેમાં સંદેહ રાખશોમાં. જે તાદરશી ભગવદી દ્વારા સર્વ સુખાનંદની પ્રાપ્ત થશે. તે સઘળું એક કારણ માંહે પ્રીછજો. જે આ વાત કારણીક ભગવદીને અર્થે છે. તેને કહેવી સંભળાવવી. તે સિવાય બીજાની પાસે પ્રગટ ન કરવી, અને કદાચિત પ્રગટ કરે તો હમસું અંતરાય પડે તે નિશ્ચે જાણજો. ઓછાથી કારજ નથી સરતું. તેથી કહે નહિ. પ્રથમ પરિક્ષા કરે. જે કારણ સાચું ઉપજ્યું છે. જો કારણમાં કચાશ દેખાશે તો સર્વથા કહે નહિ. તે અંતરાયના પ્રકાર આગળ કહ્યા છે તેથી જાણજો.
જીવ પોતાનું તન, મન, ધન, સોંપે તવારે જાણવું જે સાચો છે. જે કારણીકે તે વિષે વિચારીને પ્રથમ પારખું કરવું. જે વણશી જાયે તો સર્વથા બગડે. જીવ પ્રથમ લોભે કરીને કારણીક થાયે. પછે વણશી જાયે તો બેઉનો બગાડ થાય. માટે વિચારજો, પછે તે મારગે ચાલજો. સાચો ઠેરાશે, તેને સુણતા સર્વે ભાવ ઉપજશે. તેથી જાણવું જે સાચો રહેશે. ગોપ્ય રાખે બકે નહિ. કારણીકથી સાચો રહે. હરદો ખોલી ને સર્વ વાત કહે. ભાવનો અંગીકાર થાયે. જે લક્ષણ ઉંચા હોયે. પ્રમ વિના પ્રસંગ ન કરવો.
| જે પ્રેમ પંથ અતિ આગમ હે, સબ કોઉ સેહલો નાહિ
ચઢવો મોંમ તુરંગ પે, ચલવો પાવક માંહિ ।
મીણના ઘોડા ઉપર ચઢીને અગ્નિમાંથી પ્રસાર થવા જેવો, પ્રેમનો પંથ છે. માટે વિચારીને ચાલજો. બધા જીવ સરખા નથી.
કારણ જેનું મનમાં ઉપજ્યું તેના નિંદક ન થવું. નિંદા તેની કોઈ કરે તો સાંભળવી નહિ. જે તેને શ્રીજીથી અધિક કરીને જાણીએ છીએ તો તેના દોષ જોવાય નહિ. તેને વિષે લૌકિક ભાવ ન રાખવો.લોક બુધ્ધિ ન રાખવી. તેની દેહી સર્વથા અલૌકિક કરી જાણવી. જે સર્વથા અલૌકિક કરીને જાણે. જે જરાયે સંકોચે ન રહે, જે કારણરૂપ કરીને સમજે.
જે જેને તેના આચરણે રહેવું હોય તેનાથી કહેશો. પ્રથમ તેનું પારખું કરી જોશો. જે સાંભળીને આચરણે ન રહે તો જાણવું જે તેના મનને વિષે દોષ આવ્યો. જે ર્દઢ ન થયું. તર્ક વિતર્ક થયો. તો મહાદોષ રૂપ થઈને અસુર પણું પામે છે. જે શ્રવણે થાય પછે આચરણે રહે તો પ્રાપ્ત થાયે. જે જીવ દૈવી કોટિનો હોયે, કાંતો ભગવદીના કારણે કરીને, કૃપા સુર્દષ્ટિ કરીને દૈવી કોટિ માંહે લાવે. તેના કામનું છે. કારણ ઉપજયાથી પુષ્ટિ લીલાની પ્રાપ્ત થાયે. તે વિના પુષ્ટિ, પષ્ટિની પ્રાપ્ત દુર્લભ છે.
તબ રાજસી લોકને કહી જે રાજ ! કારણ કો સ્વરૂપ બતાયો, સો તોઅગાધ બલ કહ્યો, જાસુ પુષ્ટિ લીલાકી પ્રાપત હોયે. અરૂ રહસ્ય બાત તાકી આગે કહનો, સુનનો સુનાવનો, (પરિયાકો) લક્ષણ કહા ?
તબ શ્રીજીને મુસ્કાયકે કહી, જો નેષ્ટ કારણીક હોય તાકે લીયે રહસ્ય બાત હે, ઓર કાહુકો કામકો નાહિ હૈ, દૈવી જીવ લીલાકો હોય તાકો કામ આવે. અરૂ દૈવી કોટિમેં તાદરશી ભગવદી સુર્દષ્ટિ કરકે કૃપાસુ અધિકાર દેય તબ દૈવીમેં આવે. જૈસે રાજા કોઉ ચાંડાલીકો રાજરાની કરે તો યાકો અધિકાર રાજ રાની કો હોય, પરિ ચાંડાલીપનો છુટે. પરિ ચાંડાલીપનો છોડે નહિ તો રાજા રાજરાની પદસે દૂર કરે, તૈસે દૈવી જીવકો લક્ષણ સમજવો. દૈવી કોટિમેં કાહુ જીવ આવે, પરિ અપનો લૌકિક ભાવ છુટે નાહિ, તો દૈવી કોટિમેં આગે અધિકારી નાહિ હોય હૈ. સો તો લક્ષણસુ સમજવેમેં આવે. પહેલો તો યા જીવકો આચરણદેખનો, અનન્યહોય, અણસમરપ્યો તજે, માર્ગકો સિદ્ધાંત હૃદયા રૂઢ હોય. મુખરતા દોષ ન હોય. માર્ગકો રહસ્ય જાનવેકો ભાવ હોય. અરૂ તાકે આચરણસુ રહે તબ અપનો ગોપ્ય ભાવ કાહુ તાદરશી ભગવદીકો કારણ જાનકે પ્રગટ કરે તબ સબ ફલિત હોય. જો આધુનિક તાદરશી ભગવદી તીર્થ રૂપ હૈ, તીર્થ સ્થાનથી જૈસે પવિત્ર હોય હૈ, તૈસે વર્તમાન તાદરશી ભગવદીકે સંગસું પવિત્ર બુદ્ધિકો, પાવે. પ્રાચીન ભગવદીઓકે ઉપદેશ દેય હૈ, તેમના પાસેથી જો ઉપદેશ લેય તો તે ઉપદેશ, જો દુઃસંગ રૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત ન થઈ હોય તો પહેલે બતાયે મુખ્ય તાદરશી ભગવદીના ઉપદેશકી ન્યાઈ, ફલિત હોયગો.
ફેરી રાજસી લોકને રાજસુ વિનતી કીની જે રાજ ! આપનું સ્વરૂપ જીવના હરદામાં કબ સ્થીર હોય કે રહે !
તબ રસિક રાજને શ્રીમુખસુ કહી જે જીવના હરદામાં અમારું સ્વરૂપ સ્થીર હોનો અતિ દર્લભ હૈ. જીવકો સ્વભાવ નેષ્ટ નથી. નેષ્ટ (એક સિવાય કોઈ અન્ય ઈષ્ટ ન હોવું) ભાવ વાલે જીવના હરદાકમળમાં અમારું સ્વરૂપ સ્થીર હોય કે રહે. જૈસે લૌકિક પદાર્થ વિષે જીવકો આસકિત હોય હૈ. તે પદાર્થથી સુખ દુઃખ હોય. સો સહે હૈ. તૈસે અલૌકિક પદાર્થ વિષે જીવકો આસકિત હોય. અરૂ સુખ દુઃખાદિકકો સહે તો ભગવદ સ્વરૂપ સ્થીર હોને યોગ્ય હરદો હોય. જૈસે ધનાદિકમેં આસકિત હોય હે. યાસુ અધિક આસકિત હમારે સ્વરૂપ વિષે હોય. અરૂ એથી અધિક આસકિત હમારા તાદરશી ભગવદી જન વિષે રહે તો હમારુ સ્વરૂપ હરદા માંહે સ્થીર થતા કીતની દેર લગે. કછુ દેર લગે નાહિ. જૈસે તલીમેં તેલ હે, અરૂ મિશ્રીમેં મધુરતા હૈ, કાષ્ટમોં અગ્નિ હૈ, દુધમેં જૈસે નવનીત હે, તે સર્વે પ્રગટ દિખવેમેં આવે નહિ. પરિ યાકુ યોગ્ય રીતીસુ જાનવેમેં આવે તબ યામેસું પદાર્થકી પ્રાપ્તિ હોય. તેસે હમારુ સ્વરૂપ હમારા ભગવદીના હરદાને વિષે રહે હૈ, તાસુ યથા યોગ્ય જાનવેમેં આવે અરૂ અમારા સ્વરૂપથી અધિક કરકે જાને, તવારે બુઝેલા દીપક્કો જૈસે પ્રગટ દીપકની સાથે અડાડયો જાય તવારે બુઝેલ દીપક પ્રગટ હો જાય હૈ. તબ ચો તરફ રોશની દિખવેમેં આવે. પ્રકાશ હોય સો તો જ્ઞાનકો પ્રકાર હૈ. તેસે હમારા સ્વરૂપકો જ્ઞાન હોય જાયે હૈ. ફેરી કબ છુટે નાહિ. એસો તાદરશી ભગવદીકો કારણ કરકે જાનનો ચાહીએ. તો સબ યા માર્ગમેં ફલિત હોય હૈ.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૩મું વચનામૃત સંપૂર્ણ ||
વચનામૃતનો સાર
કિંદરમાં જે વચનામૃત શ્રીગોપેન્દ્રજીએ કર્યા તેનો ભાવ.
તારદશી ભગવદી જે જીવ પર કૃપા કરે, તેને ઠાકોરજી પોતાનો કરીને રાખે છે. જયારે જીવને પોતાના મનમાં તાદરશી ભગવદીનું કારણ ઉપજે ત્યારે સમજવું કે ઠાકોરજી જીવ પર કૃપા કરવા વિચારે છે. કારણ ઉપજ્યું, તે કેવી રીતે જાણવું, કોઈ તાદરશી ભગવદીના આચરણ જોઈને મનમાં નિશ્ચય થાય કે આ ભગવદી અનન્ય અટંકા છે, અણસમરપીતનો ત્યાગ કરેલ છે. અન્ય આશરો કરતા નથી. આપણા ઘરની રીત, પ્રણાલિકા સર્વે જાણે છે અને આચરે છે. તેમાં વિશ્વાસ આવે ને સત્ય સમજાય અમે સત્ય કરીને માને કે મારૂ પરમ કલ્યાણ આ રીતે આચરણ કરવામાં છે. તાદરશી ભગવદી પર પ્રીતિ બંધાય અને સ્નેહ ઉપજે અને નિશ્ચે થઈ જાય કે મારે પણ આ તાદરશી ભગવદીના વચનને અનુસરવાનું છે અને આના સંગમાં જ મારૂ પરમ કલ્યાણ છે. ત્યારે સમજવું કે કારણ સાચું ઉપજ્યું છે. તાદરશી ભગવદીના કારણ વિના પુષ્ટી પુરૂષોત્તમનું સ્વરૂપ જણાય નહિ. કારણ ઉપજ્યા વિના મારગમાં અંગીકાર નથી. સર્વે રસ કારણમાં છે. કારણનું બળ અગાધ છે. કારણ ઉપજતા ઘણા જનમના અંતરાય જીવને જે છે, તે મટી જશે. તે જીવને શ્રીજી પોતાનો કરીને જાણશે. તાદરશી ભગવદી કેવા હોય તેના લક્ષણો શું ?
પુષ્ટીજન, નિજ્જન એવા તાદરશી ભગવદીના લક્ષણ ૫.ભ.ડોસાભાઈએ એક સમસ્યા કાવ્યમાં રસિક રીતે પ્રગટ કર્યા છે.
|| નિજ્જન નેહકી બાત કોઉ જાને, સ્નેહ સબંધકી પ્રીત પ્રમાને
રત રાખે જૈસે ચંદ ચકોરી, ચલત બોલત ચક્ષુ એક ઠોરી ॥૧
|| અશુદ્ધ ભાષા કબહુ ન ભાખે, નેહકો રૂપસો નેહી રાખે
ટેક ચાતૃક ધન જ્યોં ધારે, પીયુ પીયુ રસના સમરણ કરે ॥ર
|| છીપ સ્વાંતકી રતસો રાખે, અણસમરપ્યો ભોગ ન ચાખે
ઐસે મનજો જીવન માને, સો નિજ્જન નેહકી બાતકો જાને ॥૩
નિજ્જનને (તાદરશી ભગવદીને) તેમની પ્રભુ પ્રત્યની અનન્ય આસક્તિ, પ્રીતિ તથા સ્નેહના લક્ષણો દ્રારા જ ઓળખી શકાય. તાદરશી ભગવદીનો પ્રભુ પ્રત્યે કેવો સ્નેહ સંબંધ છે, કેટલી પ્રીતિ છે. તેનું પ્રમાણ ડોસાભાઈ દાખલા-દ્રષ્ટાંતથી સમજાવે છે. ચંદા અને ચકોરીની જેમ સર્વ કાર્ય કરતા ભગવદી જનની ર્દષ્ટિ પોતાના પ્રભુમાં જ રહેલી હોય છે, ચિત્ત પ્રભુમાં જ લાગેલું રહે છે. પોતાની રસનાથી (જીભથી) પોતાના પ્રભુ સિવાય અન્ય કોઈનું સ્મરણ કરતા નથી, તેવી ટેક હોય છે. પોતે જે તાદરશી ભગવદીનું કારણ મનમાં રાખ્યું છે, તેની પર પોતાના પ્રભુ જેટલો સ્નેહ રાખે છે, તેના વિષે અશુદ્ધ ભાષા એટલે કે ટીકા, નિંદા ક્યારેય ન કરે. જેમ છીપ સ્વાંતિ નક્ષત્રમાં વરસતા જળના બુંદને ગ્રહણ કરે છે, તેની જ આશા રાખે છે. સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું જળ પોતાનામાં ગ્રહણ કરતી નથી. તેવી રીતે તાદરશી ભગવદી સંસારમાં રહે છે, પરંતુ અન્ય આશરો ક્યારેય કરતા નથી. અણસમર્પિત ભોગ ગ્રહણ કરતા નથી. ડોસાભાઈ કહે છે કે આવા ભગવદોનું કારણ જો જીવને મનમાં ઉપજે, તેના પ્રત્યે માન ઉપજે તો તે જીવને પણ પોતાના પ્રભુમાં તાદરશી ભગવદી જેવી જ પ્રીતિ ઉપજે છે અને સ્નેહ પ્રગટ થાય છે. ત્યારે તાદરશી ભગવદીના પ્રભુ પ્રત્યેના નેહની વાત જાણી શકે સમજી શકે.
તાદરશી ભગવદીનું કારણ મનમાં ઉપજ્યા પછી પ્રભુજી પોતાના સેવકનો અંગીકાર કરે છે. આ ભાવનું વર્ણન એક સમસ્યા કાવ્યમાં ૫.ભ.ડોસાભાઈ તાંદુલના અંગીકારના દ્રષાંતથી સમજાવે છે.
નિરખોરે મન જન ભાવ તાંદુલકો ||
સુંદીર ભોમશું ખેતમેં બોયો, નામ શરન મેહ બાદુલકો ઉપજ્યો અંકોર પ્રકાશ કોમલ, લાગ્યો પવન સંગ ઈતઉત ઝુલ ||૧
એહી નત પ્રત બિધ હેત હરે હૈ, નવપલ્લવ રૂપ અંગ સજાને,
તબ ચિત્ત સંતન સંગ ફુલે, સબંધી સરૂપી ફલ બંધાણો || ર
કાટી ભુય મરજાદ લોકકી, લાયે સંકેતશું સ્થાન ધારે
માત પિતા ફુલ કાની મીટાઈ, પકરી પ્રેમ ખલ વાર જારે || ૩
તબ ગુન જાત તજાય ફોતરી, તબ શ્રીગોપેન્દ્ર અંગીકાર કીયો હૈ,
જીવન જન સબ સેવકકી ગત, એહી પ્રકાર જનાય દીયો હૈ || ૪
સમસ્યાનો અર્થ : ચોખાના બીયારણને વાવ્યા પછી તેમાંથી તાંદુલ (ચોખા) નિપજે છે. અને તાંદુલનો અંગીકાર પ્રભુશ્રી ગોપેન્દ્ર સામગ્રીમાં તથા લલાટમાં તિલક પર ધારણ કરી કરે છે. બીયારણમાંથી તાંદુલ નિપજતા પહેલા ઘણા પ્રકારમાંથી પસાર થાય ત્યારે તાંદુલ ઉપજે છે. સેવકની ગતિ પણ તાંદુલ જેવી જ છે. ઘણા બધા પ્રકારમાંથી પસાર થાય ત્યારે પ્રભુશ્રી સેવકનો અંગીકાર કરે છે.
ચોખાના બીયારણને સુંદર, રસકસવાળી, ફળદ્રુપ જમીનમાં વાવવામાં આવે છે. ગમે તે જમીનમાં ચોખાનો પાક થતો નથી. વાદળા બંધાય વરસાદ આવે ત્યાર પછી વાવણી થાય છે. ત્યાર બાદ સૂર્યનો કોમળ પ્રકાશ નીકળે ત્યારે બીજમાંથી અંકુર ફૂટે છે.
સેવક માટે શરણદાન એ મેહ (વરસાદ) રૂપ છે. શરણદાન મંત્ર બીજ રૂપ છે. જે પુષ્ટિ જીવ છે, તેના હૃદયમાં રસ ભરેલો છે, ઠેરાયેલો છે. વરસાદનું પાણી બધે જ પડે છે. તેમ ઠાકોરજી શરણે આવેલા જીવને એક જ શરણદાન મંત્ર આપે છે. સરખા માળા અને તિલક આપે છે. બધા જીવમાં બીજરૂપી શરણદાન મંત્ર એક જ રોપવામાં આવે છે. શરણદાન લીધા પછી આપણા ઘરના ગ્રંથો દ્રારા, ભગવદીના સંગમાં જ્ઞાનરૂપી પ્રકાશ સેવકના હૃદયમાં પથરાય ત્યારે પુષ્ટિ પ્રેમલક્ષણા ભક્તિનો અંકુર ફૂટે છે.
બીજમાંથી અંકુર ફૂટે, નાનો એવો છોડ થાય. પવનના નાનામોટા જાપટા આવે તેની સાથે ઝુલતા ઝુલતા પોતાના મૂળ સાથે દ્રઢતાથી વળગ્યો રહે છે. અને વૃદ્ધિ પામીને છોડ મોટો બને છે, નવા નવા પાંદડા-પત્તી વિગેરેથી બધાને છોડ આકર્ષક લાગે છે, જોવો ગમે છે. યોગ્ય ખાતર તથા સિંચનથી છોડ પર દાણા બેસે છે. એમાથી ડાંગરનું ડૂંડ્ બને છે. દાણો પાકી જાય ત્યારે ડુંડાને કાપીને ખળામાં ભેગા કરાય છે. છોડ સાથેનો સંબંધ ત્યજાય જાય છે. હજુ સુધી તે ડાંગર કહેવાય છે. જ્યારે ડાંગરને જૂડવામાં આવે ત્યારે તેમાંથી કમોંદ નીકળે છે. હવે ડાંગરમાંથી કમોદ કહેવાણી. કમોદ પર જાતરૂપી ફોતરી છે. જ્યારે કમોદ પરથી ફોતરી દૂર કરવામાં આવે ત્યારે તેમાંથી તાંદુલ નીકળે છે. અને તાંદુલને પ્રભુશ્રી ગોપેન્દ્ર પોતાના લલાટ પર તિલક પર ધારણ કરે છે. આ પ્રકાર તાંદુલના અંગીકારનો છે.
સેવકમાં ભક્તિનો અંકુર ફૂટે પછી એક તાદરશી ભગવદીનું કારણ મનમાં રાખે, તો ભક્તિનો છોડ વૃદ્ધિ પામે. વિશ્વાસપૂર્વક દ્રઢતાથી પોતાના પ્રભુજીની એક અનન્ય આશરો રાખીને માર્ગમાં આચરણે રહે ત્યારે નવા નવા ભાવ દ્વારા ભક્તિનો છોડ નવ પલ્લવિત થાય. ત્યારે પોતાના ઘરના ભગવદી સંગમાં જ ચિત્તને આનંદ આવે. કારણીક તાદરશી ભગવદી જેવું જ આચરણ કરવાનું શરૂ કરે છે. લૌકિક વ્યવહારમાંથી આસક્તિ મટી જાય. ભગવદીના સંગમાં જ રહેવાનો ઉદ્યમ કરે. ક્યારે ભગવદીનો સંગ થાય તેના જ વિચાર કરે. માતાપિતા તથા કુલકાની મૂકીને ભગવદીની કાનીને શિરોમાન્ય રાખે. ત્યારે ગુણરૂપી અભિમાન તથા જાતરૂપી અભિમાનની ફોતરી તજાય જાય છે. અહંતા મમતા દૂર થાય છે ત્યારે પ્રભુશ્રી ગોપેન્દ્ર સેવકનો અંગીકાર કરે છે.
દુઃસંગ (અન્ય માર્ગનો સંગ) ત્યજાય તો શ્રીજીનો ઉપદેશ લાગે. કારણ કે દુઃસંગ રૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત રહે છે. જ્યાં સુધી બુદ્ધિ ભ્રમિત રહે ત્યાં સુધી શ્રીજીનો ઉપદેશ સમજાતો નથી.
જુદી જુદી વસ્તુમાં જુદા જુદા પદાર્થ સમાયેલા હોય છે. તે વસ્તુમાંથી પદાર્થ મેળવવાની યોગ્ય રીત જાણીને એ રીત કરવામાં આવે તો એ પદાર્થની પ્રાપ્તિ થાય છે. જેમ કે, બધા જાણે છે, કે તલમાં તેલ છે, મીશ્રીમાં મધુરતા છે, લાકડામાં અગ્નિ છે, દૂધમાં માખણ છે, છતાં પ્રત્યક્ષ દેખાતા નથી. બધી વસ્તુ પર યોગ્ય પ્રક્રિયા – રીત કરવામાં આવે તો જે તે પદાર્થની પ્રાપ્તિ થાય છે. ઠાકોરજીનું સ્વરૂપ તાદરશી ભગવદીના હૃદયમાં નિત્ય રહે છે. જીવ જો તાદરશી ભગવદીનો સંગ કરે, તેને સારી રીતે જાણે, તેનામાં વિશ્વાસ રાખે, તેને સત્ય કરીને માને, ઠાકોરજીના સ્વરૂપથી અધિક કરીને જાણે, ત્યારે જેમ બુઝેલો દીપક પ્રગટ જ્યોત સાથે સંપર્કમાં આવે ત્યારે બુઝેલો દીપક પણ પ્રગટ થઈ જાય છે. અને તેમાંથી પણ ચારે તરફ પ્રકાશ જોવામાં આવે છે. પ્રકાશ એ જ્ઞાનનું સ્વરૂપ છે, તેવી રીતે તાદરશી ભગવદીનો સંગ કરીને, તેનું કારણ રાખવાથી ઠાકોરજીના સ્વરૂપનુ જ્ઞાન જીવને થાય છે.
પ્રભુશ્રી ગોપાલલાલજીના ઘરની અને ન્યારી સૃષ્ટીની પરંપરા અને તે સ્વરૂપ વિષેનો ભર, અને તેની આજ્ઞાનું પ્રમાણ, તેજ આપણી સૃષ્ટિની પરંપરા છે. તે તાદરશી ભગવદીઓ કહી ગયા છે. ઘણુંક કીધું છે. તે પરંપરા શ્રીગોપેન્દ્ર પ્રભુજીએ જાળવી અને તેની વૃદ્ધિ કરી, અને મહારાજના સ્વરૂપમાં બિરાજી તેનો ઘણો વિસ્તાર કર્યો. તે પરંપરા, અનુભવી અંગીકૃત. તાદરશી ભગવદીઓએ ગ્રંથ દ્વારા લખીને જાળવી રાખી છે. તે ગ્રંથ આપણને તે પરંપરા જાળવવાનું શીખવે છે. તે માર્ગે આપણે આજ ચાલી રહયા. તે વ્રજભક્ત, જે પ્રજમાં વસ્યા. તે પરંપરાથી વસ્યા છે, અને તે પરંપરાના પ્રવાહમાંથી જે જુદા ચાલે, તે વિસ્તાર વ્રજભક્ત માંહેલા નથી તેમ સમજવું. ગંગાજળના પ્રવાહમાંથી જુદો પ્રવાહ ચાલે તે ગંગાજળ તો ન જ કહેવાય. અને ગંગા જળના પ્રવાહમાં બીજા જળનો પ્રવાહ ભળે તો તે પણ ગંગાજળ કહેવાય, તે જ પરંપરા. પરંપરાથી જે જીવ છુટો પડે, તે વ્રજ ભક્ત માંહેનો નથી. અન્યઆશરો કરે, અને અણસમરપ્યું ખાય. તેને પરંપરા સાથે કાંઈ લાગતું વળગતું નથી. તે નિશ્ચે થયું. ફોગટની બાનક ધરી ગણાય.
|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીનુ ૩૩ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||
Leave a Reply