સંવત : ૧૭૧૯
સ્થળ : અમદાવાદ
શ્રેષ્ઠ ધર્મશાસ્ર કયું ?
સંવત સત્તર સો ઓગણીસની સાલમાં સોરઠમાં પધારવા માટે શ્રીમદ્ ગોકુલથી પ્રયાણ કરી શ્રીજી અમદાવાદમાં પધાર્યા. રૈયા પારેખ, ગંગાધરભાઈ, રવજીભાઈ, કાશીદાસ, સોની સોમજી વિગેરે શ્રીજીનું સામૈયું ભલીભાતે કરીને સારંગપુરમાં પધરાવી લાવ્યા. સર્વો દરશન સુખ લઈને અતિ આનંદ પામ્યા. શ્રીજીએ સર્વના કુશળ સમાચાર પુછ્યા. સ્વામિ સેવકનો અનહદ પ્રેમ પ્રગટ થયો. સારંગપુરમાં વેષ્ણવોને પ્રભુજીએ ઘણું સુખ આપ્યું. પ્રભુજી પણ ઘણું પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે. નિત્ય અવનવા નુતન નુતન મનોરથ કરીને શ્રીજીને વૈષ્ણવો લાડ લડાવી રહ્યા છે.
પ્રભુજી અમદાવાદમાં સારંગપુરમાં બિરાજી રહ્યા છે. તેવી વધાઈ સાંભળીને આજુબાજુના ગામના તથા સોરઠ ગોહિલવાડના વૈષ્ણવો દરશન કરવા માટે આવવા લાગ્યા. સેંદરડાથી મોરારદાસ પચ્ચીશ વેષ્ણવને સાથે તેડીને અમદાવાદ આવ્યા. તથા બીજા પંદર વેષ્ણવની સાથે પટેલ સવદાસ તથા ગોવિંદ, માણી, પછેગામ વાળો, તથા ગોપાલ તથા પટેલ પુંજો એ વૈષ્ણવ મલી ચાલીશ પાતળ અમદાવાદ શ્રીજીના દરશન કરવા આવ્યા. તે ડોલ ઓચ્છવને એક માસ આડો હતો. તે પહેલા પહોચ્યા. અને સારંગપુરમાં પોતાની હવેલીએ બિરાજતા હતા ત્યાં આવ્યા. સર્વોએ શ્રીજીના દરશન કર્યા. દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા, ભેટ ધરી. ઘણા આનંદિત થયા. શ્રીજી પણ ગોહિલવાડના વેષ્ણવને જોઈને અતિ આનંદ પામ્યા. શ્રીજીએ મોરારદાસને કુશળ સમાચાર પુછ્યા અને સર્વજુથનું સમાધાન કરવા રૈયા પારેખને આજ્ઞા કરી. રૈયાભાઈએ સર્વનું સમાધાન રૂડી પેરે કર્યું. શ્રીજી ઘણું પ્રસન્ન થયા, મોરાર ! રૈયા, તુમ દોનો હમારે હો. જાસું વેષ્ણવકો કછુ સંકોચ નાહિ રહે. શ્રીજીની વાણી સાંભળી મોરારદાસ તથા રૈયા પારેખ ઘણું હર્ષાવેશમાં આવી ગયા અને શ્રીજીના ચરણમાં નમી પડ્યા. રાજા, મહારાજા, જીવકો સામર્થ્ય આપકે આગે કીતનો હોય ? સબ આપકી કૃપા અરૂ સુદ્રષ્ટિસુ હોય હે રાજ ! હમતો એસે સમજે. દુજો કછુ નાહિ જાને ?.
શ્રીગોપેન્દ્રજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે. સર્વ વૈષ્ણવ જુથ શ્રીજીના દરશન કરી. વચનામૃત સાંભળવાની ઈચ્છાથી સનમુખ બેઠા છે. ધોળ મંગળ ગવાય છે. ત્યારે શ્રીજીની આગળ ધર્મ શાસ્રની ચર્ચા ચાલી. તેમાં ધર્મશાસ્ર કયું શ્રેષ્ઠ છે એવી વાતનો પ્રસંગ ચાલ્યો.
તવારે શ્રીજીએ કહ્યું : કૃષ્ણભટ્ટ , જાનીરાઘવજી, રણછોડ પંડ્યો, તમે બધા ધર્મશાસ્ર જાણો છો. પંડિતવર્ગ છો. કૃષ્ણદાસ, સર્વ ધર્મશાસ્ર તો રૂષિ મુનિએ લખ્યા છે. તે તો બધા જીવ છે. ઈશ્વરની સત્તા નીચે રહીને લખ્યા છે. તેમાં ઈશ્વરની સત્તાનું જ્ઞાન તેને પરિપુરણ નથી. તે તો પોતાના અનુમાન અને અનુભવ જેવો હોય તેવું કહે છે. જો, વેદતો નેતિ, નેતિ, કરકે રહી ગયો. આગળ કાંઈ કહી શકાણું નહિ. અને વ્યાસજીને શ્રીઠાકોરજીએ સર્વ લીલાનો અનુભવ સમાધિમાં કરાવ્યો. તેમાં ત્રણ ભેદ બતાવ્યા. લૌકિકભાષા, પરમતભાષા, અરૂ સમાધિ ભાષા. તેમાં સમાધિભાષામાં ભાગવત્ દશમ સ્કંધકી લીલાનો અનુભવ કરાવ્યો. જો ભગવત ઈચ્છાથી થયો અને તેનું વર્ણન વ્યાસજીએ કર્યું. બાકી સર્વ ધર્મશાસ્ર જીવ પ્રેરિત છે. દાદાજી, મહાપ્રભુજીને એવું દ્રઢ માન્યું છે. ભગવત્ વચન સો ભગવદધર્મ, જામે હોય, જો બ્રહ્મસુત્ર, ગીતા, ભાગવત્ અરૂ વેદ વાક્ય. આટલું પ્રમાણમાં લીધું છે. જો તેની આગળ કોણ શું કહી શકે ? અરૂ ભગવદ્ વાણી અરૂ ભગવદ્ લીલાકો તો ભગવદી જન જાણે. બીજા કોઈ ન જાણે કારણ કે ભગવદીજન જે છે, તે તો સદા ભગવદરૂપ છે. ભગવદ સ્વરૂપકો આવેશ સદા બન્યો રહે તાતે તેના હૃદયકમલમાં શ્રીજી બિરાજે. તેથી કાંઈ અંતર તો છે નહિ. તેથી શ્રીજીની ઈચ્છા અને લીલાનું જ્ઞાન અને અનુભવ ભગવદીને જેટલો હોય, એટલો બીજાને હોય નહિ. તેથી ભગવદીની વાણી સદા શ્રીજીની વાણીથી અધિક માની જાય છે. તેમાં સંદેહ નથી.
ભગવદીજનને સર્વ જીવ પ્રતિ દયા ભાવ છે. તેથી પોતાની વાણી દ્વારા ભગવદ જશને પ્રગટ કરી સત્ય સિધ્ધાંત ભગવદ્ લીલાનો, ભગવદ્ ધર્મનો જણાવે છે. જેથી સર્વનું કલ્યાણ થાય. આવું કલ્યાણનું સાધન બીજા કોઈ ધર્મ શાસ્ર સંભાળવાથી થાય નહિ. કારણ કે સર્વ સકામ છે. સર્વમાં મિથ્યા કામનાની પૂર્તિનું સાધન બતાવવામાં આવ્યુ છે. જેનાથી કલ્યાણ જીવનું ન થાય. તે તો ભગવદ્ વિમુખ, આસુરી, પ્રવાહી, જીવ તેમાં આસક્ત થાય છે. ભગવદ ધર્મ પાલન કરવા વાળા જીવને કોઈ કામનું નથી સર્વથા બાધક છે, ત્યાજ છે. જેવો માર્ગ તેવું વિચારવું, પુષ્ટિ ભક્તિ પ્રેમલક્ષણાની છે. જેથી પ્રેમ સિવાય અન્ય વાત પુષ્ટિ ભક્તિમાં કોઈ કામની નથી. જો દાદાજીને કહી. ‘શુધ્ધા પ્રેમણા પ્રેમલક્ષણા અતિ દુર્લભા.’ શુધ્ધ પ્રેમના લક્ષણવાળા જીવ અતિ દુર્લભ છે. કૃષ્ણદાસ, સમજ મેં આયો. સર્વથી શ્રેષ્ઠ ભગવદ્ વચનામૃત, અરૂ ભગવદીની વાણી, જેનાથી કોઈ શ્રેષ્ઠ ધર્મશાસ્ર નથી.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩રમું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી બેન ગોરડિયા(શિહોર) ના જય ગોપાલ ||