|| પુષ્ટિસંહિતા ગ્રંથ લખવાની શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા ||

0
340

|| શ્રી ગોપાલો જયતે ||

સંવત ૧૭૯૭ ના ચઈતર માસે વદી ચતુરાદશીનો માંડવો રસિકપુર પાંચદેવળામાં થયો હતો. તે મકનદાસ, છીપાએ કીધો હતો. સવારે, હું તથા પાંચાભાઈ, જીવનદાસ ત્રણ જણા મળીને માંડવે ગયા હતા. અને આનંદ અધિક આવ્યો હતો. સવારે પાંચાભાઈને ચતુરાદશીની રાતે કાંઈક અસુખ જેવું જણાતું હતું. તેથી તે સુતા હતા અને હું તથા જીવનદાસ ઢાઢીલીલામાં કીરતન કરતા હતા. પછે ભળકડું થયું, તવારે હું, તથા જીવનદાસ પાંચાભાઈ પાસે ગયા.

પાંચાભાઈ તવારે ઘણું હરખાણા, આનંદમાં આવી ગયા. અને પોતાના અનુભવની વાત સર્વે કરી. જે ડોસા, જીવન, આજે મધરાતે શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત્ પધાર્યા. તે મુને જગાડીને દરશન આપ્યું અને આજ્ઞા કરીઃ પાંચા સુતો છો કેમ ? જાગ, મારે તને કાંઈક કહેવું છે. એમ કરીને શ્રી મુખથી બોલ્યાઃ સાંભળ તું કાંઈક આ મારગનો આપણા ઘરના અનુભવનો ગ્રંથ પરમાણનો વાર્તાનો લખ. જેથી આ સૃષ્ટિનું
પરમાણ જીવને જાણવામાં આવે. અને ગ્રંથનું નામ ‘પુષ્ટિ સંહિતા’ ધરજે. આટલું કહ્યું અને દરશન થાતું બંધ થયું. મારે પૂછવાનું મન ઘણું, પણ કોને પુછું. આપતો તુરત આજ્ઞા કરીને પધારી ગયા. કોટી સુરજ જેવું તેજ, લીલો જામો પેર્યો હતો. ધોતી, જરકસી પીતાંબરી પહેરી હતી. મુખે પાનના બીડલા આરોગતા હતા. સ્વરૂપતો જાણે જોબનવંત દીસતું. સાથે એક ખવાસ છડીદાર હતો. પણ મને કાંઈ સુજ પડે તે પેલા તો આટલી આજ્ઞા કરી પધાર્યા. આમ કહીને પાંચાભાઈ ઘણું વિહવળ થયા.

પછે મેં, તથા જીવનદાસે ઘણું ઢાઢસ આપીને કહ્યું: પાંચાભાઈ તમ ઉપર શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા થઈ છે. તમો તો ઘણા આ મારગના અનુભવી છો. આ મારગનું રહસ્ય તમો ઘણું જાણો છો. તમારા સિચને અમો સદાય લીલા રહ્યા છીએ. તમારી પાસે પ્રભુજીના લીલા ચરિત્રો અને પ્રતાપબળ, પરાક્રમબળ, કૃપાબળના ઘણા પરસંગ છે. અને અનુભવી ભગવદીજનના ઘણા ગ્રંથ તમારી પાસે છે તેમાં તમારે કોઈને પુછવા જેવું રેતું નથી. તમો તો એક તાદરશી કોટીના ભગવદી જીવ, લીલાના છો, એમાં કહેવાનું શું હોય. ઠાકરજીની ઈચ્છાથી બધુ રૂડુ થાશે. પાંચાભાઈ, તમને તો શ્રી ગોપાલજી અને તેના સેવક તથા શ્રી ગોપેન્દ્રજી અને તેના સેવક, અને મહારાજ શ્રી જમુનેશજી અને તેના સેવક સમાજનો પ્રગટ પ્રમાણ અનુભવ છે.

તેના ઘણા ચરિત્ર, વારતા પ્રસંગ તમારી જાણમાં છે. તમે ઘણા માંડવા, ખેલ મનોરથ ઓચ્છવના અનુભવ કીધા છે. તેના અનુભવના પરસંગ લખ્યા છે. તમે તો ભગવદ જશ રૂપીયું ધન, અઢળક ભેગું કીધું છે. તમે પ્રભુજીના વચનામૃત ઘણા સાથે રહીને સાંભળ્યા છે અને લખ્યાં છે. તેની પ્રાપત અમને થાતા સમજાણું છે કેઃ આ મારગમાં તમે આવી નિહાલ થયા, અને અમને કર્યા છે. તમે તો કોઈ પૂરવની લીલાના અધિકારી જીવ છો. જેથી ભૂતલમાં પ્રભુજીનો જશ તમે ગાયો છે અને લખીને બીજાને પ્રાપત કરાવી છે. તેના કારણે તમને ઠાકરજીની આજ્ઞા થઈ કે આ બધી વાતનો પરમાણ ગ્રંથ લખાય તો રૂડું.

પાંચાભાઈ, તમારી થકી ઠાકરજીને આ મારગનું રહેશ પ્રગટ કરવાની ઇચ્છા હશે. તો મનમાં ઉત્સાહ રાખી પરિયાણ કરો, જેથી ઠાકરજીની આજ્ઞાનું પરમાણ રહે. આ બધું જીવનદાસ કહી રહ્યા અને આગળ બોલ્યાઃ પાંચાભાઈ, તમારું આયું ઘણું થયું છે. દેહનો ભરોસો કરવો વ્યર્થ છે. પણ ઠાકરજીની ઈચ્છા છે, ત્યાં લગણ કાંઈ બાધક થાય તેમ નથી. માટે ઠાકરજીનું કામ ઠાકર” કરશે, આપણે તો નિમિત્ત ઠર્યા. માટે ઠાકરજીની ઇચ્છા જાણી, જે બોલાવીને ગ્રંથનો આરંભ માંડવો, તે નક્કી થાય તેમ કરો. જેથી મંગલમય શુભ પરિયાણ ગ્રંથ માંડવાનું થાય, તે દિવસે લખાય.

(‘ શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ‘ માંથી)

લેખન પ.ભ.શ્રી કિંજલ બેન તન્ના દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here