સંવત : ૧૭૧૯
સ્થળ : જૂનાગઢ
અપરાધ તે શું અને કેમ જાણીએ કે અપરાધ પડ્યો.
આપશ્રીએ જુનાગઢનો પરદેશ કર્યો ત્યારે દેસાઈ મથુરદાસ, તથા દ્વારકાદાસના ઘરે બિરાજ્યા. જે માસ અઢી સુધી બિરાજયા. પ્રભુ શ્રીગોપાલલાલનો જન્મોત્સવ ખુબ જ આનંદથી મનાવ્યો. ભલી ભાતે સર્વને સુખદાન દીધું.
આપશ્રી પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે. ઉત્થાપનના સમે સર્વ જૂથ આપશ્રીના દર્શન સુખ લઈને સનમુખ બેઠું છે. ત્યારે રાજનો અંગીકૃત દેસાઈ દ્વારકાદાસ તેણે પ્રશ્ન કીધુ. જે રાજ ! જીવનો અપરાધ તે શું? જે અપરાધ પડ્યો ? પણ તે જીવ કેમ જાણી શકે ? જે હું થી અપરાધ થયો?
ત્યારે શ્રીજી પ્રશ્ન સાંભળી ઘણું પ્રસન્ન થયાં. અને શ્રીમુખથી કહેવા લાગ્યા. જે જીવના અપરાધ તો ઘણા છે. પણ તે અપરાધ સામું જોવે તો જીવનો વિસ્તાર ક્યારેય ન થાય. અને જીવના અપરાધને ન જોતા જીવના સ્વરૂપને સમજીને અંગીકાર થાય છે. તે પુષ્ટિ કહેવાય છે. તેનું નામ પુષ્ટિ માર્ગ. જેમાં જીવના અપરાધને ન જોતા તેની આતુરતા તેની લગનને જોઈને શ્રીજી તેનો અંગીકાર કરે છે. તેમાં મુખ્ય તો જીવે અપરાધથી ડરતા રહેવું. જે મારાથી અપરાધ ન પડે. તેવું ધ્યાન રાખે તો અપરાધ ન પડે. પણ જીવ માર્ગની મેંડ પ્રણાલિકા તેને છાંડે તો જરૂર અપરાધી થાય. તેમાં સંશય નથી. જે પોતે પોતાની મનમાની કરે તો અપરાધ પડે. શ્રીજીની આજ્ઞાનું હાર્દ તાદરશીના સંગમાં રહીને સમજી, તે માર્ગમાં રહે તો અપરાધ ન પડે.
જીવનો અપરાધ ન પડે તેને લીધે માર્ગ મેંડ-પ્રણાલિકા બાંધીને દેખાડી છે. તેનાથી બીજો કોઈ ઊંચો સિદ્ધાંત છે નહિ. જો પ્રણાલિકા – ચાલ, રિવાજ. મેંડ-બંધન-મર્યાદા, તેનું ઉલ્લંઘન ન કરે તો અપરાધ ન પડે. જો સિદ્ધાંત શ્રીજી શ્રીમુખથી કહે તેને વિચારી ચાલે તો અપરાધ ન પડે. તેમાં મુખ્ય કારણ પોતાના મનનું છે. મન અનેક જગ્યાએ ભટકે તો અપરાધ પડે. ભગવદીની વાણીમાં વિશ્વાસ ન હોય તો અપરાધ પડે. ભગવદી જે કહે છે, તે તો શ્રીજીનું કહેલું કહે છે. અને શ્રીજીની આજ્ઞા પ્રમાણ માની વર્તે તો અપરાધ ન પડે. અન્નાજીએ પોતાની સૃષ્ટિમાં પોતાના ઘરના સેવકોને જે આજ્ઞા કરી છે, તે પ્રમાણે મેંડ-પ્રણાલિકાથી વર્તે તેને અપરાધ શું પડે? ન જ પડે. પ્રભુજીનું આ વચનામૃત સાંભળી દેસાઈ દ્વારકાદાસ તથા સર્વે વૈષ્ણવ સમાજે અતિ પ્રશંષા પ્રભુજીની કરવા લાગ્યા.
|| ઈતિશ્રી ગોપેન્દ્રજીનું ૨૧મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||